રિડેવલપમેન્ટમાં જઈ રહેલા મકાનનો કબજો ધરાવતી વ્યક્તિ કોર્ટનો વિપરીત આદેશ ન હોય તો ટ્રાન્ઝિટ ભાડું મેળવવાને હકદાર બનશે, પછી તે મકાનની માલિકી પણ કેમ ન ધરાવતા હોય, એમ બોમ્બે હાઈકોર્ટે ઠેરવ્યું છે. હાલના કેસમાં હાઈકોર્ટે જો ફલેટમાલિક સાથેના વિવાદનો નિવેડો આવે નહીં તો રિડેવલપ થયેલી મિલકતનો કબજો તેના રહેવાસીને આપવાનું ડેવલપરને જણાવ્યું છે.
ડેવલપરે વચગાળાની રાહત માગી
બોમ્બે હાઈકોર્ટના ન્યાયધીશ કુલકર્ણીએ નિરીક્ષણ કર્યું હતું કે ફ્લેટના રહેવાસી પાસે મકાનનો કબજો છે અને એનો કબજો તે અરજદાર સોસાયટીને સોંપશે, આથી જેની પાસેથી મકાન લઈ લેવામાં આવે છે એને ટ્રાન્ઝિટ ભાડાનો અધિકાર છે, કારણ કે આ તે પક્ષકાર છે, જેને હેરાનગતિમાં મુકાય છે. હાલના કેસમાં ડેવલપર મણિયાર એસોસિયેટ્સ એલએલપીએ હાઈકોર્ટમાં અરજી કરીને વિજય નિવાસ કો-ઓપરેટિંવ હાઉસિંગ સોસાયટી લિ. સાથેના કરારના મુદ્દા ટાંકીને રિડેવલપમેન્ટ માટે મકાન ખાલી કરવા વચગાળાની રાહત માગી છે.
ડેવલપરે જણાવ્યું હતું કે 12માંથી 11 સભ્યે જગ્યા ખાલી કરી છે અને એકમાત્ર સભ્યે રિડેવલપમેન્ટ અટકાવી રાખ્યું છે. કોર્ટને જાણ કરવામાં આવી હતી કે ફ્લેટના માલિકે ફ્લેટના રહેવાસી સામે ટ્રેસપાસિંગનો કેસ કર્યો છે. રહેવાસીએ જણાવ્યું છે કે તે કાયદેસરનો ભાડૂઆત છે, ટ્રેસપાસર નથી. આથી કેસ ફગાવી દેવામાં આવે અને તેણે જગ્યા ખાલી કરવાનો ઈનકાર કર્યો છે, આથી ડેવલપરે કોર્ટ પાસેથી રહેવાસીને સોસાયટીની જગ્યા સોંપી દેવા અને રિડેવલપમેન્ટ પ્રક્રિયામાં બાધા નહીં નાખવા આદેશ આપવા દાદ માગી છે.
ડેવલપરની તરફેણમાં રાહતનો કેસ
કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે આ વાત સ્પષ્ટ છે કે ફ્લેટમાલિક અને તેના કથિત ભાડૂતને લીધે જર્જરિત ઈમારતનું રિડેવલપમેન્ટ અટકી ગયું છે. પ્રથમદર્શી રીતે ડેવલપરની તરફેણમાં રાહતનો કેસ બને છે. રહેવાસી વતી વકીલે જણાવ્યું હતું કે તેઓ રિડેવલપમેન્ટ કે કબજો આપવાના વિરોધમાં નથી. જોકે પોતે ભાડૂત હોવાથી તેને ટ્રાન્ઝિટ ભાડાનો હક બને છે અને રિડેવલપમેન્ટ થયેલા મકાન પર તેને કબજાનો પણ અધિકાર છે.
ફ્લેટમાલિક વતી દલીલ કરાઈ હતી કે તેમને કોઓર્ડિનેટ બેન્ચ સમક્ષ રાહત માગવાની છૂટ આપવી જોઈએ અને એ મુજબનો આદેશ આપવામાં આવે તો ટ્રાન્ઝિટ ડા અને રિડેવલપ થયેલા ફ્લેટનો કબજો તેમને આપવામાં આવે.કોર્ટના આદેશના અભાવે માલિક સાથેના વિવાદમાં રહેવાસી ટ્રાન્ઝિટ ભાડાને હકદાર રહેશે. કોર્ટે તેને કબજો સોંપવાનો આદેશ આપ્યો છે. ફ્લેટમાલિક અને રહેવાસી વચ્ચેના કેસમાં બંને વચ્ચે અધિકારો અંગે નિર્ણય આવે નહીં અને મકાનનું રિડેવલપમેન્ટ પૂરું થઈ જાય તથા નવા મકાનનો કબજો સોંપવાનો વખત આવે ત્યારે રહેવાસીને ફ્લેટનો કબજો આપવામાં આવે. એ કેસમાં આપવામાં આવનારા અંતિમ નિકાલને આધીન રહેશે, એમ જજે નોંધ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.