એર ઈન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટ દરમિયાન એક વૃદ્ધ મહિલા પર નશાની હાલતમાં ધૂત એક યાત્રીએ પેશાબ કર્યો હતો. તેમની સાથે વિમાનમાં સવાર એક સહયાત્રીએ જણાવ્યું હતું કે શંકર મિશ્રાએ ખૂબ દારૂ પીધો હતો અને લંચ દરમિયાન તેની હાલત સારી ન હતી. ઘટના સામે આવ્યા છતાં તેને દારૂ આપવાનું શરૂ જ હતું. અમેરિકામાં ઓડિયોલોજીના ડોક્ટર ભટ્ટાચારજીએ કહ્યું કે, આ માણસ પોતાનો દારૂનો ગ્લાસ પકડવા પણ અસમર્થ છે. આમ કહી મેં કેબિન ક્રૂને ચેતવ્યા પણ હતા.
ત્યાર પછી શંકર મિશ્રા ભાનમાં આવે છે અને તેવું પણ કહે છે "ભાઈ, મને લાગે છે કે હું મુશ્કેલીમાં છું." ફ્લાઈટમાં તેની બાજુમાં બેસેલા ડૉ.સુગતા ભટ્ટાચારજીએ આ માહિતી આપી છે.
40 મિનિટમાં જ ચાર ડ્રિંક પીધા
ડો.ભટ્ટાચારજીએ કહ્યું, "ઉડાન ભર્યાના લગભગ એક કલાક પછી અમને બપોરનું ભોજન આપવામાં આવ્યું અને તેણે 40 મિનિટમાં જ ચાર ડ્રિંક પીધા." તેમણે કહ્યું હતું કે "બપોરના ભોજન સમયે મને વારંવાર સવાલ પૂછતો હતો કે તમારા છોકરા છે અને તેઓ શું કરે છે." મને લાગ્યું કે નશાને કારણે તેણે કાબૂ ગુમાવ્યો છે. મેં તેના વિશે સ્ટાફને કહ્યું, સ્ટાફ ફક્ત હસ્યો.' એ પછી તે માણસને એક વધુ ડ્રિંક આપવામાં આવ્યું.
પાઇલટનો નિર્ણય ખરાબ હતો
આ મામલે 26 નવેમ્બરના રોજ ફરિયાદ દાખલ કરનાર ડો.ભટ્ટાચારજીએ કહ્યું હતું કે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા ઘણા સ્તરે ચૂક થઈ હતી. મારી બે પાનાંની ફરિયાદ-તેને માત્ર ફેંકી દેવામાં આવી, જો મીડિયાએ આને લીધું નહોત તો કોઈને આ વિશે ખબર ન પડત. મારી ફરિયાદ યાત્રીના નશા કરવાને લઈને ન હતી, આ ઘટનાને લઈને પાઇલટના ખરાબ નિર્ણય વિશેની હતી."
તેમણે વધુમાં કહ્યું હતું કે તેણે વૃદ્ધ મહિલા મુસાફર પર પેશાબ કરતા પુરુષને જોયો નહોતો અને મિશ્રા તેની સીટ પર પરત ફર્યો પછી આંખ ખૂલી હતી.
પેશાબમાં ભીંજાયેલી મહિલાને પાયજામો આપવામાં આવ્યો અને તેમને લગભગ 20 મિનિટ સુધી ગેલરીમાં ઊભા રાખવામાં આવ્યા. ત્યાર પછી કેબિન ક્રૂએ ચાદર પાથરી તેમને સીટ પર બેસાડ્યા. ડો.ભટ્ટાચારજીએ કહ્યું, "મેં વકીલાત કરી કે તેઓ મહિલાને અલગ સીટ આપે. મેં કહ્યું હતું કે તમારી ચાર સીટ ખાલી છે."
ડો.ભટ્ટાચારજીએ કહ્યું, "કર્મચારીએ જણાવ્યું હતું કે તે પાઇલટનો નિર્ણય હતો." બે કલાક પછી નિર્ણય કરવામાં આવ્યો અને તેમને નવી સીટ આપવામાં આવી.
મહિલાને સમાધાન કરવા મજબૂર કરવામાં આવી
તેમણે વધુમાં કહ્યું હતું કે ક્રૂએ મામલો થાળે પાડવા માટે બંને પેસેન્જરોને પણ છોડી દીધા, જે ન થવું જોઈતું હતું. શું મહિલાને શંકર મિશ્રા સાથે સમાધાન કરવા મજબૂર કરવામાં આવી હતી, આ સવાલના જવાબમાં તેમણે કહ્યું, 'હા'.
તેમણે કહ્યું હતું કે 'મને ન ગમ્યું કે તેમણે એક-બીજાને સામસામે બેસાડ્યા. તમે હુમલાખોર અને પીડિતાને આમને-સામને બેસાડી ન શકો. ક્રૂ અને કેપ્ટન આ મામલે મધ્યસ્થી ન બની શકે. આ એક ગુનો છે અને એની ફરિયાદ થવી જોઈએ.'
ડૉ. ભટ્ટાચારીએ આગળ કહ્યું હતું કે શંકર મિશ્રા જ્યારે ઊઠ્યો, ત્યારે ભાનમાં હતો. તેણે કહ્યું કે "ભાઈ મને લાગે છે હું મુસીબતમાં છું." મેં કહ્યું-'હા તું છે'.
ટાટા સન્સના ચેરમેને ભૂલ સ્વીકારી
ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને આજે સ્વીકાર્યું હતું કે એર ઈન્ડિયાની પ્રતિક્રિયા ઝડપી હોવી જોઈતી હતી. ચંદ્રશેખરને એક નિવેદનમાં કહ્યું, "અમારે પરિસ્થિતિનો જે રીતે સામનો કરવો જોઈએ એ રીતે કરવામાં નિષ્ફળ ગયા."
શંકર મિશ્રાની ઘટનાનાં છ અઠવાડિયાં પછી દિલ્હી પોલીસે ધરપકડ કરી અને એક પખવાડિયા માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો.
એર ઈન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને માફી માગી અને કહ્યું કે ચાર કેબિન ક્રૂ અને પાઇલટને રોસ્ટરથી હટાવી દેવામાં આવ્યા છે અને એરલાઈન પોતાની ઉડાન દરમિયાન દારૂ આપવાની નીતિની સમીક્ષા કરી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.