ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ (EOS-03)નું લોન્ચિંગ નિષ્ફળ રહ્યું છે. આ ઉપગ્રહ આજે સવારે 5.43 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી, પરંતુ નિર્ધારિત સમયની થોડીક સેકંડ પહેલાં ત્રીજા તબક્કામાં (ક્રાયોજેનિક એન્જિન) ખામીને કારણે એ ભ્રમણકક્ષામાં સ્થાપિત થઈ શક્યો ન હતો. ટેક્નિકલ મુશ્કેલીઓને કારણે મિશન કંટ્રોલ સેન્ટરે સંકેતો અને ડેટા પ્રાપ્ત કરવાનું બંધ કરી દીધું. આ પછી ઇસરોના ચેરમેન કે સિવને કહ્યું હતું કે મિશન પૂર્ણ થઈ શક્યું નથી.
આ ઉપગ્રહને 'આઈ ઇન ધ સ્કાઇ' એટલે કે આકાશની આંખ કહેવામાં આવતું હતું. આ પ્રક્ષેપણથી ઇસરોની પ્રવૃત્તિઓને પણ વેગ મળશે એવી અપેક્ષા હતી, જે કોરોના મહામારીને કારણે અટકી ગઈ હતી. EOD-03નું લોન્ચિંગ પણ અગાઉ 3 વખત ટેક્નિકલ કારણો અને કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવ્યું હતું. હવે એની નિષ્ફળતા પછી ઇસરો ટૂંક સમયમાં નવી લોન્ચ તારીખ જાહેર કરશે.
શું છે અર્થ ઓબ્જર્વેશન સેટેલાઇટ?
આ સેટેલાઇટને જિયો ઇમેજિંગ સેટેલાઇટ -1 (GISAT-1) પણ કહેવામાં આવે છે. એના દ્વારા ભારતની સાથે સાથે ચીન અને પાકિસ્તાનની સરહદો પર પણ નજર રાખી શકાય છે. આ કારણોસર આ ઉપગ્રહને આઈ ઇન ધ સ્કાઇ પણ કહેવામાં આવે છે.
અંતરિક્ષ રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે હાલમાં જ રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે અર્થ ઓબ્જર્વેશન સેટેલાઇટ (EOS-03) દરરોજ સમગ્ર દેશના 4-5 તસવીર મોકલશે. આ ઉપગ્રહની મદદથી જળ સંસ્થાઓ, પાક, વાવાઝોડા, પૂર અને જંગલ આવરણમાં થતા ફેરફારોનું રિયલ-ટાઇમ મોનિટરિંગ શક્ય બનશે.
એ મોટા વિસ્તારની વાસ્તવિક સમયની માહિતી પૂરી પાડવા સક્ષમ છે. આ ખૂબ જ ખાસ છે, કારણ કે અન્ય રિમોટ સેન્સિંગ ઉપગ્રહો નીચલા ભ્રમણકક્ષામાં છે અને તેઓ નિયમિત અંતરાલ પછી સ્થળ પર પાછા ફરે છે. એની સરખામણીમાં, EOS-03 દિવસમાં ચાર-પાંચ વખત દેશનો ફોટો પાડશે અને વિવિધ એજન્સીઓને હવામાન અને આબોહવા પરિવર્તનનો ડેટા મોકલશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.