રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની રાજસ્થાનના પ્રવાસ દરમિયાન તેમની સુરક્ષામાં ચૂક થવાનો મામલો સામે આવ્યો છે. હેલિપેડ પર થ્રી લેયર સિક્યોરિટી તોડીને એક મહિલા અધિકારી રાષ્ટ્રપતિને પગે લાગી હતી. જોકે એસપીની સૂચનાથી જેઈએનને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને છોડી મૂકવામાં આવી હતી. પોલીસ દ્વારા આ સમગ્ર મામલાને રેકોર્ડ પર લેવામાં આવેલ નથી અને દબાવી દેવામાં આવ્યો હતો. જો કે હવે ગૃહ મંત્રાલયે આ અંગે રિપોર્ટ માંગ્યો છે.
મહામહિમ 4 જાન્યુઆરીએ પાલીના નિમ્બલી બ્રાહ્મણ ગામમાં આયોજિત જાંબુરીના ઉદ્ઘાટન માટે આવ્યા હતા. હેલિપેડ પર તેમની થ્રી લેયર સિક્યુરિટીમાં સુરક્ષાકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અચાનક એક મહિલા અધિકારીએ પ્રોટોકોલ તોડીને રાષ્ટ્રપતિના ચરણસ્પર્શ કર્યા હતા.
મહિલા અધિકારીને રાષ્ટ્રપતિના સુરક્ષા કર્મચારીઓએ હટાવી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેણે મુર્મુના ચરણસ્પર્શ કરી લીધા હતા. આ પછી એસપી ગગનદીપ સિંગલાની સૂચનાથી મહિલાને રોહત પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી, પરંતુ થોડા કલાકો પછી ચેતવણી આપીને છોડી દેવામાં આવી હતી. મામલો રેકર્ડ પર લેવામાં આવ્યો ન હતો. હવે ગૃહ મંત્રાલયે રિપોર્ટ માંગ્યો, ત્યારે મામલો સામે આવ્યો છે.
ત્રિસ્તરીય સુરક્ષા કોર્ડન તોડી નાખ્યું
રાષ્ટ્રપતિના ચરણસ્પર્શ કરનાર જેઈએન અંબા 6 મહિનાથી સિયાલ રોહતમાં પાણી પુરવઠા વિભાગમાં કાર્યરત છે. તે છ વર્ષ પહેલાં સરકારી નોકરીમાં જોડાઈ હતી. તેની ડ્યુટી જંબુરી સ્થળ પર પાણીની વ્યવસ્થામાં લગાવવામાં આવી હતી. 4 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પહેલાં રાજ્યપાલ કલરાજ મિશ્રા અને મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ આ જ હેલિપેડ પર પહોંચ્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર આવે તે પહેલાં ત્રિસ્તરીય સુરક્ષા ઘેરાવ બનાવવામાં આવ્યો હતો. પ્રોટોકોલ મુજબ સીએમ, રાજ્યપાલ સહિત માત્ર 8 લોકો જ ત્યાં જઈ શકતા હતા.
આઈજીએ કહ્યું, ઘટના જૂની છે, હવે કેમ ઉઠાવી રહ્યા છો?
આ ઘટનાક્રમ અંગે સવાલ પૂછવા પર આઈજી પી. રામજીએ કહ્યું કે આ ઘટના જૂની થઈ ગઈ છે. તમે હવે કેમ ઉઠાવી રહ્યા છો? બાદમાં કહ્યું- હેલિપેડ પર શું થયું. તેના વિશે હું કંઈ જાણતો નથી, કારણ કે તે સમયે અમારું ધ્યાન અલગ હોય છે. માત્ર એસપી જ તમને સંપૂર્ણ માહિતી આપી શકે છે. તેની સાથે વાત કરી લો.
કોઈ માહિતી નથી, એસપી સાથે વાત કરો
DGP રાષ્ટ્રપતિને રિસીવ કરવા કતારમાં ઊભા રહેલા એડિશનલ DGP સંજય અગ્રવાલે કહ્યું- મને ખબર નથી, પછી કહ્યું- IG-SP સાથે વાત કરી લો. ભાસ્કરે કહ્યું કે તમે કતારમાં ઊભા હતા, તો કહ્યું - હું પોતે ત્યાં હતો, પરંતુ મારું ધ્યાન બીજે ક્યાંક હતું. આ અંગે માત્ર આઈજી કે એસપીને જ જણાવી શકે છે. આઈજી ઓફિસના એએસપી અમૃત કુમાર હેલિપેડ પર સુરક્ષાની જવાબદારી સંભાળી રહ્યા હતા. સોજતના સીઓ મૃત્યુંજય મિશ્રા પ્રભારી હતા અને 20 પોલીસકર્મીઓ તહેનાત હતા.
સરકારી કર્મચારી હતી, માટે ફરિયાદ નોંધી નહોતી
પાલી એસપી ડો. ગગનદીપ સિંગલાએ જણાવ્યું હતુ કે જેઈએન ડ્યુટી હેલિપેડની પાસે જ હતી. તે પાણી પુરવઠા વિભાગમાં જેઈએન પદ પર છે. તેઓ અચાનક ત્યાં પહોંચી ગઈ હતી. તેની પૂછપરછ કરવામાં આવી છે. તે સરકારી કર્મચારી હોવાને કારણે કોઈ ફરિયાદ નોંધવામાં આવી નહોતી.
રાષ્ટ્રપતિની સુરક્ષા સેનાની શ્રેષ્ઠ ટુકડી સંભાળે છે
ત્રણેય સેવાઓના કમાન્ડર-ઇન-ચીફની સુરક્ષામાં સેનાના પ્રેસિડેન્ટ્સ બોડીગાર્ડ (PBG) યુનિટ દ્વારા કરવામાં આવે છે. પીબીજીમાં માત્ર થોડા સૈનિકોની પસંદગી કરવામાં આવે છે. તેમાં ચાર અધિકારીઓ, 11 જુનિયર કમિશન્ડ ઓફિસર્સ (JCOs) અને 161 જવાન હોય છે.
ડ્યુટી હતી તો પોલીસ સ્ટેશને કેમ લઈ જવાઈ?
તેનો વીડિયો રાજ્યના માહિતી અને જનસંપર્ક વિભાગની ટીમે બનાવ્યો હતો, જે ભાસ્કર પાસે પણ છે. એવું જાણવા મળ્યું છે કે સુરક્ષામાં ચૂકની જાણ થતાં જ એસપીએ જેઈએનને પકડીને પોલીસને હવાલે કરી હતી. પોલીસ જેઈએનને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને તેને ઘણીવાર સુધી બેસાડી રાખી હતી. મામલો દબાવવા JENને છોડી દીધી હતી, કેસ પણ નોંધ્યો નહોતો.
એક્સપર્ટે કહ્યું- એક ગંભીર ભૂલ છે
આઈબીના નિવૃત્ત જોઈન્ટ ડાયરેક્ટર કે. રામે કહ્યું કે રાષ્ટ્રપતિની સુરક્ષા ઉચ્ચ સ્તરની હોય છે. પ્રોટોકોલ તોડવો એ સુરક્ષામાં મોટી ચૂક છે. આવા કિસ્સાઓમાં આંતરિક તપાસમાં કારણો જાણવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.