તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Prime Minister Announced The Eighth Installment; To Benefit Bengal Farmers For The First Time, Follow This Process To See The Name In The List

વડાપ્રધાનનું એલાન-એ-જંગ:મોદીએ કહ્યું- આપણે એક અદૃશ્ય દુશ્મન સામે યુદ્ધ લડી રહ્યા છીએ; ગ્રામીણ વિસ્તારોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • સરકારે કૃષિ અને એનાથી જોડાયેલી પ્રવૃત્તિઓથી સંબંધિત લોન ચુકવણીની તારીખ લંબાવી
  • ટૂંકા ગાળા માટે 3 લાખ રૂપિયા સુધીની લોન લેનારાઓને લાભ મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કિસાન સન્માન નિધિ યોજનાના 8મા હપતાને વીડિયો-કોન્ફરન્સ દ્વારા જાહેર કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાનના સંબોધનમાં કોરોના વિશેની તેમની ચિંતા સ્પષ્ટ નજરે પડી હતી. મોદીએ કહ્યું હતું કે આપણે એક અદૃશ્ય દુશ્મનનો સામનો કરી રહ્યા છીએ. એની સામે યુદ્ધના ધોરણે લડાઈ ચાલુ છે, સાથે જ કહ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે. ગામલોકોએ માસ્ક પહેરવાની સાથે અન્ય રક્ષણાત્મક ઉપાય જરૂર કરવા જોઈએ.

વડાપ્રધાનના ભાષણની મહત્ત્વપૂર્ણ વાતો

  • 100 વર્ષ બાદ આવી ભયંકર મહામારી ડગલે ને પગલે વિશ્વની કસોટી લઈ રહી છે. આપણી સામે એક અદૃશ્ય દુશ્મન છે. આપણે આપણા ઘણા નજીકનાઓને ગુમાવી ચૂક્યા છીએ. છેલ્લા કેટલાક સમયથી જે મુશ્કેલીઓ દેશવાસીઓએ સહન કરી છે એને હું પણ એટલી જ અનુભવી રહ્યો છું.
  • આ મુશ્કેલીના સમયમાં કેટલાક લોકો તેમના સ્વાર્થને કારણે દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓના સંગ્રહિત કરીને કાળાં બજારમાં લાગેલા છે. હું રાજ્ય સરકારોને વિનંતી કરીશ કે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ કૃત્ય માણસાઈની વિરુદ્ધનું છે.
  • ભારત હિંમત હારનારો દેશ નથી, ભારત અને કોઈ ભારતીય હિંમત હારશે નહીં. અમે લડીશું અને જીતીશું.
  • દેશભરની સરકારી હોસ્પિટલોમાં નિ:શુલ્ક વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે, તેથી જ્યારે પણ તમારો વારો આવે ત્યારે વેક્સિન લો.
  • આ વેક્સિન તમને કોરોના સામે રક્ષણ આપશે, ગંભીર બીમારીની સંભાવના ઘટાડશે. માસ્ક અને બે ગજની દૂરીનો મંત્ર છોડવાનો નથી.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 8મા હપતાનું વિતરણ
PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 8મા હપતાનું વિતરણ શરૂ કર્યું હતું. PM મોદી પોતે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા ઘણા ખેડૂતોનાં ખાતાંમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા. મળતી માહિતી મુજબ 8મા હપતા તરીકે 9.5 કરોડ ખેડૂતોને 2000-2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. કેન્દ્ર સરકાર આ પર 19 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત 2019માં વચગાળાના બજેટમાં કરવામાં આવી હતી. આ યોજના ડિસેમ્બર 2018થી અમલમાં આવી છે.

PM મોદીએ ખેડૂતો સાથે વાત કરી
આઠમા હપતાની રકમ ટ્રાન્સફર કર્યા પછી પીએમ નરેન્દ્ર મોદીએ વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા દેશભરના ખેડૂતો સાથે વાતચીત કરી હતી. ઉત્તરપ્રદેશના ઉન્નાવના ખેડૂત અરવિંદ નિષાદ સાથે પીએમ મોદીએ વાત કરી. ત્યાર બાદ આંદામાન અને નિકોબાર, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, મેઘાલયના ખેડૂતો પાસેથી તેમના ખેતીના અનુભવ વિશે જાણકારી મેળવી. પીએમ મોદીએ કૃષિને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતો દ્વારા કરવામાં આવતા પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.

વડાપ્રધાને શું-શું કહ્યું?

  • બંગાળના ખેડૂતોને પહેલીવાર પીએમ કિસાન સન્માન નિધિની સુવિધાનો લાભ મળવાનું શરૂ થયું છે. આજે બંગાળના લાખો ખેડૂતો સુધી પ્રથમ હપતો પહોંચી ગયો છે. જેમ જેમ રાજ્યના ખેડૂતોનાં નામ કેન્દ્ર સરકારને મળશે, તેમ-તેમ લાભાર્થી ખેડૂતોની સંખ્યામાં વધારો કરવામાં આવશે.
  • અત્યારસુધીમાં આ યોજના (પીએમ કિસાન સન્માન નિધિ) હેઠળ દેશના 11 કરોડ ખેડૂતો પાસે આશરે 1 લાખ 35 હજાર કરોડ રૂપિયા પહોંચી ગયા છે. તેમાંથી માત્ર કોરોના સમયગાળામાં જ 60,000 કરોડ રૂપિયા કરતાં પણ વધુ પહોંચ્યા છે.
  • દેશના કરોડો ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સરકારે બેંકો દ્વારા કૃષિ અને તેને લગતી પ્રવૃત્તિઓ માટે 3 લાખ રૂપિયા સુધીની તમામ ટૂંકા ગાળાની લોન માટેની ચુકવણીની તારીખ 30 જૂન 2021 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ લંબાવાયેલા સમયગાળામાં ખેડૂતોને 4% વ્યાજ સબવેશન અને તરત પેમેન્ટ પ્રોત્સાહન યોજનાનો લાભ પણ મળશે.
  • કોરોનામાં ભારત વિશ્વની સૌથી મોટી મફત રાશન યોજના ચલાવી રહ્યું છે. પીએમ ગરીબ કલ્યાણ અન્ના યોજના દ્વારા ગત વર્ષે 8 મહિના માટે ગરીબોને મફત રાશન આપવામાં આવ્યું હતું. આ વખતે મે અને જૂનમાં દેશના 80 કરોડથી વધુ લોકોને રાશન મળે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા મળે છે
PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દરેક ખેડૂત પરિવારને દર વર્ષે 6,000 રૂપિયા આપે છે. આ રકમ રૂ .2,000ના ત્રણ સમાન હપતામાં આપવામાં આવે છે. દર 4 મહિના પછી આ સન્માનની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, આ યોજના હેઠળ લાભાર્થી ખેડૂત પરિવારોને અત્યારસુધીમાં 1.16 લાખ કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પહેલાં 25 ડિસેમ્બર 2020ના રોજ લગભગ 9 કરોડ ખેડૂતોને સાતમો હપતો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.