મોહિત કંધારી | જમ્મુ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ગેરકાયદે રીતે રહેતા રોહિંગ્યાઓ વિરુદ્ધ 2021માં અભિયાન ચલાવાયું હતું. આ દરમિયાન ગેરકાયદે રીતે રહેતા મહિલાઓ-બાળકો સહિત પકડાયેલા રોહિંગ્યાઓને માર્ચ 2021થી કઠુઆ જિલ્લાના હીરાનગર સબ જેલના એક હિસ્સામાં બનેલા ડિટેન્શન સેન્ટરમાં રખાયા છે. વૃદ્ધો સહિત તેમની સંખ્યા 260 છે, જેમાં 50-60 બાળક પણ છે.
આ ડિટેન્શન સેન્ટરમાં હાલ 14 બાળક પણ જન્મ્યા છે અને આગામી એક-બે મહિનામાં બીજા સાત નવજાત પણ અહીં ઉમેરાશે. એટલે કે ડિટેન્શન સેન્ટરમાં પણ રોહિંગ્યાની વસતી વધી રહી છે. નોંધનીય છે કે, વિદેશીઓને ઓળખીને તેમને તેમના દેશમાં મોકલવા કેન્દ્રના નિર્દેશ પર જમ્મુ-કાશ્મીર સરકારે 2021માં ગેરકાયદે રીતે રહેતા રોહિંગ્યાને ઓળખવાનું અભિયાન શરૂ કર્યું હતું. બાદમાં ગૃહ વિભાગના નોટિફિકેશન થકી વિદેશી અધિનિયમ હેઠળ 250 લોકોની ક્ષમતા ધરાવતું ડિટેન્શન સેન્ટર પણ બનાવાયું હતું.
બાળકોના શિક્ષણ માટે વિશેષ વ્યવસ્થાઃ સત્તાવાર સૂત્રોએ કહ્યું છે કે, ડિટેન્શન સેન્ટરમાં રહેતા ગેરકાયદે વિદેશીઓના નાના બાળકોને માતા-પિતાથી જુદા શિશુ ગૃહમાં રખાય છે, જ્યાં તેમના ભણવાની વ્યવસ્થા પણ હોય છે. બીજી તરફ, મહિલાઓ માટે વિશેષ રોજગારી કાર્યક્રમો પણ ચલાવાય છે. પુરુષો સ્વૈચ્છિક રીતે બાંધકામ ક્ષેત્રે કામ કરે છે. આ ઉપરાંત જમ્મુમાં અટકાયતમાં લેવાયેલા રોહિંગ્યાઓના પરિવારના અનેક સભ્યોએ ફરિયાદ કરી છે કે, તેઓ પોતાના સગાસંબંધી અને પરિવારના સભ્યોને મળવા સેન્ટર જાય છે, ત્યારે તેમને મળવાનો પૂરતો સમય નથી અપાતો.
ગેરકાયદે રોહિંગ્યાઓ મુદ્દે ગૃહ મંત્રાલય નિર્ણય કરશે
ડિટેન્શન સેન્ટરના એક અધિકારીએ કહ્યું કે, આ ગેરકાયદે લોકોની ઓળખ પ્રક્રિયા પૂરી કર્યા પછી તેમની ફાઈલો જરૂરી કાર્યવાહી માટે સીઆઈડી હેડ ક્વાર્ટરમાં જમા કરી દેવાઈ છે. હવે બૉલ ગૃહ મંત્રાલયની કોર્ટમાં છે. જ્યારે પણ તેઓ આદેશ આપશે, ત્યારે અમે તમામને મુક્ત કરી દઈશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.