લોકડાઉનના કારણે સ્થગિત થયેલી 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓની નવી તારીખોની જાહેરાત થઇ ગઇ છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વિટ કરીને CBSE બોર્ડની પરીક્ષા વિશે જાણકારી આપી હતી. બોર્ડના 29 એપ્રિલના ટ્વિટ પ્રમાણે હવે સ્થગિત થયેલા 83 વિષયોમાંથી માત્ર 29 વિષયો માટે પરીક્ષા આયોજિત થશે.
કેન્દ્રીય મંત્રી નિશંકે શુક્રવારે કહ્યું- લાંબા સમયથી CBSEની 10મા અને 12મા ધોરણની બાકીની પરીક્ષાઓની તારીખની રાહ હતી. આજે આ પરીક્ષાઓની તારીખ 1.07.2020થી 15.07.2020 વચ્ચે નક્કી કરવામાં આવી છે. હું આ પરીક્ષામાં ભાગ લેનારા દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા આપુ છું.
બોર્ડની સ્પષ્ટતા: 29 વિષયોની પરીક્ષા થશે
CBSEએ 29 એપ્રિલના એક ટ્વિટ કરીને સ્પષ્ટ કર્યું હતું કે હવે માત્ર એ મુખ્ય વિષયોની પરીક્ષાઓ થશે જે પ્રમોશન અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં પ્રવેશ માટે જરૂરી છે. બાકીના વિષયોની પરીક્ષા બોર્ડ આયોજિત નહીં કરે. આવા દરેક કેસમાં મૂલ્યાંકન અંગેના નિર્દેશ બોર્ડ અલગથી જાહેર કરશે. પરીક્ષા આયોજિત થવા જેવી પરિસ્થિતિ બનશે ત્યારે 83 વિષયોમાંથી માત્ર 29 વિષયો માટે પરીક્ષા યોજાશે.
હવે CBSEને 15 દિવસ મળ્યા
29 એપ્રિલના CBSEના અધિકારીઓએ કહ્યું હતું કે જો સરકાર તેમને 10થી 12 દિવસનો સમય આપે તો 12મા ધોરણના બાકી રહેલા મુખ્ય વિષયોની પરીક્ષાઓ કરાવી શકશે. CBSEના સચિવે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે સરકારને ઉત્તરવહીના મૂલ્યાંકનની મંજૂરી પણ માગી હતી.
10મા ધોરણની પરીક્ષા માત્ર ઉત્તર-પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓ માટે
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ત્રણ દિવસ પહેલા CBSEની 10મા બોર્ડની પરીક્ષા વિશે અપડેટ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઉત્તર-પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓને છોડીને દેશમાં હવે 10માના વિદ્યાર્થીઓ માટે કોઇ પરીક્ષા કરાવવામાં નહીં આવે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.