તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Opposition Chanted Slogans Against The Raid On The Bhaskar Group In The Rajya Sabha, Also In The Lok Sabha; Both Houses Adjourned

ભાસ્કર ગ્રુપ પર જોહુકમીના વિરોધમાં સંસદ ઠપ:ગુજરાત સહિત 6 રાજ્યોમાં ભાસ્કર જૂથ પર ઇન્કમટેક્સની કાર્યવાહી, વિપક્ષે દરોડાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા; બન્ને ગૃહ સ્થગિત

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, નોએડા અને છત્તીસગઢમાં ભાસ્કરની ઓફિસોમાં સવારે 4 વાગ્યેથી દરોડા
  • સમૂહના પ્રમોટર્સે કહ્યું- ભાસ્કરના પત્રકારત્વનો સિદ્ધાંત છે સૌથી પહેલા વાચક, અમે સત્યની રાહ પર આ રીતે ચાલતા રહીશું

ધારદાર પત્રકારત્વની ઓળખ ધરાવતા ભાસ્કર જૂથની અનેક ઓફિસોમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. વિભાગની અનેક ટીમોએ ગુરુવારે વહેલી સવારે ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ અને નોઈડા સ્થિત ભાસ્કરની ઓફિસો અને અન્ય પરિસરોમાં કાર્યવાહી શરૂ કરી હતી. આવકવેરા વિભાગની ટીમે ભાસ્કરના પ્રમોટરો અને કેટલાક કર્મચારીઓના ઘરે પણ તપાસ કરી. આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલી. જોકે, આ મુદ્દે આવકવેરા વિભાગ દ્વારા કોઈ સત્તાવાર માહિતી નથી અપાઈ. બીજી તરફ, આ કાર્યવાહીનો મુદ્દો સંસદમાં પણ ઉઠ્યો અને હંગામાના કારણે ગૃહની કાર્યવાહી પણ અટકી ગઈ. વિપક્ષી નેતાઓ, પ્રબુદ્ધો અને સામાન્ય લોકોએ આ કાર્યવાહીને સ્વતંત્ર મીડિયા પરનો હુમલો ગણાવ્યો. દેશવિદેશની મીડિયા સંસ્થાઓએ પણ આ અહેવાલોને પ્રકાશિત કર્યા.

શું તમે દિવ્ય ભાસ્કરના નીડર પત્રકારત્વની સાથે છો? જવાબ આપવા માટે અહીં ક્લિક કરો...

આવકવેરા વિભાગની આશરે 100 લોકોની ટીમ ગુરુવારે સવારે 4થી 4:30 વચ્ચે ભાસ્કરના અમદાવાદ, ભોપાલ, ઈન્દોર, જયપુર અને નોઈડા સ્થિત ઓફિસો અને કેટલાક રહેણાક પરિસરોમાં પહોંચી હતી. ભાસ્કરની ઓફિસો પર કાર્યવાહી માટે આવેલી ટીમ સાથે સીઆરપીએફના જવાનો પણ હતા. આ દરમિયાન ઓફિસમાં મોજુદ ભાસ્કર ડિજિટલની ટીમને કહેવાયું કે, આ કાર્યવાહી અંગે તમામ સમાચાર અધિકારીઓને બતાવીને જ પ્રકાશિત કરાય. આ ઉપરાંત ભાસ્કરના પ્રમોટરોએ કહ્યું કે, ‘આવકવેરા વિભાગની તપાસમાં સંપૂર્ણ સહકાર અપાઈ રહ્યો છે. કાર્યવાહી વખતે આવક વેરા અધિકારીઓએ જે કાગળો માંગ્યા, તે તેમને અપાયા હતા.’ આ‌વકવેરા વિભાગ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા પણ દરોડા અંગે મોડી સાંજ સુધી કોઈ સત્તાવાર માહિતી નહોતી અપાઈ. ભાસ્કર જૂથના પ્રમોટરોએ કહ્યું કે, ‘ભાસ્કર જૂથના પત્રકારત્વનો સિદ્ધાંત છે, સૌથી પહેલા વાચક. અમે સત્યના રાહ પર આમ જ ચાલતા રહીશું.’

જ્યારે પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાએ આ મુદ્દે કહ્યું છે કે, ‘સ્વતંત્ર મીડિયાને તેની ફરજ નિભાવતું રોકવા સરકારની ડરાવવા-ધમકાવવાની આવી કાર્યવાહીની ક્લબ ટીકા કરે છે.’ બીજી તરફ, ઉ. પ્રદેશની ન્યૂઝ ચેનલ ભારત સમાચાર જૂથની ઓફિસો પર પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. ઉ.પ્રદેશમાં હરૈયાથી ભાજપ ધારાસભ્ય અજય સિંહના પરિસરો પર પણ દરોડા પાડ્યા હતા.

ટીકાત્મક સમાચારોના થોડા મહિના પછી દરોડા: વૉશિંગ્ટન પોસ્ટ
આ મુદ્દે વૉશિંગ્ટન પોસ્ટે પોતાના અહેવાલને શીર્ષક આપ્યું છે કે, ‘ટીકાત્મક સમાચારોના થોડા મહિનામાં જ અગ્રણી ભારતીય અખબાર પર આવકવેરા વિભાગના દરોડા’. તેમણે લખ્યું છે કે, દૈનિક ભાસ્કર અમુક જ હિંદી અખબારોમાંનું એક હતું, જેમણે પેગાસસ જાસૂસી કાંડના સમાચારો સારી રીતે પ્રકાશિત કર્યા હતા.

કોરોના સામે લડવાની પદ્ધતિનું સત્ય ભાસ્કર બહાર લાવ્યું: ધ ગાર્ડિયન
ધ ગાર્ડિયને લખ્યું છે કે, માર્ચમાં કોરોનાની ભયાનક બીજી લહેરે ભારતને જકડી લીધું ત્યારે ભાસ્કરે આ સંકટ સામે લડવાની કેન્દ્ર અને રાજ્ય સરકારોની નિષ્ફળતાને લગતા વિસ્તૃત સમાચારો છાપ્યા હતા. તેમાં હોસ્પિટલ બેડ અને ઓક્સિજનની અછત તેમજ ગંગામાં હજારો પીડિતોના તરતા મૃતદેહો વગેરેને લગતું કવરેજ સામેલ છે.

અમેરિકન વિદેશ મંત્રાલયે કહ્યું- સ્વતંત્ર મીડિયા આપણો પાયાનો સિદ્ધાંત, લોકશાહી માટે તે જરૂરી અમેરિકન વિદેશ મંત્રાલયે પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. મંત્રાલયના હિંદી પ્રવક્તા જૈદ તરારે આ મુદ્દે કહ્યું કે, સ્વતંત્ર મીડિયા અમારો પાયાનો સિદ્ધાંત છે. અને અમે સમજીએ છીએ કે, એક મજબૂત લોકશાહી માટે તે જરૂરી છે.

વિરોધથી રાજ્યસભા ઠપ
ભાસ્કર જૂથ પર આવકવેરાના દરોડાનો મુદ્દો સંસદમાં પણ ઉઠ્યો. વિપક્ષે રાજ્યસભામાં દરોડાનો વિરોધ કર્યો અને નારેબાજી કરી. આ હંગામાના કારણે રાજ્યસભાની કાર્યવાહી બે વાર સ્થગિત કરવી પડી અને છેવટે આખા દિવસ માટે રદ કરવી પડી. સવારે 11 વાગ્યે ગૃહ શરૂ થતાં જ કોંગ્રેસના સભ્ય દિગ્વિજય સિંહે ભાસ્કર પર દરોડાનો મુદ્દો ઉઠાવ્યો. જોકે, રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ તેમનું નિવેદન રેકોર્ડ પર નહીં લેવાનો નિર્દેશ કર્યો. નાયડુએ દિગ્વિજયને કહ્યું કે, ‘મેં તમને મંજૂરી નથી આપી. રેકોર્ડમાં કશું નોંધાશે નહીં.’

આ દરમિયાન અન્ય સભ્યોએ દરોડા અને પેગાસસ જાસૂસી સહિત જુદા જુદા મુદ્દે હંગામો શરૂ કર્યો. ત્યારે નાયડુએ કાર્યવાહી સ્થગિત કરી દીધી. બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ, પંરતુ હંગામાના કારણે પ્રશ્નકાળ ના થઈ શક્યો અને છેવટે ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંઘે ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી. બે વાગ્યે કાર્યવાહી ફરી શરૂ થઈ, પરંતુ ફરી હંગામો થતાં કાર્યવાહી શુક્રવાર સવાર સુધી સ્થગિત કરી દેવાઈ.

એજન્સીઓ પોતાનું કામ કરે છે, સરકારની કોઈ દખલ નથી : ઠાકુર
ભાસ્કરના દરોડાને લઈને પૂછેલા સવાલ મુદ્દે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, એજન્સીઓ તેમનું કામ કરે છે, અમે તેમના કામમાં દખલ નથી કરતા. તમારે સંપૂર્ણ માહિતી લેવી જોઈએ કારણ કે, આવા મુદ્દા આવે છે, જે હકીકતથી દૂર હોય છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું- કાગળ પર શાહીથી સત્ય લખવુ, એક નબળી સરકારને ડરાવવા માટે કાફી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું- તેમનો સંદેશ છે- જે ભાજપ વિરુદ્ધ બોલશે, તેમને નહીં છોડીએ. આવા વિચાર ખતરનાક છે. તેમની વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું- પીએમ મોદીએ મહામારીને અયોગ્ય રીતે હેન્ડલ કરી. ભાસ્કરે તે બહાદુરીથી બતાવ્યું. આ જૂથ પર કાર્યવાહીનું હું આકરી ટીકા કરુ છું.

IT, ED, CBI મોદી-શાહના હથિયાર: દિગ્વિજય સિંહ

અન્ય સમાચારો પણ છે...