• Gujarati News
  • National
  • The Poor Condition Of The Students Crying, The Women Insecure, What They Got In 20 Years Went To Waste

હવે અફઘાનિસ્તાનમાં પેદા થશે હજારો ઓસામા:વિદ્યાર્થીઓની રડી-રડીને ખરાબ હાલત, મહિલાઓ અસુરક્ષિત, 20 વર્ષમાં જે મેળવ્યું તે એળે ગયું

3 મહિનો પહેલા
  • અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી એરઈન્ડિયાનું વિશેષ પ્લેન AI244 રવિવારે 129 યાત્રિકોને લઈને દિલ્હી પહોંચ્યું છે

અફઘાનિસ્તાન ફરી તાલિબાનોના બાનમાં આવી ગયું છે. તાલિબાનોએ સત્તા કબજે કરતા અહીં સ્થિતિ બદથી બદતર જોવા મળી રહી છે. જો કે આ તો હજુ શરૂઆત જ છે, કેટલાંક નિષ્ણાંતોના મતે અફઘાનિસ્તાન ફરી બે દશકા પાછળ ધકેલાય ગયું છે. અફઘાનિસ્તાનમાંથી લોકો પોતાના ઘર, નોકરી-ધંધા અને સંપત્તિ છોડીને ભાગી રહ્યા છે. અફઘાનિસ્તાનને 20 વર્ષમાં જેટલી પ્રગતિ કરી હતી તે બધી જ એક દિવસમાં ધોવાઈ ગઈ છે. અહીંના વિદ્યાર્થીઓની હાલત પણ દયાજનક છે. રડી રડીને તેમની હાલત ખરાબ થઈ ગઈ છે. જ્યારે અહીં મહિલાઓ અને યુવતીઓ પણ ડરના ઓછાયા હેઠળ જીવી રહી છે. સોશિયલ મીડિયા ટ્વિટર પર અમુક ત્યાના સ્થાનિકો અને વિદ્યાર્થીઓના એવા વીડિયો વાયરલ થયા છે જે ત્યાંની દયનિય સ્થિતિ દર્શાવી રહ્યા છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાથી તેના દેશના લાખો યુવતીઓ હેરાન-પરેશાન છે, તેમની આશા ડૂબી રહી છે. સારું જીવન જીવવાની ચાહ રાખનારા અફઘાની યુવક-યુવતીઓ પોતાને ઘણી જ અસહાય અને લાચાર અનુભવી રહી છે. દિલ્હીમાં હાજર ઝારા પોતાના દેશની હાલની સ્થિતિને લઈને ઘણી જ દુઃખી છે અને ભાવુક થઈ રહી છે. ભારતમાં હાજર ઝારાએ કહ્યું કે, આટલી નિસહાય અને નિરાશાનો અનુભવ તેને ક્યારેય કર્યો નથી. અમારી 20 વર્ષની ઉપલબ્ધિઓ થોડાં દિવસોમાં જ ધોવાઈ ગઈ છે.

ઝારા ભાંગી પડી
ભારતમાં કામ કરતી અફઘાનિસ્તાનની નાગરિક ઝારા ત્યાંની સ્થિતિ વિશે વાત કરતાં કરતાં રડી પડે છે. તે કહે છે કે, આટલી લાચારીનો અનુભવ ક્યારેય નથી થયો. ખૂબ નિરાશા થઈ રહી છે અને આગળ હવે કોઈ સારા ભવિષ્યની આશા દેખાતી નથી. અમે 20 વર્ષમાં મેળવેલું ગણતરીના દિવસોમાં જ ગુમાવી દીધું છે. મને ખબર છે કે તાલિબાનીઓ કેવા છે. મારા ઘણાં મિત્રો હજુ પણ અફઘાનિસ્તાનમાં છે જેઓ ઘણાં જ ડરેલા છે.

આ અફઘાનિસ્તાનની યુવતી ઝારા છે, જેને પોતાના દેશમાં તાલિબાને ફરી કબજો કરતા ઘણી જ દુઃખી જોવા મળી રહી છે. પોતાના આ દર્દને વાચા આપતા તે ધ્રુસકેને ધ્રુસકે રડી પડી છે.

અમારી હાલત પાંદડા જેવી થઈ ગઈ, જે બાજુ પવન ફુંકાશે ત્યાં ગોથા ખાશું અમે
તો દિલ્હીમાં અભ્યાસ કરતા એક યુવા વિદ્યાર્થીએ દર્દ-એ-દાસ્તાં રજૂ કરી છે. અફઘાન નાગરિક જાવેદે કહ્યું કે, 'હું મારો અભ્યાસ પૂરો કર્યા બાદ મારા દેશની સેવા કરવા માગતો હતો.... તાલિબાન પાકિસ્તાનના એક પ્રકારના સહયોગી છે અને અમે ભારતમાં છીએ, પરત ફરવા માટે સુરક્ષિત નથી. પરંતુ જો અમે અહીં રહીશું તો ભારત સરકાર અમને વીઝા નહીં આપે. અમારી હાલત એક પાંદડા જેવી થઈ છે, જે હવાનું રૂખ જે બાજુ જશે તે બાજુ અમે પણ ગોથા ખાતા રહીશું.'

અફઘાન પ્રેસિડન્ટ અશરફ ગનીનું પગલું અયોગ્ય
કાબુલથી રવિવારનાં રોજ દિલ્હી પરત ફરેલા એક અફઘાન વિદ્યાર્થીનું પણ દર્દ છલકાયું હતું. બેંગલુરુમાં BBAનો અભ્યાસ કરતા અબ્દુલ્લાહ મસૂદી નામના અફઘાન વિદ્યાર્થીએ કહ્યું કે, 'ખરા સમયે જ અફઘાન પ્રેસિડન્ટ અશરફ ગનીએ પોતાના દેશના લોકોને રઝળતા મુક્યા તે એકદમ બિનજવાબદાર પગલું છે. અમને તેમની પાસેથી ઘણી આશા હતી, પરંતુ તેઓએ છેલ્લી ઘડીએ અમારો સાથ છોડતા અમને લોકોને ઘણું જ દુઃખ થયું છે.'

અફઘાનિસ્તાનની આવી સ્થિતિ માટે બાઈડન જવાબદાર
તાલિબાનીઓએ સત્તા કબજે કરતા ઘણાં દેશોમાં રહેતા અફઘાનિઓ વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે. અમેરિકાના વોશિંગ્ટનમાં રહેતા અફઘાનીઓએ વ્હાઈટ હાઉસની બહાર વિરોધ પ્રદર્શનો કર્યાં. વ્હાઈટ હાઉસની બહાર સોમવારે અફઘાની નાગરિકો જોડાયા અને બાઈડેન પ્રશાસન વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. લોકોએ સૂત્રોચ્ચાર કર્યા કે અફઘાનિસ્તાનની સ્થિતિ માટે બાઈડન જવાબદાર છે. પ્રદર્શનકારીઓએ કહ્યું કે 20 વર્ષ પછી અમે ફરી એક વખત વર્ષ 2000 જેવી સ્થિતિમાં આવી ગયા.

હજારો ઓસામા-મુલ્લાહ પેદા થશે
અફઘાનના પૂર્વ પત્રકાર હમદર્ફ ગફુરીએ કહ્યું કે અમે શાંતિ ઈચ્છીએ છીએ, તાલિબાનના ટેકઓવરથી હવે હજારો ઓસામા બિન લાદેન અને મુલ્લાહ ઓમર પેદા થશે. તાલિબાનીઓ પાકિસ્તાનની સાથે મળી જશે અને તબાહી મચાવશે.

રવિવારે અનેક રાજકીય નેતાઓ સાથે 129 યાત્રિકો દિલ્હી આવ્યા
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી એરઈન્ડિયાનું વિશેષ પ્લેન AI244 રવિવારે 129 યાત્રિકોને લઈને દિલ્હી પહોંચ્યું છે. કાબુલથી દિલ્હીના ઈન્દિરા ગાધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્તાની સાથે જ એક મહિલાને ભારે ગમગીની સાથે જણાવ્યું કે, 'મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે દુનિયાના લોકોએ અફઘાનિસ્તાનને તેની હાલત પર છોડી દીધું છે. અમારા મિત્રો મરી રહ્યાં છે. તાલિબાનો અમને મારી રહ્યાં છે. અમારી મહિલાઓને કોઈ જ વધુ પડતા અધિકારો નથી મળવાના.'

સામાન્ય લોકોની સાથે અફઘાનિસ્તાનના અનેક રાજનેતા અને અધિકારીઓ પણ રવિવારે દિલ્હી પહોંચ્યા. અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિના એક વરિષ્ઠ સલાહકાર રિઝવાનુલ્લાહ અહમદઝઇએ કહ્યું કે, 'અફઘાનિસ્તાનના મોટા ભાગના વિસ્તારોમાં શાંતિ છે. મંત્રીઓ અને અન્ય લગભગ તમામ રાજકીય વ્યક્તિઓએ કાબુલ છોડી દીધું છે. લગભગ બસોથી વધુ લોકો દિલ્હી આવી ગયા છે. મને લાગે છે કે આ નવું તાલિબાન છે જે મહિલાઓને કામ કરવાની મંજૂરી આપશે.'

તો દિલ્હી પહોંચેલા અફઘાનિસ્તાનના સાંસદ અબ્દુલ કાદિર જજઇએ કહ્યું કે, 'પાકિસ્તાન તાલિબાનના નજીકના સમર્થકોમાંથી એક છે. અફઘાનિસ્તાનની સરકાર અને તાલિબાનની વચ્ચે એક સમજૂતી થઈ છે. આ માત્ર એક હેન્ડઓવર પ્રક્રિયા હતી. હવે કાબુલમાં સ્થિતિ શાંત છે. પાકિસ્તાન તાલિબાનના નજીકના સમર્થકોમાંથી એક છે. મારો પરિવાર હજુ પણ કાબુલમાં જ છે.'

IIT બોમ્બેમાં અફઘાન વિદ્યાર્થીઓ
IIT બોમ્બેએ અફઘાન વિદ્યાર્થીઓને પોતાના કેમ્પસમાં પરત ફરવાની મંજૂરી આપી છે. સંસ્થાએ અફઘાનિસ્તાનમાં જોવા મળતા સંકટ વચ્ચે વિદ્યાર્થીઓને પરત આવવાની અને પોતાનો અભ્યાસ યથાવત રાખવાનવું કહ્યું છે. IIT બોમ્બેના ડાયરેક્ટરે એક ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, 'અમે ICCR સ્કોલપરશિપ અંતર્ગત આ વર્ષે માસ્ટર પ્રોગ્રામમાં અફઘાનિસ્તાનના કેટલાંક વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે રજૂઆત કરી. ઓનલાઈન નિર્દેશને કારણે ઘરમાંથી ક્લાસમાં ભાગ લઈ રહ્યાં હતા. જો કે પોતાની માતૃભૂમિમાં ઝડપથી બગડતી પરિસ્થિતિઓને કારણે તેઓ દેશમાંથી બહાર જવા માગતા હતા અને કેમ્પસમાં હોસ્ટેલમાં સામેલ થવા માગતા હતા.'

ડાયરેક્ટરે કહ્યું કે, 'જો કે અમે એક વિશેષ મામલા તરીકે કેમ્પસમાં આવવાના તેમની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે, અમને આશા છે તે બધાં જ સુરક્ષિત છે અને ટૂંક સમયમાં જ આપણી સાથે જોડાશે.'

અન્ય સમાચારો પણ છે...