રાહુલ ગાંધીએ શ્રીનગરમાં કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે તિરંગો ફરકાવીને ભારત જોડો યાત્રાને સમાપ્ત કરી હતી. શ્રીનગરના શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં રાહુલ ગાંધીએ કાર્યકરોને સંબોધન કર્યું છે. રાહુલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે દેશની શક્તિ કાશ્મીરના લોકોની સાથે છે. ભારત જોડો યાત્રાથી મને ઘણુંબધું શીખવા મળ્યું છે.
ભાજપનો એકપણ નેતા અહીં પગપાળા નહીં ચાલી શકે, તેઓ ડરે છેઃ રાહુલ
હું જમ્મુ-કાશ્મીરના લોકો અને સેનાને કંઈક કહેવા માગું છું. હું હિંસાને સમજું છું. મેં હિંસા સહન કરી છે, જોઈ છે. જેમણે હિંસાને સહન ન કરી હોય, જેમણે હિંસા જોઈ ન હોય તેમને આ વાત સમજાશે નહીં, જેમ કે મોદીજી છે, અમિત શાહજી છે, સંઘના લોકો છે, તેમણે હિંસા જોઈ નથી. તેઓ ડરી રહ્યા છે. રાહુલે વધુમાં કહ્યું હતું કે અમે અહીં 4 દિવસ સુઘી પગપાળા ચાલ્યા. હું ગેરંટી આપું છું કે ભાજપનો એકપણ નેતા અહીં પગપાળા નહીં ચાલી શકે. તેઓ ડરે છે. શ્રીનગરમાં ભારે હિમવર્ષા વચ્ચે સંબોધન દરમિયાન રાહુલ ગાંધી ભાવુક થયા હતા. તેમણે કહ્યું- કાશ્મીરવાસીઓ અને સેનાની જેમ મેં પોતાનાઓને ગુમાવ્યાની પીડા સહન કરી છે, મોદી-શાહ આ દર્દ સમજી શકશે નહીં.
જમ્મુ-કાશ્મીરના લોકોએ મને હેન્ડ ગ્રેનેડ નહીં, પ્રેમ આપ્યોઃ રાહુલ
મેં વિચાર્યું કે જેઓ મને નફરત કરે છે, તેમને એક તક આપું કે તેઓ મારી સફેદ ટી-શર્ટનો રંગ બદલીને લાલ કરી દે. મારા પરિવારે મને શીખવ્યું છે કે જો જીવવું છે તો ડર્યા વિના જીવો, નહીં તો જીવવું નહીં. મેં વિચાર્યું, હું ચાર દિવસ અહીં ચાલીશ, મારી ટી-શર્ટનો રંગ લાલ કરી દેશે. જોયું જાશે, પણ મેં જે વિચાર્યું હતું એ જ થયું. જમ્મુ-કાશ્મીરના લોકોએ મને હેન્ડ ગ્રેનેડ નહીં, પણ દિલ ખોલીને પ્રેમ આપ્યો. મને ગળે લગાવ્યો છે.
યાત્રા દરમિયાન ગરીબ બાળકોને જોઈને મેં જાકીટ પહેરવાનું છોડી દીધું
રાહુલે વધુમાં જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રા દરમિયાન ગરીબ બાળકોને જોઈને મેં જાકીટ પહેરવાનું છોડી દીધું. મહિલાઓ મને જોઈને રડી પડતી હતી. રાહુલે કહ્યું, હું કન્યાકુમારીથી ચાલતો નીકળ્યો હતો અને લોકો આખા દેશમાં ચાલ્યા. સાચું કહું તો મને લાગતું હતું કે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલવામાં મુશ્કેલી નહીં થાય. કન્યાકુમારીથી 5-7 દિવસ ચાલ્યા પછી જબરદસ્ત તકલીફ પડી. હું વિચારવા લાગ્યો કે 3500 કિલોમીટર હું ચાલી શકીશ કે નહીં? મને જે સરળ લાગતું હતું એ ખૂબ જ મુશ્કેલ બન્યું છતાં પણ મેં આ કાર્ય પૂર્ણ કર્યું.
મેં એ જગ્યા જોઈ, જ્યાં દાદીમાને ગોળી મારવામાં આવી હતી
રાહુલે કહ્યું, હું જે કહી રહ્યો છું તે મોદીજી અને અમિત શાહજીને સમજાશે નહીં. આ વાત કાશ્મીરવાસીઓ સમજાશે, સેનાનાં પરિવારજનો સમજાશે. હું 14 વર્ષનો હતો. તેમણે મને કહ્યું, દાદીને ગોળી વાગી ગઈ છે. પછી મને ગાડીમાં લઈ ગયા. મને શાળામાંથી ઉઠાડી લેવામાં આવ્યો. પછી મેં તે જગ્યા જોઈ, જ્યાં દાદીમાને ગોળી મારવામાં આવી હતી. મારા પિતા આવ્યા, માતા આવ્યાં, ત્યારે માતા બોલી પણ શકતાં નહોતાં. અમે હિંસા જોઈ છે. જેઓ હિંસા કરાવે છે, મોદીજી છે, અમિત શાહજી છે, ડોભાલજી છે...તેઓ આ દુઃખને સમજી શકશે નહીં. અમે પીડાને સમજી શકીએ છીએ. જેમણે પોતાનાઓને ગુમાવ્યા છે તેમના દિલ પર શું વીતે છે, ફોન આવે ત્યારે કેવું લાગે છે, તે હું સમજું છું, મારી બહેન સમજે છે.
એક વ્યક્તિએ કહ્યું- આ બાળકો ગંદાં છે, મેં કહ્યું- તેઓ આપણા કરતાં વધુ સ્વચ્છ છે.
રાહુલે કહ્યું, હું યાત્રામાં ચાલી રહ્યો હતો, 4 બાળકો આવ્યાં. તેઓ ભીખ માંગતાં હતાં. તેની પાસે કપડાં નહોતાં. મેં તેમને ગળે લગાવ્યાં, મારી સાથે ચાલી રહેલા એક વ્યક્તિએ કહ્યું કે આ બાળકો ગંદાં છે, તેમની નજીક ન જવું જોઈએ. મેં તેમને કહ્યું કે બાળકો તમારા અને મારા કરતાં પણ વધુ સ્વચ્છ છે.
આ પહેલાં શ્રીનગરના શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રિયંકા ગાંધીએ સંબોધન કરતા કહ્યું- દરેક ભારતીય દેશમાં એકતા અને શાંતિ ઈચ્છે છે. જેઓ નફરતનું રાજકારણ કરે છે, તેમનાથી દેશનું ભલું થઈ શકે નહીં. સંબોધન વચ્ચે જ્યારે અઝાનનો સમય થયો ત્યારે તેમણે ભાષણ અટકાવી દીધું હતું.
આ યાત્રા 145 દિવસ પહેલાં 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ હતી. શ્રીનગરમાં હિમવર્ષા થઈ રહી છે. તેમ છતાં પણ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાહુલ અહીં અલગ અંદાજમાં જોવા મળ્યા છે. તેમણે બહેન પ્રિયંકા સાથે હિમવર્ષાની મજા માણી છે. બંને એકબીજા પર બરફ ફેંકતાં નજરે પડ્યાં હતાં. રાહુલે શ્રીનગરના શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં બપોરે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કર્યું છે.
એક દિવસ પહેલાં યાત્રા સમાપ્ત થઈ
રવિવાર, 29 જાન્યુઆરીએ રાહુલ ગાંધીએ શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવ્યો હતો. તેઓ સુરક્ષાકર્મીઓની કારમાં ત્યાં પહોંચ્યા હતા. તેમની સાથે બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર હતાં. તિરંગો ફરકાવ્યા બાદ રાહુલની ભારત જોડો યાત્રા સમાપ્ત થઈ, જ્યારે એ પહેલાં 30 જાન્યુઆરીએ પૂરી થવાની હતી. સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું હતું કે લાલચોક ખાતે કાર્યક્રમ બાદ યાત્રા સમાપ્ત કરવામાં આવી હતી.
રવિવારે પ્રેસ-કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કલમ 370 પર અમારું વલણ સ્પષ્ટ છે. અમારી વર્કિંગ કમિટીમાં આ અંગે ચર્ચા કરવામાં આવી છે, હું તમને દસ્તાવેજો બતાવીશ. અમે જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી સ્થાપવા માગીએ છીએ.
તેમણે કહ્યું હતું કે બીજેપીના કહેવા પ્રમાણે, કલમ 370 હટાવ્યા બાદ અહીં બધું બરાબર થઈ ગયું છે, પરંતુ અહીં ટાર્ગેટ કિલિંગ થઈ રહ્યું છે. લોકોમાં ભયનો માહોલ છે. જો બધું બરાબર છે તો અમિત શાહે જમ્મુથી શ્રીનગર સુધી કૂચ કરીને બતાવવી જોઈએ.
અન્ય સમાચાર પણ વાંચો...
કમલનાથે કહ્યું- 2024માં રાહુલ ગાંધી બનશે PM પદના ઉમેદવાર: ભારત જોડો યાત્રા પર કહ્યું- ઈતિહાસમાં આટલી લાંબી પદયાત્રા કોઈએ કરી નથી
લોકસભા ચૂંટણીને લઈ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષનો ચહેરો જ નહીં, પરંતુ વડાપ્રધાનપદના ઉમેદવાર પણ હશે. એક ન્યૂઝ એજન્સી અનુસાર, કમલનાથે કન્યાકુમારીથી કાશ્મીર સુધીના ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરવા બદલ રાહુલ ગાંધીની પ્રશંસા કરી હતી.
કમલનાથે કહ્યું હતું કે વિશ્વના ઈતિહાસમાં આટલી લાંબી પદયાત્રા કોઈએ કરી નથી. કોંગ્રેસનેતાએ કહ્યું હતું કે ગાંધી પરિવાર સિવાય અન્ય કોઈ પરિવારે દેશ માટે આટલું બલિદાન આપ્યું નથી. રાહુલ ગાંધી સત્તા માટે રાજનીતિ નથી કરતા, પરંતુ દેશના લોકો માટે કરે છે.
રાહુલને સાથ આપવા પહોંચ્યાં હતાં સોનિયા: ભારત જોડો યાત્રામાં 15 મિનિટ ચાલ્યા પછી રાહુલે પરત મોકલ્યાં, થોડો આરામ કર્યા પછી ફરી જોડાયાં
સોનિયા ગાંધી કર્ણાટકના મંડ્યામાં પાર્ટીની ભારત જોડો યાત્રામાં જોડાયાં હતાં. રાહુલે ખભા પર હાથ મૂકીને માતાને હાથ જોડીને આવકાર્યાં. આ પછી યાત્રામાં હાજર મહિલા નેતાઓએ સોનિયા ગાંધીનો હાથ પકડી લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.