તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યસભામાં શુક્રવારે સવારે જ્યારે ખેડૂતોના મુદ્દે ચર્ચા શરૂ થઈ ત્યારે અંદાજે 3 કલાક સુધી સાંસદોનું કડક વલણ જોવા મળ્યું હતું. આ દરમિયાન શિવસેના સાંસદ સંજય રાઉત અને કોંગ્રેસ નેતા આનંદ શર્માએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જ્યારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરનો વારો આવ્યો ત્યારે તેમણે પણ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. જાણો આજે રાજ્યસભામાં શું થયું....
રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાનકોંગ્રેસ નેતા આનંદ શર્માએ પ્રવાસી મજૂરો અને ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, લોકડાઉન પછી દેશની સ્થિતિ સૌને ખબર છે. એવા લોકોને પણ જેમનો રોજગાર છીનવાયો, પરિવાર બરબાર થઈ ગયો. ખેડૂતોને મજબૂર કરાયા,તેમના જ અધિકાર માટે સંઘર્ષ કરવા માટે. તેના માટે સરકાર જવાબદાર છે.
જ્યારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પોતાની વાત રાખવા માટે આવ્યા તો તેમણે આનંદ શર્મા પર પલટવાર કર્યો. તોમરે કહ્યું કે, ખેડૂતો સાથે 12 વખત વાતચીત કરી છે. તેમનું કોઈ પણ પ્રકાર અપમાન નથી કરાયું. જો સરકાર કાયદામાં સુધારા માટે રાજી છે તો તેનો અર્થ એ ક્યારેય ન કાઢવો જોઈએ કે કાયદામાં કંઈ ગરબડ છે. એક જ રાજ્યમાં લોકો ગેરસમજણના શિકાર બન્યા છે. તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે કે તેમની જમીન છીનવી લેવાશે. દુનિયા જાણે છે, ખેતી પાણીથી થાય છે. લોહીથી ખેતી કોંગ્રેસ જ કરાવી શકે છે.
આનંદ શર્માએ કહ્યું- લોકડાઉનમાં સરકારની સંવેદનહીનતા જોવા મળી
આ પહેલા આનંદ શર્માએ કહ્યું કે, રાષ્ટ્રપતિના અભિભાષણમાં મહામારીની સિદ્ધી તો જણાવી દીધી, પણ લોકડાઉનના સમયે પ્રવાસી મજૂર, લાખો મજૂર હેરાન થઈ ગયા, પગપાળા ચાલવા માટે મજબૂર થઈ ગયા. રેલ ગાડીઓ ક્યાંની ક્યાં દોડવા લાગી. એક બાળક સ્ટેશન પર પોતાની મૃત માતા પરથી ચાદર હટાવે છે. આ સંવેદનહીનતા છે. જેની કોઈ ચર્ચા નથી. હું આરોપ નથી લગાવી રહ્યો.
શર્માએ વધુમાં કહ્યું, અચાનક મહામારી આવી, દુનિયાના ઘણા દેશ તૈયાર ન હતા. પ્રજાતંત્રમાં એકમત હોય, એક વિચાર હોય, તે ન શક્ય છે અને ન તો સ્વીકાર્ય. ભારતની પરંપરા ચિંતન અને ચર્ચાની રહી છે, વાદ-વિવાદ અને સંવાદની રહી છે. સરકારની દરેક નીતિ-નિર્ણયને જનતા સ્વીકાર કરે અને વિપક્ષ તેને મંજૂર કરે, આ ન તો શક્ય છે, ન સ્વીકાર્ય છે અને ન ક્યારે થશે.
સંજય રાઉતે અર્નબ, કંગના અંગે કટાક્ષ કરી
શુક્રવારે શિવસેના સાંસદ સંજય રાઉતે અર્નબ ગોસ્વામી અને કંગના રાણાવત વિશે કટાક્ષ કર્યો હતો. રાઉતે કહ્યું હતું કે દેશ પ્રેમી કોણ છે આપણા દેશમાં...અર્નબ ગોસ્વામી, જેના કારણે મહારાષ્ટ્રમાં એક નિર્દોષ વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી...કંગના, આ દેશપ્રેમી છે, પરંતુ પોતાના હક માટે લડતા ખેડૂતો દેશદ્રોહી છે.
રાઉતે કહ્યું- અર્નબ તમારા શરણમાં છે
શિવસેના સાંસદે વધુમાં અર્નબ ગોસ્વામીની વાત કરતાં કહ્યું, જેણે ઓફિશિયલ સિક્રેટ કોડ તોડીને બાલાકોટ સ્ટ્રાઈક વિશે પહેલા જ જણાવી દીધું, તે તમારી એટલે કે કેન્દ્ર સરકારની શરણમાં છે. તેને તમારું પ્રોટેક્શન છે. આ નેશનલ સિક્યોરિટીનો મુદ્દો છે. તમે એ વિશે વાત નથી કરતા.
કૃષિ મંત્રીએ કહ્યું- વિપક્ષે અમારી નિંદા કરવામાં સહેજ પણ કંજૂસી નથી રાખી
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહનો જ્યારે વારો આવ્યો ત્યારે તેમનો અંદાજ પણ અલગ જ હતો. તેમણે કહ્યું કે, વિપક્ષનો ધન્યવાદ કે તેમણે ખેડૂત આંદોલનની ચિંતા કરી. સરકારની નિંદા કરવામાં કંજૂસી પણ ન કરી અને કૃષિ કાયદાને ભારપૂર્વક કાળો કાયદો ગણાવ્યો. હું બે મહિના સુધી ખેડૂત યુનિયને પુછતો રહ્યો કે, કાયદામાં કાળું શું છે, પરંતુ મને જવાબ ન મળ્યો.
લોહીથી ખેતી માત્ર કોંગ્રેસ જ કરી શકે છે
કૃષિ મંત્રીએ કહ્યું કે, કોન્ટ્રાક્ટ એક્ટમાં કોઈ જોગવાઈ જણાવો જે ખેડૂત વિરોધી હોય. એક જ રાજ્યનો મુદ્દો છે. ખેડૂતોને ઉશ્કેરવામાં આવ્યા છે. દુનિયા જાણે છે કે, ખેતી પાણીથી થાય છે, લોહીથી ખેતી માત્ર કોંગ્રેસ જ કરી શકે છે. ભાજપ એવું ન કરી શકે.
અમારો એક્ટ ટેક્સને ખતમ કરશે
કૃષિ મંત્રીએ કહ્યું કે, અમે લોકોએ ટ્રેડ એક્ટ બનાવ્યો છે. તેમાં જોગવાઈ કરવામાં આવી છે કે, APMC બહાર જે વિસ્તાર છે તે ટ્રેડ વિસ્તાર બનશે. તે ખેડૂતોનું ઘર અથવા ખેતર પણ હોઈ શકે છે. જેથી તે ક્યાંયથી પણ પોતાનો પાક વેચી શકે. APMC બહાર થતાં ટ્રેડ પર રાજ્ય અથવા કેન્દ્ર સરકારનો કોઈ ટેક્સ નહીં લાગે. કેન્દ્ર સરકારનો કાયદો ટેક્સ ખતમ કરશે. ઘણાં રાજ્યોની સરકારના કાયદા APMCમાં ફરજિયાત પણે ટેક્સ લે છે.
સરકારને સવાલ કરનારા દેશદ્રોહી ગણાય છે
રાઉતે એવું પણ કહ્યું હતું કે કાલે ધર્મેન્દ્ર પ્રધાનજી બોલી રહ્યા હતા અને વારંવાર અમારી બાજુ કટાક્ષ કરતા હતા કે સાચુ બોલો તો મોક્ષ પ્રાપ્તિ થશે, પરંતુ આજે દેશમાં એવી સ્થિતિ છે કે સાચું બોલનારને ગદ્દાર કહેવામાં આવે છે. જે સરકારને સવાલ પૂછશે તેને દેશદ્રોહી કહેવામાં આવશે.
પત્રકારો, લેખકો પર સરકાર દેશદ્રોહીનો કેસ દાખલ કરી રહી છે
રાઉતે કહ્યું, ગૃહમાં અમારા સભ્ય છે સંજય સિંહ, તેમના પર દેશદ્રોહનો કેસ છે. રાજદીપ સરદેસાઈ પ્રખ્યાત પત્રકાર છે, તેમના પર દેશદ્રોહનો કેસ છે. સિંધુ બોર્ડર પર રિપોર્ટિંગ કરતા પત્રકારો અને લેખકો પર દેશદ્રોહનો કેસ દાખલ કરી દેવામાં આવે છે.
બહુમતી અહંકારથી નહીં, સર્વસંમતિથી ચાલે છે
રાઉતે કહ્યું હતું કે લાગે છે કાયદા IPCની દરેક કલમ પૂરી થઈ ગઈ છે, તેથી હવે માત્ર દેશદ્રોહની કલમ લગાવવામાં આવે છે. અમે દેશના વડાપ્રધાનનું સન્માન કરીએ છીએ અને કરતાં રહીશું. તેમને ભારે બહુમતી મળી છે, પરંતુ બહુમતી અહંકારથી નહીં, સર્વસંમતિથી ચાલે છે.
200 ખેડૂતો જેલમાં બંધ છે, પરંતુ દીપ સિદ્ધુ ગાયબ છે
26 જાન્યુઆરીએ લાલકિલ્લામાં થયેલા ઉપદ્રવ વિશે સંજય રાઉતે કહ્યું હતું કે ઉપદ્રવમાં સામેલ દીપ સિદ્ધુ કોણ છે, એ વિશે સરકાર કશું જ નથી કહેતી. હજી સુધી તેની ધરપકડ પણ કરવામાં આવી નથી પરંતુ 200થી વધારે ખેડૂતોને તિહાર જેલમાં બંધ કરી દેવામાં આવ્યા છે અને તેમના પર દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 100થી વધારે યુવકો ગુમ છે.
સરકાર માત્ર સફળતા ગણાવી રહી છે, નિષ્ફળતા છુપાવવામાં આવે છે
રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ આનંદ શર્માએ કહ્યું- રાષ્ટ્રપતિએ અભિભાષણમાં મહામારીની સફળતા તો ગણાવી દીધી, પરંતુ લોકડાઉન દરમિયાન લાખો મજૂરો મરી ગયા. ગાડીઓ ક્યાંની ક્યાં જતી રહી. એક બાળક સ્ટેશન પર તેની મરેલી માતા પરથી ઓઢવાનું હટાવે છે. આવી સંવેદનશીલ વાતોનો કોઈ ઉલ્લેખ ન કરાયો.
આ ગૃહમાં જય જવાન, જય કિસાનની વાત કરવામાં આવી. તેમાં જય વિજ્ઞાનની વાત પણ કરવામાં આવી. 20 કરોડ લોકોને વેક્સિન લગાવવાની છે. તેમાં 7 વર્ષ લાગશે. દેશમાં વિજ્ઞાનની શરૂઆત 1950ના દાયકામાં શરૂ થઈ ગઈ હતી. એ સમયે જ ઘણી મહત્ત્વની સંસ્થાઓ બની ગઈ હતી. ભારતમાં પહેલો સેટેલાઈટ 1975માં બની ગયો હતો. એ સમયે વડાપ્રધાન ઈન્દિરા ગાંધી હતાં. સરકારો તો આવતી-જતી રહે છે અને વિકાસ થતો રહે છે, પરંતુ એવું કહેવું કે દરેક વિકાસ અમારા સમયમાં જ થયો છે એ ખોટી વાત છે.
‘રાષ્ટ્રપતિ એ જ વાંચ છે જે સરકાર તેમને આપે છે’
શર્માએ કહ્યું કે, રાષ્ટ્રપતિનું અભિભાષણ સરકારનું નિરાશાજનક પ્રશંસાપત્ર છે. જેમાં કૃષિ કાયદાનો બિનજરૂરી ઉલ્લેખ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે જાણીએ છીએ કે રાષ્ટ્રપતિ એ જ વાંચે છે, જે સરકાર આપે છે. એક બાજું સંઘર્ષ ચાલી રહ્યો છે, તો બીજી બાજુ અભિભાષણમાં કૃષિ કાયદાની પ્રશંસા થઈ રહી છે, આનાથી વધીને દુઃખની વાત ન હોઈ શકે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.