UPના કાસગંજ રેલવે સ્ટેશન પર ઊભી રહેલી ટ્રેનની છત પર એક યુવક જીવતો સળગી ગયો હતો. યુવક બોગી પર લાંબા સમય સુધી સળગતો રહ્યો. તેને સળગતો જોઈને મેઇન લાઇન બંધ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ આગ બુઝાવી દેવામાં આવી હતી અને તેને નીચે ઉતારાયો હતો. અકસ્માત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2નો છે. એનો વીડિયો પણ સામે આવ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે વાંદરો એક મહિલા મુસાફરનું ચંપલ લઈને ટ્રેનની બોગી પર ચઢી ગયો હતો. યુવક તેનું ચંપલ લેવા વાંદરાની પાછળ-પાછળ બોગી ઉપર ચઢ્યો હતો, પણ તે મેઇન ઓએચઇ લાઇનને અડી ગયો અને ડબ્બાની છત ઉપર સળગવા લાગ્યો.
બોગી પર યુવાનને જીવતો સળગતો જોઈ મુસાફરો ગભરાઈ ગયા હતા. ઓએચઇનો કરંટ બંધ થયો ત્યાં સુધી યુવક લગભગ 15 મિનિટ સુધી સળગતો રહ્યો. આગ ઓલવ્યા બાદ યુવકની સળગેલી લાશને નીચે લાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, કાસગંજથી ફરુખાબાદ જતી એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નંબર-2 પર ઊભી હતી. આ દરમિયાન વાંદરો મહિલા મુસાફરનું સેન્ડલ લઈને ભાગી ગયો હતો. વાંદરો ચંપલ લઈને ટ્રેનની બોગી પર ચઢી ગયો. જ્યારે મુસાફરોએ અવાજ કર્યો ત્યારે વાંદરો બોગીની ઉપર ચંપલ છોડીને ભાગી ગયો. એ લેવા માટે રેલવે સ્ટેશન પર વસ્તુઓ વેચતો યુવાન ટ્રેનના ડબ્બા પર ચડ્યો હતો અને મોત મળ્યું.
નજરે જોનારે કહ્યું- યુવક બચવા માટે બૂમો પાડતો રહ્યો
આ ઘટના જેણે નજરે જોઈ તેમના જણાવ્યા અનુસાર, યુવક બૂમો પાડતો રહ્યો, પરંતુ તે પોતાની જાતને કરંટથી મુક્ત કરી શક્યો નહીં. વીજપુરવઠો બંધ થયાની માહિતી મળતાં રેલવે અધિકારીઓએ ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ વડે આગને કાબૂમાં લીધી હતી. પોલીસે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મોતની જાણ થતાં જ પરિવારજનો રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. સ્ટેશન પર હોબાળો મચી ગયો.
સ્ટેશન મેનેજર મનોજ શર્માએ જણાવ્યું હતું કે વાંદરા પાસેથી ચંપલ છીનવવા માટે યુવક ટ્રેનની બોગી પર ચઢ્યો અને ઓએચઇથી અથડાઈ ગયો, જેને કારણે યુવક દાઝી ગયો હતો. બંધ કરીને કામગીરી હાથ ધરવામાં આવી હતી, પણ યુવકનું મૃત્યુ થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.