ઇઝરાયેલની કંપનીના પેગાસસ સોફ્ટવેર દ્વારા ફોન ટેપ કરવાના અહેવાલોને લઈને સોમવારે સંસદમાં ખળભળાટ મચી ગયો હતો. કોંગ્રેસે પત્રકારો સહિત અન્ય હસ્તીઓના ફોન ટેપ કરવા મામલે સ્વતંત્ર તપાસની માગ કરી છે. સરકારે આને નકારી કાઢતાં કહ્યું હતું કે અહેવાલમાં લીક થયેલા ડેટાની જાસૂસી સાથે કોઈ લેવાદેવા નથી.
સંદેશવ્યવહારમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, 'એક વેબ પોર્ટલે રવિવારે રાત્રે એક ખૂબ જ સનસનાટીભર્યા અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આમાં અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સંસદનું ચોમાસુ સત્રના એક દિવસ પહેલાં આ અહેવાલને ન લાવવામાં આવ્યો, એ બધું સંયોગ ન હોઈ શકે. ભૂતકાળમાં વ્હોટ્સએપ પર પેગાસસના ઉપયોગને લઈને આવા જ દાવા કરવામાં આવ્યા હતા. તે રિપોર્ટમાં પણ કોઈ તથ્યો નહોતાં અને તે બધા દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો. 18 જુલાઇએ પ્રકાશિત થયેલા અહેવાલમાં ભારતની લોકશાહી અને તેની સંસ્થાઓની છબિને ખરાબ કરવાનો પ્રયાસ હોવાનું જણાઈ રહ્યું છે.
જાસૂસી અને ગેરકાયદે દેખરેખ સામે કડક જોગવાઈઓ
વૈષ્ણવે કહ્યું, “આપણા દેશમાં કોઈપણ પ્રકારની જાસૂસી અને ગેરકાયદે દેખરેખ સામે કડક કાયદા છે. દેશની અંદર પ્રક્રિયા હેઠળ આવું કરવાની એક સિસ્ટમ છે. રાષ્ટ્રીય સુરક્ષા સંદર્ભે કોઈપણ ઇલેક્ટ્રોનિક સંદેશવ્યવહારની દેખરેખ રાખતી વખતે નિયમો અને નિયમોનું કડક પાલન કરવામાં આવે છે.'
અશ્વિની કહ્યું હતું કે તે લોકોને દોષ નથી આપી શકતા, જેમણે એ મીડિયા રિપોર્ટને વિસ્તારથી વાંચ્યો નથી. ગૃહના તમામ સભ્યોને વિનંતી છે કે તેઓ તથ્ય અને તર્કના આધારે આ મુદ્દા પર ચર્ચા કરે. રિપોર્ટ એક કન્સોર્ટિયમ (સમૂહ)ને આધાર બનાવીને પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ ગ્રુપની પહોંચ લીક થયેલા 50,000 ફોન નંબરોના ડેટાબેસ સુધી છે.
16 મીડિયા ગ્રુપના રિપોર્ટમાં હતો ફોન ટેપિંગનો દાવો
રવિવારે રાત્રે 16 મીડિયા ગ્રુપની સંયુક્ત તપાસ બાદ જાહેર રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ઈઝરાયેલની એક હેકિંગ ફર્મએ દુનિયાભરમાં સરકારોની જાસૂસી માટે મદદ કરી છે. આ રિપોર્ટમાં દુનિયાભરમાં 180થી વધુ રિપોર્ટરો અને સંપાદકોની ઓળખ કરવામાં આવી છે, જેમણે સરકારોએ દેખરેખની યાદીમાં રાખ્યા છે. આ દેશોમાં ભારત પણ સામેલ છે, જ્યાં સરકાર અને વડાપ્રધાન મોદીની ટીકા કરનાર પત્રકાર દેખરેખ હેઠળ હતા.
પેગાસસે પણ આંકડાઓને ખોટા ગણાવ્યા હતા
પેગાસસની પેરેંટ કંપની NSO ગ્રુપે ફોન હેકિંગ પર રવિવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટને ખોટો ગણાવ્યો છે. NSOના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રિપોર્ટ ખોટા અનુમાન અને પાયવિહોણી થિયરીથી ભરેલો છે. આ રિપોર્ટ મજબૂત તથ્યો પર આધારિત નથી. અહેવાલમાં આપેલી વિગતો વાસ્તવિકતાથી ઘણી દૂર છે. જ્યારે વિશ્વભરના જાસૂસી પત્રકારોની સૂચિ અંગે કંપનીએ કહ્યું, 'પેગાસસ ઉપયોગ કરનાર દેશોની યાદી સંપૂર્ણપણે ખોટી છે. તેમાંના ઘણા તો પેગાસસના ક્લાયન્ટ પણ નથી.
પેગાસસ સૉફ્ટવેર આવી રીતે કામ કરે છે
પેગાસસ દ્વારા જે વ્યક્તિને ટાર્ગેટ કરવાનો છે તેના ફોન પર એસએમએસ, વ્હોટ્સએપ, આઈ મેસેજ (આઇફોન) કે કોઈ અન્ય મધ્યમ દ્વારા એક લિંક મોકલવામાં આવે છે. આ લિંક એક સંદેશ સાથે મોકલવામાં આવે છે કે ટાર્ગેટ તેના પર એકવાર ક્લિક કરે. ફક્ત એક ક્લિકથી ફોનમાં સ્પાયવેર એક્ટિવ થઈ જાય છે. એકવાર એક્ટિવ થયા પછી, તે ફોનના એસએમએસ, ઇમેઇલ, વ્હોટ્સએપ ચેટ, કોન્ટેક્ટ બુક, જીપીએસ ડેટા, ફોટો અને વીડિયો લાઇબ્રેરી, કેલેન્ડર બધામાં લીક કરી નાખે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.