• Gujarati News
  • National
  • The Marriage Of 3 Young Men Of The Village Broke Down, The Bridegroom Said Let's Not Give Daughters In This Village

ગ્રાઉન્ડ રિપોર્ટ:હાથરસ ગામના 3 યુવકનાં લગ્ન તૂટ્યાં, કન્યાવાળાએ કહ્યું- આ ગામમાં દીકરીઓ નહીં આપીએ

હાથરસએક વર્ષ પહેલાલેખક: એમ. રિયાઝ હાશમી
  • કૉપી લિંક
પીડિતાના ઘર જવા રસ્તે બેરિકેડ્સ અહીં કડક બંદોબસ્ત હોવાનું જણાવે છે - Divya Bhaskar
પીડિતાના ઘર જવા રસ્તે બેરિકેડ્સ અહીં કડક બંદોબસ્ત હોવાનું જણાવે છે
  • દલિત યુવતીના મોતનો કેસ હવે સમાચારોમાં નથી પણ આખા ગામના સામાજિક તાણાવાણાને ઠેસ પહોંચી છે
  • પીડિતા અને આરોપીના પરિવારો વચ્ચે જ નહીં, ગામના લોકો વચ્ચે અંતર

યુપીના અલીગઢ-આગરા હાઇવે પર ચંદપાથી અંદાજે 400 મી. આગળ બુલગઢી ગામ તરફ જતા રસ્તાના છેડે મુકાયેલા લોખંડના અંદાજે 100થી વધુ બેરિકેડ એ જણાવવા માટે પૂરતા છે કે તાજેતરમાં દલિત યુવતી સાથે કથિત સામૂહિક દુષ્કર્મ અને પછી સારવાર દરમિયાન તેના મોત બાદ અહીં ઊમટેલા રાજકીય, સામાજિક અને મીડિયા ક્રાઉડને રોકવા કેટલી જબરદસ્ત વ્યવસ્થા કરાઇ હતી? પાક લેવાઇ ગયો હોવાના કારણે રસ્તામાં દૂર સુધી ખેતરોમાં ક્યાંય લીલોતરી દેખાતી નથી. બુલગઢીની આબોહવા કોઇ સામાન્ય ગામ જેવી જ જણાય છે. ઝઘડા તો બધા ગામમાં થતા રહેતા હોય છે પણ આ એક ઘટનાએ બૂલગઢની તાસીર બદલી નાખી છે.

ભાગોળે અમેરિકાથી માંડીને પાકિસ્તાન સહિત દરેક મુદ્દે નિર્ણય સંભળાવતા ગામનું દરેક ઘર આજે તટસ્થ દેખાવવા માગે છે. ગામના વૃદ્ધ રામેશ્વર જણાવે છે કે શિયાળો આવતાં જ ખેતરોમાં અને ભાગોળે સૌ સાથે બેસીને તડકો ખાતા અને સવારથી જ હુક્કો પીતા. કોરોનાનો ડર પણ તેમને સોશિયલ ડિસ્ટન્સિંગ માટે મજબૂર ન કરી શક્યો પણ ઘટના બાદ લોકોનું વર્તન બદલાઇ ગયું છે. સામા બારણે પણ ખીણ જેવું અંતર અનુભવાય છે.

સીબીઆઇ તપાસમાં અને કોર્ટમાં ભલે આ મામલો બે ઘર વચ્ચેના કાનૂની કેસ તરીકે જોવામાં આવે પણ આખું ગામ તેની અસરો અનુભવી રહ્યું છે. સપ્ટે.ના છેલ્લા અઠવાડિયામાં ગામના એક અને ઓક્ટોબરમાં બે મળીને ગામના કુલ 3 યુવકના લગ્ન હતા પણ આ કાંડ પછી ત્રણેય લગ્ન ફોક થયા. વયોવૃદ્ધ કૃષ્ણદત્ત શર્મા સામાજિક કારણોસર આ પરિવારોની ઓળખ છુપાવતાં જણાવે છે કે અગાઉ લૉકડાઉનના કારણે ગામના 3 યુવકના લગ્ન પાછા ઠેલાયા અને હવે ગામની દીકરીના મોત બાદ અલીગઢ અને આગરાથી ત્રણેય સગપણ કન્યાવાળાઓએ તોડી નાખ્યા. તેઓ કહે છે કે આટલી બદનામી પછી આ ગામમાં કોણ દીકરી આપશે?

ગામમાં પ્રવેશતાં જ સૌથી પહેલું ઘર મુખ્ય આરોપી સંદીપનું છે. તેના દરવાજેથી એક કિશોરી દરેક વાહનનો અવાજ આવતાં બહાર નજર કરીને જોવે છે. અહીંથી રસ્તો ડાબા હાથે વળીને ગામમાં જાય છે અને બીજી તરફ પીડિતાનું ઘર અને ગાય-ભેંસનો વાડો છે. બંનેના ઘર વચ્ચે 6 ફૂટ પહોળો રસ્તો છે. પીડિતાના પરિવારના ગાય-ભેંસના વાડાની વચ્ચોવચ સીઆરપીએફનો એક ટેન્ટ અને વાડાથી ઘરમાં જવાના સાંકડા રસ્તા પર એક મેટલ ડિટેક્ટર લાગેલું છે. બાજુમાં રેતીની બોરીઓના મોરચા પાછળ અને ઘરની છત પર ઇન્સાસ રાઇફલ, એકે-47 અને કાર્બાઇનથી સજ્જ કમાન્ડો તહેનાત છે. 6 નાઇટ વિઝન સીસીટીવી કેમેરા અને એક રેડિયો કોમ્યુનિકેશન ટાવર પણ લગાવાયા છે.

ગામમાં કોઇ અજાણી વ્યક્તિ દેખાતાં જ સ્થાનિકોની આંખો પણ સીસીટીવી કેમેરાની જેમ સક્રિય જણાય છે. કમાન્ડરના આદેશ પર 2 જવાન ટેન્ટમાંથી નીકળે છે અને ટેબલ પર રાખેલા વિઝિટર્સ રજિસ્ટરમાં દરેક મુલાકાતીની વિગત, મોબાઇલ નંબર અને આવવાનું કારણ લખ્યા પછી આગળનું પગલું નક્કી કરે છે. દોઢેક કલાક સુધી રાહ જોયા પછી પીડિતાના પિતા, ભાઇ અને ફોઇ કમાન્ડો સુરક્ષા સાથે મળવા આવે છે. જાતે કંઇ કહેતા નથી, બસ જે પૂછવામાં આવે તેના જવાબ આપે છે.

પીડિતાના ઘરમાંથી જ્યારે પણ કોઇ અજાણી વ્યક્તિ મળીને બહાર નીકળે ત્યારે આરોપીઓના પુરુષ પરિવારજનો રસ્તા પર બેસેલા દેખાય છે. કોઇને રોકતા નથી પણ રામ-રામ કરીને ધ્યાન ખેંચે છે. શરૂમાં કોઇ વાતનો સીધો જવાબ નથી આપતા પણ થોડી વાર વાતચીતનું સ્તર પારખીને પોતાના તર્ક રજૂ કરે છે. ગામવાસીઓ બંને પક્ષોથી અને મીડિયાથી પણ દૂર છે. 600થી વધુ વસતીવાળા આ ગામમાં 350થી વધુ ઠાકુર, 50 બ્રાહ્મણ અને બાકીના દલિત છે. ગામવાસીઓનું મૌન ભેદી છે, જેને ખોતરતાં એવું લાગ્યું કે મૌન તોડવા સમયની રાહ જોવાય છે કે પછી મૌન એટલા માટે સેવી રખાયું છે કે સમય જ બધા સવાલોના જવાબ આપી દેશે.

આરોપીના દાદાએ કહ્યું- હમારો ભી બિટિયા થી, કૈસે મરી જાંચ હો...
બાજુમાં પડેલો ખાટલો કદાચ મુલાકાતીઓ માટે જ ખાલી રાખીને મુખ્ય આરોપી સંદીપના પરિવારજનો રસ્તાની એક તરફ નીચે બેઠા હતા. સંદીપના દાદા રાકેશ સિંહે જણાવ્યું કે, ‘મુલઝિમ કા પક્ષ કૌન સુનૌ? તુમ લોગન ને હમાર છૌરોં કો તો ફાંસી ચઢાનો કા ઇંતજામ કર દિયો. હમારો બિટિયા થી વો પર મરી કૈસે ઇસકી જાંચ હો.’

પીડિતાના પિતાએ કહ્યું- કા બોલે, અબ બચો કા હૈ? સબ ખતમ હોગો
પીડિતાના પરિવારની સીબીઆઇ તપાસની માગ સંતોષાયા અંગેના સવાલના જવાબમાં તેના પિતા મૌન તોડતાં કહે છે કે, ‘અબ કા બોલે, અબ બચો કા હૈ? બિટિયા કે સંગ સબ ખતમ હોગો હૈ. ન્યાય મિલૌગો, નહીં મિલૌગો, પર ભરોસો હૈ. બિટિયા તો વાપસ આનો સો રહી. ઉસકા ક્રિયાક્રમ કર દેતે સો મન કો સંતોષ હો જાતો.’ પીડિતાના પિતાને જ્યારે જણાવાયું કે સીબીઆઇ ચારેય આરોપીને બ્રેન મેપિંગ અને પોલીગ્રાફ ટેસ્ટ માટે ગાંધીનગર લઇ ગઇ છે તો તેઓ લાંબો શ્વાસ લઇને બોલ્યા, ‘જબ બિટિયા કો ન્યાય મિલો, તબ સંતોષ હોગો.’ રાજકીય પક્ષોની સક્રિયતા તેઓ તેમના પરિવારના ભલા માટે ગણાવે છે. જોકે, દરેક સવાલનો સહજતાથી જવાબ આપે છે પણ પરિવાર પર શંકાની વાત અંગે કોઇ પ્રતિક્રિયા નથી આપતા. ભાર મુકાતાં કહે છે કે દીકરી તો જતી રહી પણ હવે લોકો એવો પ્રયાસ કરી રહ્યા છે કે અમારી બાકી બચેલી આબરૂ પણ જતી રહે. પીડિતાના પરિવારની સુરક્ષા માટે રામપુર સીઆરપીએફ સેન્ટરની એક કંપની (125 જવાન) તહેનાત છે.

અન્ય સમાચારો પણ છે...