• Gujarati News
  • National
  • The Photos Shown To The Organization Show That There Is No Such Net In The Khwaja Campus Of Ajmer

દરગાહમાં સ્વસ્તિકના નિશાનવાળી જાળી જ નથી:સંગઠને જે ફોટા બતાવ્યા એમાં અજમેરના ખ્વાજા પરિસરમાં સાથિયાના નિશાનવાળી કોઈ જાળી નથી

અજમેરએક મહિનો પહેલા
  • સંગઠને દાવો કર્યો- દરગાહ હિંદુ મંદિર છે
  • દાવો કરવામાં આવ્યો છે કે દરગાહની ઘણી જગ્યાઓ પર હિન્દુ ધાર્મિક પ્રતીકો પણ છે
  • દરગાહ કમિટીએ જણાવ્યું, કરોડો લોકોની આસ્થા સાથે રમત રમવામાં આવી રહી છે

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે રાજસ્થાનમાં દરગાહ શરીફને હિન્દુ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે અજમેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. એક સંગઠને સ્વસ્તિક ચિહન સાથેના ફોટા શેર કર્યા છે અને જણાવ્યું હતું કે આ જાળી દરગાહ શરીફમાં આવેલી છે. આ નિશાનીના આધારે કહેવામાં આવ્યું હતું કે એ એક હિન્દુ મંદિર છે.

ભાસ્કરે દરગાહ શરીફ જઈને પૂછપરછ કરી હતી. અહીં ટીમને સૂફી સંત હઝરત ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહમાં કોઈપણ ભાગમાં આવી કોઈ જાળી મળી ન હતી, જેના પર સ્વસ્તિકનું નિશાન બનાવવામાં આવ્યું હોય તેમજ એવા કોઈ પથ્થરો મળ્યા નથી, જેમાં મહારાણા પ્રતાપ સેના સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરમાં નજરે પડે છે. થોડા સમય પહેલાં રાજસ્થાન સરકારે એક પ્રોજેક્ટ હેઠળ દરગાહ નિઝામ ગેટ, અકબરી મસ્જિદ અને ક્વીન મેરી હોઝનો હેરિટેજ લુક પરત કરવામાં આવ્યો હતો. આ ઇમારતોમાં ગમે ત્યાં કોઈપણ પથ્થરમાં આવા કોઈ ચિહ્નો મળ્યાં નથી. ભાસ્કરની ટીમ ગુરુવારે રાત્રે દરગાહ પર પહોંચી હતી અને સમગ્ર પરિસરની તપાસ કરી હતી. એમાં જે વાસ્તવિકતા બહાર આવી હતી એ આ હતી.

સંગઠન તરફથી આ તસવીર દર્શાવીને દાવો કરવામાં આવ્યો હતો કે ત્યાં સ્વસ્તિકનું પ્રતીક છે.
સંગઠન તરફથી આ તસવીર દર્શાવીને દાવો કરવામાં આવ્યો હતો કે ત્યાં સ્વસ્તિકનું પ્રતીક છે.

નિઝામ ગેટ: આ દરગાહનો મુખ્ય દરવાજો છે. એના પર આરસની જાળી લાગેલી છે. એમાંથી કોઈ પર પણ સ્વસ્તિક ચિહ્ન નથી.

અકબરી મસ્જિદઃ આ મસ્જિદ સમ્રાટ અકબર દ્વારા બનાવવામાં આવી હતી. દીવાલો પર ઈરાની શૈલીની કોતરણી છે. ત્યાં કોઈ સ્વસ્તિકનું પ્રતીક નથી.

ગુંબદ શરીફ એટલે કે આસ્તાના શરીફઃ આસ્તાના શરીફની ચારેબાજુ આરસની સુંદર જાળીઓ લાગેલી છે. આ જાળીઓ પણ એ પથ્થરોની નથી, જે મહારાણા પ્રતાપ સેના દ્વારા વાઇરલ ફોટામાં જોવા મળે છે તેમજ અહીં આવા મોટા પથ્થરો પણ નથી.

બુલંદ દરવાજોઃ મજબૂત અને મોટા પથ્થરોથી બુલંદ દરવાજો બનેલો છે. આ પથ્થરો પર ક્યાંય જાળી નથી તેમજ આ પથ્થરો પર કોઈક ધાર્મિક પ્રતીક પણ દેખાતાં નથી.

સંગઠને દાવો કર્યો- દરગાહ હિંદુ મંદિર છે
ગુરુવારે, એક સંગઠન મહારાણા પ્રતાપ સેનાએ ભારતની રાષ્ટ્રીય એકતાની સૌથી મોટી નિશાની, મહાન સૂફી સંત હઝરત ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહને હિન્દુ મંદિર ગણાવીને સનસનાટી મચાવી દીધી છે. આ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજવર્ધન સિંહ પરમારે રાજસ્થાનના મુખ્યમંત્રીને પણ મેમોરેન્ડમ મોકલીને દરગાહનો સરવે કરાવવા જણાવ્યું છે, નહીં તો તેઓ પોતે હજારોની સંખ્યામાં સમર્થકો સાથે અજમેર પહોંચી જશે.

પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે દરગાહની અંદર બારીઓ અને ઘણી જગ્યાઓ પર હિન્દુ ધાર્મિક પ્રતીકો પણ છે, જેમાં સ્વસ્તિકનું નિશાન મુખ્ય છે. આ દાવો થોડી જ વારમાં વાઇરલ થઈ ગયો હતો. બીજી તરફ, દરગાહ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓએ એસપીને ફરિયાદ કરી છે. ધમકી બાદ જિલ્લા પોલીસ અને વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે.

એડીએમ સિટી ભાવના ગર્ગ, એડિશનલ એસપી વૈભવ, સીઓ રામઅવતાર અને અન્ય પોલીસ અધિકારીઓએ દરગાહ સંકુલની મુલાકાત લીધી હતી. દરગાહની સુરક્ષા માટે વધારાની પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે. સાઆઈડી ઝોન અને અન્ય સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ પર છે.

આસ્તાના શરીફની ચારેબાજુ આરસની સુંદર જાળીઓ લાગેલી છે.
આસ્તાના શરીફની ચારેબાજુ આરસની સુંદર જાળીઓ લાગેલી છે.

અફવા ફેલાવનાર સામે કાર્યવાહી થવી જોઈએ
અખિલ ભારતીય કૌમી એકતા સમિતિના પ્રદેશ પ્રમુખ ડૉ.એ.એસ.ખાન ભારતી અને જિલ્લા પ્રમુખ બદરુદ્દીન કુરેશીએ સી.એમ. અશોક ગેહલોતને કલેક્ટર દ્વારા આવેદનપત્ર મોકલીને ધાર્મિક સ્થળો વિશે અફવા ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

દરગાહ દીવાને નિંદા કરી
દરગાહ દીવાન સૈયદ જૈનુઅલ આબેદિન અલી ખાને પણ નિંદા કરી છે. દીવાને એક નિવેદન બહાર પાડ્યું કે ખ્વાજા સાહેબની દરગાહ, જેમાં તમામ ધર્મના લોકો આવે છે. અહીંથી શાંતિ અને પ્રેમનો સંદેશ પહોંચે છે. અંજુમન યાદગારના સદર સુભાન ચિશ્તીએ પણ તેની નિંદા કરી છે.

આ દરગાહનો મુખ્ય દરવાજો છે. એના પર આરસની જાળી છે. એના પર કોઈ જ સ્વસ્તિકનું ચિહ્ન નથી.
આ દરગાહનો મુખ્ય દરવાજો છે. એના પર આરસની જાળી છે. એના પર કોઈ જ સ્વસ્તિકનું ચિહ્ન નથી.

બદનામ કરવાનું કાવતરું
દરગાહ કમિટી સદર અમીન પઠાણે જણાવ્યું હતું કે દરગાહ શરીફ ગંગા જમુની તહઝીબ અને ભારતના તમામ ધર્મો અને સંપ્રદાય માટે પવિત્ર અને આસ્થાનું સ્થાન છે. આ રીતે દરગાહને બદનામ કરવાનું મોટું ષડયંત્ર છે, જેનો હેતુ માત્ર જુઠ્ઠાણાં અને ભ્રમ ફેલાવવાનો છે.

કરોડો લોકોની આસ્થા સાથે રમત રમવામાં આવી રહી છે
અંજુમન સદર દરગાહના ખાદીમોના મુખ્ય સંગઠન અંજુમન સૈયદ જાદગાનના સદર હાજી સૈયદ મોઈન હુસૈન ચિશ્તીએ એને પાયાવિહોણું અને કોઈ જ આધાર વિનાનું ગણાવ્યું અને કહ્યું કે આવી હરકતથી કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે. સાડાઆઠસો વર્ષથી ગરીબ નવાઝનો દરબાર છે. અહીં દરેક યુગમાં એના શાસકો આવીને માથું ટેકવતા હતા.

આ દરબારથી એટલે કે ગરીબ નવાઝના જીવન સાથે ખુદ્દામ જોડાયેલો છે અને એનું કામ કરી રહ્યો છે. ખ્વાજા સાહેબના દરબારમાં 70% જેટલા હિંદુ ધર્મના લોકો આવે છે. તેઓ માનતા માને છે. જ્યારે માનતા પૂર્ણ થાય ત્યારે શુકરાના ચઢાવવા આવે છે. સેક્રેટરી સૈયદ વાહિદ હુસૈન અંગારાશાહે કહ્યું હતું કે કેટલાક લોકો દેશભરમાં સક્રિય છે, જેઓ શાંતિ નથી ઈચ્છતા.

અન્ય સમાચારો પણ છે...