કર્ણાટકના બાગલકોટ જિલ્લામાંથી મહિલા વકીલને માર મારવાનો મામલો સામે આવ્યો છે. ઘટના ગત શનિવારે બપોરની છે, જ્યાં વિનાયકનગર વિસ્તારમાં સર્કલ રોડ પર મહંતેશ નામના એક શખસે મહિલાને જાહેરમાં માર માર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી મહંતેશ મહિલાનો પાડોશી છે અને બાગલકોટની હોર્ટિકલ્ચર યુનિવર્સિટીમાં ફોટોગ્રાફર તરીકે કામ કરે છે.
જ્યારે પીડિત મહિલાનું નામ સંગીતા શિક્કેરી છે, જે વ્યવસાયે વકીલ છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો. ઝઘડાનું કારણ મિલકતનો વિવાદ હોવાનું કહેવાય છે.
યુવકે મહિલાના પેટ પર લાતો મારી
સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આરોપી મહંતેશ મહિલા વકીલને પહેલા થપ્પડ મારે છે અને ત્યાર પછી તે મહિલાના પેટ પર લાત મારે છે. પેટ પર લાત માર્યા બાદ મહિલા પોતાનું બેલેન્સ ગુમાવે છે. જ્યારે મહિલા ત્યાં પડેલી ખુરશી લઈને યુવકને મારવાનો પ્રયાસ કરે છે, ત્યારે આરોપી તેને ફરીથી લાતો મારે છે. એ બાદ મહિલા ત્યાં પડી જાય છે. આ દરમિયાન સંગીતાનો પતિ મદદ માટે બૂમો પાડી રહ્યો હોય છે, પરંતુ લોકો ઊભા રહીને તમાશો જોઈ રહ્યા છે.
મિલકત વિવાદને કારણે ઝઘડો ચાલી રહ્યો છે
પ્રાથમિક તપાસમાં સંગીતા અને મહંતેશ વચ્ચે મિલકતના વિવાદનો મામલો સામે આવ્યો છે. સ્થાનિક લોકો કહે છે કે ઘણા દિવસોથી બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. આ જ કારણ છે કે ગત રોજ મહંતેશે સંગીતા અને તેના પતિ પર હુમલો કર્યો હતો. હાલમાં સંગીતા અને તેના પતિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.