વરરાજાને મેથીપાક ચખાડ્યો!:નિકાહમાં 8 લાખનો ખર્ચ; 3 લાખ અને હીરાની વીંટી આપી છતાં દહેજના તરસ્યા વરપક્ષે રૂપિયાની માગણી કરતાં દુલ્હાને ફટકાર્યો

એક મહિનો પહેલા

ગાઝિયાબાદમાં નિકાહની થોડી જ ક્ષણો પહેલાં 10 લાખ રૂપિયાની ડિમાન્ડ કરવી વરપક્ષને ભારે પડી ગઈ. કન્યા પક્ષને એ વાત પસંદ ન આવતાં દુલ્હાને ઢોરમાર માર્યો. વરરાજાને કન્યા વગર જ માર ખાઈને પાછા જવું પડ્યું. ઉપરથી ગાઝિયાબાદ પોલીસે વરરાજા અને તેના પિતા વિરુદ્ધ FIR નોંધી છે.

કન્યાપક્ષ લગ્નમાં 8 લાખ રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યો હતો
ગાઝિયાબાદના મોહમ્મદ અનસે જણાવ્યું કે તેણે પોતાની બહેન તયબ્બા અસદના નિકાહ આગ્રાના મુઝમ્મિલ હુસૈન સાથે નક્કી કર્યા હતા. 12 ડિસેમ્બરે ગાઝિયાબાદમાં વૃંદાવન મેરેજ હોલમાં દુલ્હો જાન લઈને પહોંચ્યો હતો. જમણવાર બાદ વરરાજા અને તેના પિતાએ કન્યાપક્ષ પાસે 10 લાખ રૂપિયાની માગ કરી હતી. રકમ ન મળવા પર દુલ્હન જોડે નિકાહ કરવાની ના પાડી દીધી.

કન્યાપક્ષ પ્રમાણે, તેઓ 3 લાખ રૂપિયા કેશ અને હીરાની વીંટી પહેલાં જ આપી ચૂક્યા હતા. નિકાહમાં 8 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. હવે તેઓ વધુ ખર્ચ કરવા સક્ષમ નહોતા, પરંતુ વરપક્ષે 10 લાખ વગર નિકાહ કરવા ન બેસતાં હોબાળો મચી ગયો હતો. કન્યાપક્ષે દુલ્હાને માર માર્યો. જાનૈયાઓએ તેને બચાવ્યો અને પાછો લઈ ગયા.

મુઝમ્મિલ પહેલાં પણ ઘણી છોકરીઓ જોડે સંબંધ તોડી ચૂક્યો છે
યુવતીના ભાઈ મોહમ્મદ અનસે જણાવ્યું હતું કે નિકાહ રદ થયા બાદ તેમણે દુલ્હા મુઝમ્મિલ હુસૈન વિશે તપાસ શરૂ કરી. આ પહેલાં પણ તેણે આવા ઘણા નિકાહ કર્યા હોવાનું બહાર આવ્યું છે. દર વખતે છેલ્લી ક્ષણે કન્યાપક્ષ પાસેથી દહેજમાં વધુ રોકડ માગે છે અને ન આપે તો નિકાહ તોડી નાખે છે. તેની સામે આવા અનેક કેસ નોંધાયેલા છે.

કન્યાપક્ષને મુઝમ્મિલ હુસૈનના અગાઉનાં લગ્નોના ફોટોગ્રાફ્સ પણ મળ્યા હતા. 17 ડિસેમ્બરે મોહમ્મદ અનસે મુઝમ્મિલ હુસૈન અને તેના પિતા મહેમૂદ હુસૈન વિરુદ્ધ પોલીસ સ્ટેશન સાહિબાબાદમાં છેતરપિંડી અને દહેજ એક્ટનો કેસ દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...