પંજાબ સરકારે શનિવારે રાજ્યમાં દરેક પરિવારને 300 યુનિટ વિનામૂલ્યે વીજળીની જાહેરાત કરી હતી. આ જાહેરાત પહેલી જુલાઇથી લાગુ થશે. જોકે એક શરત એ છે કે જો બે મહિનામાં વીજવપરાશ 600 યુનિટથી વધારે થશે તો સંપૂર્ણ બિલની ચુકવણી કરવી પડશે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે પછાત વર્ગ તથા ગરીબી રેખા હેઠળના પરિવારો અને સ્વતંત્રતા સેનાનીઓના પરિવાર પાસેથી માત્ર 600 યુનિટથી વધુ વપરાશનું જ બિલ વસૂલવામાં આવશે. એટલે કે જો તેમનો બે મહિનાનો વપરાશ 640 યુનિટ હશે તો તેમણે માત્ર 40 યુનિટનાં નાણાં ચૂકવવાના રહેશે. આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં વિનામૂલ્યે વીજળીનું વચન આપ્યું હતું.
મુખ્યમંત્રી માને કહ્યું હતું કે આ જાહેરાત સાથે તેમણે વચન પાળ્યું છે. જોકે પંજાબ સરકારની આ જાહેરાતને પગલે સરકારી તિજોરી પર 5 હજાર કરોડ રૂપિયાનો વધુ બોજો આવશે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આ યોજનાનો લાભ 80 ટકા ઘરેલુ વીજ વપરાશકર્તાઓને થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની જેમ પંજાબની બિલિંગ સાઇકલ પણ 2 મહિનાની છે. રાજ્યમાં એસસી, બીસી, બીપીએલ તથા ફ્રીડમ ફાઇટર પરિવારોની સંખ્યા 21 લાખ જેટલી છે.
આ સાથે જ ભગવંત માને 2021ની 31 ડિસેમ્બર સુધીમાં 2 કિલોવૉટ લૉડ ધરાવનારા પરિવારોના વીજબિલનાં બાકી લેણાં માફ કરવાની પણ જાહેરાત કરી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે ઔદ્યોગિક તથા કોમર્શિયલ ગ્રાહકો માટે વીજળીના દરમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. પંજાબ સરકાર પર વિવિધ સબસિડીઓના કારણે વાર્ષિક 14 હજાર કરોડનો બોજો છે. જેમાંથી 7 હજાર કરોડ રૂપિયા ખેડૂતોને વિનામૂલ્યે વીજળીનો છે.
વિનામૂલ્યે વીજળી જેથી પરિવારો બાળકોના શિક્ષણ પાછળ વધુ નાણાં ખર્ચી શકે: માન
ભગવંત માને આગામી બેથી ત્રણ વર્ષમાં રાજ્યમાં 24 કલાક વીજપુરવઠો આપવાનું વચન પણ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે વીજબિલમાં મોટી રાહતને પગલે પરિવારો પોતાંના સંતાનોના શિક્ષણ પાછળ વધુ ખર્ચ કરી શકશે. પંજાબમાં કુલ 73.50 લાખ વીજગ્રાહકો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.