સરકારી આશ્વાસન અને કાશ્મીરી હિન્દુ કર્મચારીઓને સુરક્ષિત સ્થાનોએ ઝડપથી સ્થળાંતર કરવા છતાં કાશ્મીરી પંડિતોનો વિરોધ યથાવત્ છે. તે ડ્યૂટી પર પાછા ફરવાથી સતત ઈનકાર કરી રહ્યા છે. તે ઈચ્છે છે કે તેમનું સ્થળાંતર કાશ્મીરથી બહાર ગમે ત્યાં થાય. તેનાથી કર્મચારીઓ અને સરકાર વચ્ચે ગતિરોધ પેદા થયો છે. સરકાર માને છે કે જો કર્મચારીઓને કાશ્મીરથી બહાર મોકલાશે તો પીએમ પુનર્વાસ પેકેજ નિષ્ફળ થઈ જશે અને કાશ્મીરી પંડિતોની વાપસી મુશ્કેલ થઈ જશે.
બીજી બાજુ કાશ્મીરી પંડિત સરકાર પર આરોપ મૂકી રહ્યા છે કે ચર્ચામાં રહેવા માટે તેમને બલિનો બકરો બનાવાઈ રહ્યા છે. આ સ્થિતિએ વાર્ષિક ધાર્મિક આયોજન ખીરભવાની મેળાનો ઉત્સાહ ઘટાડી દીધો છે. કાશ્મીરી પંડિતોની હડતાળ અને તેમના જમ્મુ ભાગી જવાથી મેળા પર મોટી અસર થશે. 8 જૂને તુલ્લા-મુલ્લા ગાંદરબલમાં શરૂ થઈ રહેલા ખીરભવાની મેળાનો કાશ્મીરમાં બગડતી કાયદો-વ્યવસ્થાનો હવાલો આપી અનેક કાશ્મીરી પંડિત સંગઠનોએ બહિષ્કાર કરવાની અપીલ કરી છે.
ખીરભવાની કાશ્મીરી પંડિતોના મંદિરોમાં સૌથી પવિત્ર છે. કાશ્મીરી પંડિતોના સંગઠન માતાખીર ભવાની અસ્થાન ટ્રસ્ટને અપીલ કરવામાં આવશે. ગત અઠવાડિયે જમ્મુ જતા રહેલા એક પંડિત કર્મચારીએ કહ્યું કે હું ખીરભવાની મેળા દરમિયાન 10 મહેમાનોની આશા રાખી રહ્યો હતો. તે આ મેળા દરમિયાન મારી પાસે આવતા અને થોડા દિવસ જોવા માટે પણ જતા રહેતા. પણ આ સ્થિતિ પછી મેં તેમને કહ્યું કે મેં કાશ્મીર છોડી દીધું છે અને એટલા માટે પોતાની યાત્રા રદ કરી દે કેમ કે તે હાલ પોતાના એપાર્ટમેન્ટમાં બંધ છે.
જોકે જમ્મુથી મેળા માટે આવનારા કાશ્મીરી પંડિતોમાં ઉત્સાહ છે. રવિવાર સુધી 1500થી વધુ જમ્મુમાં રહેતા કાશ્મીરી પંડિત મેળામાં આવવા માટે રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. કાશ્મીરી પંડિતોને જમ્મુથી બસોમાં એક મોટા કાફલામાં મજબૂત સુરક્ષા વચ્ચે તુલ્લા મુલ્લા લવાશે. બીજી બાજુ તંત્રએ કહ્યું કે તહેવાર મોટા સ્તરે મનાવવા તમામ વ્યવસ્થા કરાઈ છે. રોકાણ કરવા, પથારી, શૌચાલય બ્લૉકનું સમારકામ, લાઈટિંગ, સ્વચ્છતા, બેરિકેડિંગ, સંયુક્ત નિરીક્ષણ રૂમની સ્થાપના, સ્વાસ્થ્ય સુવિધાઓ, વાહનોનું પાર્કિંગ, ફુલપ્રૂફ સુરક્ષા અને જરૂરી વસ્તુઓની ઉપલબ્ધતા સહિત તમામ સુવિધાઓને અંતિમ રૂપ અપાયું છે.
આ વખતે 15,000 ભક્તોના આગમનની આશા
ખીરભવાની પ્રસિદ્ધ હિન્દુ મંદિર છે જે શ્રીનગરથી 27 કિ.મી. દૂર તુલ્લા મુલ્લા ગામમાં સ્થિત છે.મંદિરનું નિર્માણ એક પવિત્ર ઝરણા ઉપર કરાયું છે જેના વિશે કહેવાય છે કે તે પોતાનો રંગ બદલે છે. જેનાથી આવનારો સમય સારો હશે કે ખરાબ તેની ખબર પડે છે. ખીરભવાની દેવી દુર્ગાનો એક અવતાર છે. આ મંદિર મહારાજા પ્રતાપસિંહે 1912માં બનાવ્યું હતું. જયેષ્ઠ અષ્ટમીથી લાગતા આ મેળામાં આ વખતે 15 હજાર ભક્તોના આગમનની આશા છે. 2019માં 55 હજાર લોકો આવ્યા હતા.
સચિવાલય અને નિર્દેશાલયમાં ઉપસ્થિતિ સામાન્ય
કાશ્મીરી પંડિતોની હડતાળ 25મા દિવસમાં પ્રવેશી છે. તેનાથી સરકારી સંસ્થાનોમાં કામકાજ પ્રભાવિત છે. સૌથી વધુ અસર સરકારી સ્કૂલો પર થઈ હતી. હાલના સમયે 4000થી વધુ શિક્ષકો સ્કૂલોમાં આવી રહ્યા નથી. અનંતનાગ શિક્ષણ વિભાગના એક અધિકારીએ કહ્યું કે ગેરહાજર કર્મચારીઓને કારણે જિલ્લામાં સ્કૂલના અભ્યાસ પર માઠી અસર થઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.