જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુઓની હત્યાને પગલે પરિસ્થિતિ બહુ ડહોળાઇ રહી છે. ગઇકાલે એક હિન્દુ શિક્ષિકાની હત્યા બાદ કાશ્મીરી પંડિતોએ ધમકી આપી હતી કે 24 કલાકમાં સુરક્ષિત સ્થાને નહીં પહોંચાડાય તો તેઓ ખીણ છોડી દેશે. તેની સાથે જ બુધવારે 150 પંડિત પરિવારોએ હિજરત શરૂ કરી દીધી. જ્યારે સરકારી તંત્રે ખીણમાંથી સરકારી કર્મચારીઓને 6 જૂન સુધી ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે. કુલગામમાં ગઇ કાલે થયેલી હત્યા બાદ આજે વિરોધ દેખાવો જારી રહ્યા હતા.
ભોગ બનેલી રજનીબાલાની અંતિમયાત્રામાં રોષે ભરાયેલા દેખાવકારો બુધવારે માર્ગો પર ઉતરી આવ્યા હતા અને ‘અમને ન્યાય જોઇએ’નો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. બારામુલામાં પીએમ વિશેષ પેકેજ હેઠળ કામ કરી રહેલા અનિલે જણાવ્યું કે અહીં કાશ્મીરી પંડિતોના 300 પરિવાર છે. અમારું અલ્ટિમેટમ બુધવારે સાંજ સુધી પૂરું થવાનું હતું પરંતુ કેટલાક પરિવારોેએ તે પહેલાં જ હિજરત શરૂ કરી દીધી કારણ કે અહીં બધા ભયભીત છે. આશરે 150 પરિવાર જમ્મુ રવાના થઇ ગયા છે.
તેમણે કહ્યું કે અમારે ફર્નિચર, ઇન્વર્ટર અને અન્ય ભારે સામાન વેચવો પડ્યો છે. જેની અડધી કિંમત પણ મળી રહી નથી પરંંતુ બીજો કોઇ વિકલ્પ પણ નથી.દરમિયાન સરકારી ટ્રાન્ઝિટ કેમ્પોમાં રહેતા હિન્દુ કર્મચારીઓએ તેમને બહાર નહીં જવા દેતા હોવાનો આરોપ લગાવ્યો છે. ગંદરબાલ, બડગામ, શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરના પંડિતોનું કહેવું છે કે તેમને બહાર નીકળવાની પરવાનગી નથી. તેઓ જમ્મુ જવા માગે છે પણ તંત્ર તેમને જવા દેતું નથી. જે પરિવારો છોડીને જતાં રહ્યા તેઓ ખાનગી કે ભાડાનાં મકાનોમાં રહેતા હતા અને તેમને કોઇ સુરક્ષા પણ ન હતી.
અમિત શાહ કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરશે
ગૃહમંત્રી અમિત શાહ 3 જૂને જમ્મુ-કાશ્મીરના લેફ. ગવર્નર મનોજ સિંહા અને અન્ય અધિકારીઓ સાથે રાજ્યની સ્થિતિ અંગે સમીક્ષા કરશે. શાહ આ ઉચ્ચસ્તરીય બેઠકનું સુકાન સંભાળશે. ઉપરાજ્યપાલ ઉપરાંત ગૃહમંત્રાલય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશના અન્ય અધિકારીઓ બેઠકમાં હાજર રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.