યુવકને કારથી ઢસડ્યાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કાર-ડ્રાઇવર યુવકને 200 મીટર સુધી ઢસડીને લઈ જતો દેખાયો. ઘટના ઉદયપુરના ઘંટાઘર વિસ્તારની શનિવાર રાતની છે.
જાણકારી અનુસાર, હેમરાજ નામનો યુવક માલદાસ સ્ટ્રીટ પાસે બેસતો હતો. લોકો પાસેથી પૈસા માગીને ગુજારો કરતો હતો. શનિવારે રાત્રે એક ઝડપી અલ્ટો કારે હેમરાજને ટક્કર મારી હતી અને તેને ઢસડીને લગભગ 200 મીટર દૂર આયુર્વેદ હોસ્પિટલ લઈ ગઈ હતી. ઘાયલ હાલતમાં રોડ પર પડેલા યુવકને સ્થાનિક લોકોએ હોસ્પિટલ ખસેડ્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું.
અકસ્માતના 2 દિવસ બાદ સોમવારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ હેમરાજને કારથી કચળી નાખવાની જાણકારી સામે આવી છે. આ પહેલાં અજ્ઞાત વાહનની ટક્કરથી મોત થવાનું મનાઈ રહ્યું હતું.
સોમવારે સીસીટીવી ચેક કરવા પર થયો ખુલાસો
ઘંટાઘર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કૈલાસે જણાવ્યું હતું કે શનિવારે મોડી રાત્રે અકસ્માતની જાણકારી સામે આવી હતી. પોલીસે આસપાસના કેટલાક સીસીટીવી ચેક કર્યા હતા, પરંતુ કેટલાક ખરાબ હતા. કાર સાથે અથડામણ જેવી કોઈ ઘટના બહાર આવી ન હતી. આ અંગે પોલીસે અજાણ્યા વાહનની ટક્કરને ધ્યાનમાં લઈ તપાસ હાથ ધરી હતી. હેમરાજના મૃત્યુ બાદ તેના પરિવારજનો વિશે માહિતી એકઠી કરી હતી. તે સીસારામ વિસ્તારનો રહેવાસી હતો.
ઘટનાસ્થળ નજીકની એક દુકાનમાં સીસીટીવી સ્ક્રીન ખામીયુક્ત હતી, જેથી સોમવારે બીજી સ્ક્રીન તપાસવામાં આવી હતી. એ બાદ આ અકસ્માત સામે આવ્યો હતો. પોલીસે કેસ નોંધ્યો છે. કારનો નંબર જાણીને યુવકોની શોધખોળ કરવામાં આવી રહી છે. કારમાં ચાર યુવક સવાર હતા.
ડોક અને પાંસળી તૂટી જતાં થયું મૃત્યુ
બીજી તરફ, એમબી હોસ્પિટલના શબઘરમાં હેમરાજનું પોસ્ટમોર્ટમ કરનારા તબીબોનું કહેવું છે કે તેને ગળા અને પેટના ભાગે વધુ ઈજાઓ થઈ હતી. ડોક અને પાંસળીનાં ફ્રેક્ચરને કારણે તેનું મૃત્યુ થયું હતું. છાતી અને માથાના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ પણ થઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ થોડા દિવસોમાં આવશે.
યુવકનાં માતા-પિતાનાં પહેલાં જ મૃત્યુ થઈ ચૂક્યાં હતાં
હેમરાજનાં માતા-પિતાની પહેલાં જ મૃત્યુ થઈ ચૂક્યાં છે. લાંબા સમયથી યુવક માલદાસ સ્ટ્રીટમાં રહેતો હતો. મૃતકની માસી માંગીબાઇએ જણાવ્યું હતું કે હેમરાજ માગીને જ ગુજારો કરતો હતો. પરિવારમાં કોઈ જ નથી. મારી સ્થિતિ પણ એવી નથી કે હું અંતિમસંસ્કાર કરી શકું. એટલે વહીવટી તંત્રએ જ વૈકુંઠ ધામ સેવા સંસ્થાન જોડે સંપર્ક કરાવીને તેના અંતિમસંસ્કાર કરાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.