ભારતીય ઇમામ સંગઠનના વડાએ મોહન ભાગવતને રાષ્ટ્રપિતા કહ્યા:RSS સુપ્રીમોએ મસ્જિદ પહોંચીને ઇમામ સાથે મુલાકાત કરી, એક કલાક સુધી બેઠક ચાલી હતી

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • જ્ઞાનવાપી, હિજાબ વિવાદ અને વસ્તી નિયંત્રણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરુવારે અખિલ ભારતીય ઇમામ સંગઠનના વડા ડૉ. ઉમર અહેમદ ઇલ્યાસી સાથે મુલાકાત કરી હતી. RSS સુપ્રીમોની મુસ્લિમ ધાર્મિક નેતા સાથેની આ પ્રથમ મુલાકાત છે. બંને વચ્ચે દિલ્હીની કસ્તુરબા ગાંધી માર્ગ મસ્જિદમાં બંધબારણે લગભગ એક કલાક સુધી બેઠક ચાલી હતી.

બેઠક પછી ડો. ઉમર અહેમદને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે ભાગવતે થોડા સમય પહેલાં 'હિંદુ-મુસ્લિમનું DNA એક' એવું નિવેદન આપ્યું હતું, તમે આ વિશે શું કહેશો? ઈમામે જવાબ આપ્યો, "તેમણે જે કહ્યું તે સાચું છે, કારણ કે તેઓ રાષ્ટ્રપિતા અને રાષ્ટ્રઋષિ છે." તેઓએ જે કહ્યું તે યાગ્ય છે.

સહ સરકાર્યવાહ ડૉ. કૃષ્ણ ગોપાલ અને સંઘના વરિષ્ઠ પ્રચારક ઈન્દ્રેશ કુમાર, રામલાલ અને હરીશ કુમાર પણ ભાગવત સાથે બેઠકમાં હાજર રહ્યા હતા. સંઘ પ્રમુખની આ બેઠક દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દને મજબૂત કરવા અને હિંદુ-મુસ્લિમ વચ્ચેના અંતરને દૂર કરવાની કવાયત તરીકે જોવામાં આવે છે.

ડૉ. ઉમર અહેમદને મળવા પર સંઘ પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું કે RSS સરસંઘચાલક દરેક ક્ષેત્રના લોકોને મળે છે. આ સંઘની સામાન્ય સંવાદ પ્રક્રિયાનો એક ભાગ છે.
ડૉ. ઉમર અહેમદને મળવા પર સંઘ પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું કે RSS સરસંઘચાલક દરેક ક્ષેત્રના લોકોને મળે છે. આ સંઘની સામાન્ય સંવાદ પ્રક્રિયાનો એક ભાગ છે.

હિજાબ અને જ્ઞાનવાપી પર પણ થઈ ચર્ચા
RSSના નજીકનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં સંઘના વિચારોનો પ્રચાર કરવા અને ધાર્મિક સમાવેશના વિષયને પ્રોત્સાહન આપવા માટે આ બેઠક ઈમામો સાથે યોજાઈ હતી. બેઠકમાં જ્ઞાનવાપી વિવાદ, હિજાબ વિવાદ અને વસ્તી નિયંત્રણ જેવા તાજેતરના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન શું છે
ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન (AIIO) એ મસ્જિદોના ઈમામોનું અખિલ ભારતીય સંગઠન છે. જેની રચના 1976માં થઈ હતી. તેની રચના તમામ સ્તરે સામાજિક-આર્થિક મુદ્દાઓ ઉઠાવવા માટે કરવામાં આવી હતી. આ સંસ્થા ઈમામ ટ્રેનિંગ પ્રોગ્રામ, સિવિલ સોસાયટીના ફાઉન્ડેશનને મજબૂત બનાવવા જેવું કામ કરે છે.

અરશદ મદની સાથેની મુલાકાત પણ હેડલાઈન્સ બની હતી
2019માં ભાગવતની અરશદ મદની સાથેની મુલાકાત પણ હેડલાઈન્સ બની હતી. ઉલ્લેખનીય છે કે RSSએ પોતાની વિચારધારા બાબતે હંમેશાં સ્પષ્ટ કર્યું છે કે લોકોનો ધર્મ અથવા તેમની પૂજા પદ્ધતિ કોઈ પણ હોય, પરંતુ રાષ્ટ્રવાદ દરેકના હૃદયમાં હોવો જોઈએ.

ભાગવત 22મી ઓગસ્ટે મુસ્લિમ બૌદ્ધિકોને પણ મળ્યા હતા
આ પહેલાં 22 ઓગસ્ટે મુસ્લિમ બૌદ્ધિકોની પાંચ સભ્યોની ટીમ સંઘ પ્રમુખને મળી હતી. જેઓ ભાગવતને મળ્યા હતા તેમાં પૂર્વ સાંસદ શાહિદ સિદ્દીકી, પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશી, પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગ, અલીગઢ મુસ્લિમ યુનિ.ના પૂર્વ વાઇસ ચાન્સેલર જમીરુદ્દીન શાહ અને બિઝનેસમેન સઈદ શેરવાની સામેલ હતા.

શાહિદ સિદ્દીકીએ એક જાણીતી ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે દેશમાં બગડતા સાંપ્રદાયિક સૌહાર્દને પ્રતિબિંબિત કરવા માટે, સૌ પ્રથમ અમે પાંચેય સભ્યોએ એકબીજા સાથે વાત કરી. આ દરમિયાન બધાએ આરએસએસના વડા મોહન ભાગવતને મળવાનું નક્કી કર્યું અને તમામ મુદ્દાઓ પર તેમની સાથે વિચાર-વિમર્શ કરવામાં આવે, કારણ કે જે રીતે હિંદુ સમુદાયમાં સંઘનો પ્રભાવ વધ્યો છે, તે રીતે તેમને સાઈડમાં કરીને આગળ વધી શકાય તેમ નથી. ત્યારબાદ જ સંઘ પ્રમુખને પત્ર લખીને મળવાનો સમય માંગવામાં આવ્યો હતો, જે બાબતે તેમણે ઘણા દિવસો બાદ 22 ઓગસ્ટનો સમય આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...