• Gujarati News
  • National
  • The Prime Minister's Convoy Got Stuck In The Road But CM Channy Did Not Pick Up The Phone, Nadda's Big Allegation; Home Ministry Seeks Report From Punjab Government

PMની સુરક્ષામાં વિવાદ:વડાપ્રધાનનો કાફલો રસ્તામાં ફસાયો પરંતુ CM ચન્નીએ ફોન જ ન ઉપાડ્યો- નડ્ડા; એકાએક રુટ બદલાયો તે અંગે કોઈ જ માહિતી નહોતીઃ ચન્ની

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ CM ચરણજીત સિંહ ચન્ની સામે ગંભીર આરોપ લાગ્યા - Divya Bhaskar
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ CM ચરણજીત સિંહ ચન્ની સામે ગંભીર આરોપ લાગ્યા
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે પંજાબના ફિરોઝપુરમાં રેલી કરવાના હતા
  • હાર્દિક પટેલે 2017માં રાહુલ ગાંધીના કાફલા પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરી ભાજપ પર નિશાન સાધ્યું
  • નરેન્દ્ર મોદીના કાફલાનો રસ્તો આંદોલનકારી ખેડૂતોએ રોક્યો હતો

પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી જે અંગે હવે રાજકારણ પણ શરુ થઈ ગયું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ CM ચરણજીત સિંહ ચન્ની સામે ગંભીર આરોપ લાગ્યા છે. નડ્ડાએ દાવો કર્યો છે કે જ્યારે PM મોદીનો કાફલો ફસાયો હતો ત્યારે CM ચન્નીએ ફોન પર વાત કરવાનો અને મુદ્દાના સમાધાનનો ઈનકાર કરી દીધો.

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, 'મને ખેદ છે કે વડાપ્રધાન મોદીને આજે ફિરોઝપુર જિલ્લાની મુલાકાત દરમિયાન અધવચ્ચેથી જ પરત ફરવું પડ્યું. અમે અમારા વડાપ્રધાનનું સન્માન કરીએ છીએ. મને આજે ભઠિંડામાં PM મોદીના સ્વાગત માટે જવાનું હતું પરંતુ જે લોકોને મારી સાથે આવવાનું હતું તેઓ કોરોનાથી સંક્રમિત થઈ ગયા તેથી હું વડાપ્રધાનને રિસીવ કરવા ન જઈ શક્યો કેમકે હું કોરોના પોઝિટિવ આવેલા કેટલાંક લોકોના સંપર્કમાં હતો.'

વાંચોઃ એરપોર્ટ પર મોદીએ અધિકારીઓને કહ્યું- હું એરપોર્ટ સુધી જીવતો પહોંચી શક્યો, એ માટે તમારા CMને થેન્કસ કહેજો

માત્ર 20 મિનિટ ખેડૂતોએ રોક્યા તો તમારો જીવ ખતરામાં આવી ગયોઃ હાર્દિક પટેલ
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પણ એક પછી ટ્વીટ કરી વડાપ્રધાનના કાફલા અંગે પ્રતિક્રિયા આપી હતી. હાર્દિક પટેલે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરી બનાસકાંઠામાં રાહુલ ગાંધીની ગાડી પર થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. હાર્દિક પટેલે લખ્યું કે, '2017ની વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લામાં રાહુલ ગાંધી પર ભાજપના કાર્યકર્તાઓએ પથ્થર માર્યો હતો અને જીવલેણ હુમલો કર્યો હતો ત્યારે ભાજપ હુમલાખોરને બચાવવામા વ્યસ્ત હતું. અમે બધાં જ જાણીએ છીએ કે ભાજપ પોતાની રાજનીતિ અને સત્તા બચાવવા માટે કોઈ પણ હદ પાર કરી શકે છે.'

કોંગ્રેસ નેતાએ વધુમાં લખ્યું કે, 'વડાપ્રધાનજી તમે ભૂલી રહ્યાં છો, તમારી ખોટી નીતિઓને કારણે ત્રણ કાળા કૃષિ કાયદા લાગુ થયા હતા અને આ કારણે 700 કિસાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ બધું થયું તેના કારણે જ આજે પંજાબમાં ખેડૂતોએ તમારો વિરોધ કર્યો અને તમને સાંભળવા માટે એક વ્યક્તિ ન આવ્યો. ગંદી રાજનીતિ કરીને દેશને ભટકાવો નહીં.'

હાર્દિક પટેલે ત્રીજી ટ્વીટ કરી જેમાં લખ્યું કે, 'તમે વડાપ્રધાન છો, તમારી સાથે સુરક્ષાકર્મીઓ હોય છે, માત્ર 20 મિનિટ ખેડૂતોએ રોક્યા તો તમારો જીવ ખતરામાં આવી ગયો! નિર્દોષ આંદોલનકારીઓને તમારી પોલીસ કારણ વગર ઉઠાવી લે છે, ધરણાં કરે તે પહેલાં જ પકડી લે છે, કલાકો સુધી સ્ટેશનમાં બેસાડી દે છે, ત્યારે આંદોલનકારીઓનું શું થતું હશે?'

PMનો રુટ બદલાયો તે અંગે કોઈ જ માહિતી ન હતીઃ પંજાબ CM
ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે, 'અમે PMOને ખરાબ હવામાનની સ્થિતિ અને વિરોધના કારણે યાત્રા રોકવાનું કહ્યું હતું. અમને વડાપ્રધાન મોદીના કાફલામાં એકાએક આવેલા ફેરફાર અંગે કોઈ જ સુચના અપાઈ ન હતી. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષામાં કોઈ જ ગફલત નથી થઈ. જો આજે PM મોદીની મુલાકાત દરમિયાન કોઈ પણ ચૂક રહી હશે તો અમે તેની તપાસ કરાવીશું. વડાપ્રધાનને કોઈ જ ખતરો ન હતો.'

અનેક ટ્વીટ કરી ભાજપ અધ્યક્ષે કર્યા આક્ષેપો
નડ્ડાએ ટ્વીટ કરી દાવો કર્યો કે જ્યારે PM મોદીનો કાફલો રોડ પર ફસાયેલો હતો ત્યારે CM ચન્નીએ ફોન પર વાત કરવાનો ઈનકાર કરી દીધો હતો. નડ્ડાએ એક પછી એક અનેક ટ્વીટ કર્યા. તેઓએ લખ્યું, 'પંજાબમાં આવતી ચૂંટણીમાં કારમી હાર ભાળી ગયેલી કોંગ્રેસની સરકારે PMનો કાર્યક્રમ રદ કરાવવા દરેક શક્ય એવા પ્રયાસો કર્યા. આવું કરતા સમયે તેઓને તે પણ યાદ ન આવ્યું કે PM મોદી ભગત સિંહ અને અન્ય શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના છે તેમજ વિકાસ કાર્યોની આધારશિલા મુકવાની છે.'

નડ્ડાએ વધુમાં આક્ષેપ કર્યો કે, પોતાની આવી નીચલા લેવલની હરકતે પંજાબની કોંગ્રેસ સરકારે દેખાડી દીધું કે તેઓ વિકાસના વિરોધી છે અને સ્વતંત્રતા સેનાનીઓ માટે પણ તેમના મનમાં કોઈ માન-સન્માન નથી.

આ PM મોદીની સુરક્ષામાં મોટી ચૂક- નડ્ડા
ભાજપ અધ્યક્ષે વધુમાં લખ્યું કે, 'સૌથી મોટી ચિંતા તે વાતની છે કે આ ઘટના PM મોદીની સુરક્ષામાં મોટી ચૂક હતી. PM મોદીના રુટ અંગે પંજાબના મુખ્ય સચિવ તેમજ DGPથી SGPને કહેવામાં આવ્યું હતું, તેમ છતાં ત્યાં પ્રદર્શનકારીઓને જવા દીધા. તેનાથી પણ ખરાબ વાત એ છે કે CM ચન્નીએ ફોન પર વાત કરવા અને આ સમસ્યાના સમાધાનનો ઈનકાર કરી દીધો. પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા ઉપયોગમાં લાવનારી આ રણનીતિ લોકશાહીમાં વિશ્વાસ રાખનારી તમામ વ્યક્તિને દુઃખ પહોંચાડનારી છે.'

નડ્ડાએ પંજાબ પોલીસ પર પણ લગાવ્યા આરોપ
નડ્ડાએ કહ્યું, 'લોકોને રેલીમાં સામેલ ન થાય તે માટે રાજ્યની પોલીસને નિર્દેશ આપવામાં આવ્યા હતા. પોલીસની મનમાની અને પ્રદર્શનકારીઓના મેળાપીપણાને કારણે રેલીમાં આવનારી અનેક બસ પણ ફસાઈ ગઈ હતી.'

ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસે માગ્યો જવાબ
ગૃહ મંત્રાલય મુજબ, PM મોદીના કાર્યક્રમ અને મુલાકાત અંગે પંજાબ સરકારને પહેલેથી જાણ કરી દેવામાં આવી હતી. એવામાં નિયમો મુજબ રાજ્યને સુરક્ષાની સાથે સાથે આકસ્મિક યોજના તૈયાર રાખવાની પણ જરૂરિયાત હતી. સાથે જ આકસ્મિક પ્લાનને જોતા પંજાબ સરકારે સડક માર્ગ પર વધારાની સુરક્ષા તહેનાત કરવાની હતી પરંતુ આવું કંઈ જ ન થયું. આ સુરક્ષા ચૂક પછી કાફલાને ભટિંડા એરપોર્ટ પર પરત લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો.

ગૃહ મંત્રાલયે સુરક્ષા ચૂક મામલે પંજાબ સરકાર પાસે જવાબ માગ્યો છે. રાજ્ય સરકારે પણ આ ભૂલની જવાબદારી નક્કી કરવા અને કડક કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...