કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઈન્દોરમાં જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જૂના ઈન્દોર વિસ્તારમાં એક મીઠાઈની દુકાને અજ્ઞાત પત્ર પહોંચ્યો છે, જેમાં રાહુલની ખાલસા સ્ટેડિયમમાં યોજાનારી સભામાં હુમલાની વાત કરવામાં આવી છે. આ મામલે પોલીસ CCTV ફુટેજને આધારે તપાસ કરી રહી છે. એડિશનલ ડીસીપી પ્રશાંત ચોબેએ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમના અનુસાર અજ્ઞાત આરોપીની તપાસ કરવામાં આવી રહી છે. પત્ર કંઈક આવો છે...
પત્રમાં સૌથી ઉપર વાહે ગુરુ લખ્યું છે. પછી નીચે લખ્યું છે...1984માં સમગ્ર દેશમાં ભયંકર રમખાણો થયાં. શીખોનું કત્લેઆમ થયું. કોઈ પાર્ટીએ આ ગુના વિરુદ્ધ અવાજ નથી ઉઠાવ્યો.(ત્યાર પછી અહિંયા કોંગ્રેસ નેતા કમલનાથ વિરુદ્ધ અપમાનજનક શબ્દો લખ્યા છે.)
પત્રમાં આગળ લખ્યું છે... નવેમ્બરના અંતિમ દિવસોમાં ઈન્દોરમાં ઠેર-ઠેર ભયાનક વિસ્ફોટ થશે. આખું ઈન્દોર બોમ્બ વિસ્ફોટોથી હચમચી જશે. ટૂંક સમયમાં જ રાહુલ ગાંધીની ઈન્દોર મુલાકાત સમયે કમલનાથને પણ ગોળી મારી દેવામાં આવશે. રાહુલ ગાંધીને રાજીવ ગાંધી પાસે મોકલી દેવામાં આવશે.
એક અન્ય પેજમાં લખ્યું છે...નવેમ્બર 2022ના અંતિમ સપ્તાહમાં બોમ્બ વિસ્ફોટથી સમગ્ર ઈન્દોર હચમચી જશે. રાજવાડાને ખાસ નિશાનો બનાવવામાં આવશે. પત્રમાં નીચે જ્ઞાનસિંગ નામ લખ્યું છે. સાથે જ પત્રમાં ઘણા મોબાઈલ નંબર પણ લખેલા છે. પત્ર સાથે આઈડી કાર્ડની નકલ પણ મોકલવામાં આવી છે. જે પરબીડિયામાં પત્ર આવ્યો છે તેમાં મોકલનારના સ્થાને રતલામ શહેરના ભાજપના ધારાસભ્ય ચેતન કશ્યપનું નામ લખવામાં આવ્યું છે.
કમલનાથે કહ્યું- ભાજપ દરેક યુક્તિ અપનાવી રહી છે
રાહુલ ગાંધી અને તેમની યાત્રાને મળેલી ધમકી પર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કમલનાથનું કહેવું છે કે, યાત્રાની સુરક્ષા રાજ્ય સરકારની જવાબદારી છે. આ ઘટનાને લઈ મુખ્યમંત્રીને મળી ચૂક્યો છું. હવે સુરક્ષા પોલીસના હાથમાં છે. ભાજપ દરેક યુક્તિ અપનાવી રહ્યું છે.
અરુણ યાદવે કહ્યું- કોંગ્રેસ પાર્ટી ડરતી નથી
કોંગ્રેસ નેતા અરુણ યાદવે ટ્વિટ કરી લખ્યું- શ્રી રાહુલ ગાંધીજીની ભારત જોડો યાત્રા દેશની એકતા, સદભાવના અને ભાઈચારાને જોડવાનું કામ કરી રહી છે અને દેશને તોડનારી તાકાતો ધમકી ભરેલા પત્રો લખી રહી છે. પરંતુ કોંગ્રેસ ડરતી નથી. પોલીસ પ્રશાસન ધમકી ભરેલા પત્રો લખનારા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે.
ઈન્દોરમાં રાહુલ ગાંધીનો કાર્યક્રમ
ભારત જોડો યાત્રા મહૂ દશેરા મેદાનથી શરૂ થશે અને 28મી નવેમ્બરે ઈન્દોરમાં એયુ સિનેમા (ઈન્દોર) ખાતે આવશે. શહેર કોંગ્રેસ પ્રમુખ વિનય બકલીવાલના જણાવ્યા અનુસાર, યાત્રા માણેકબાગથી ચોઈથરામ હોસ્પિટલ થઈને કલેક્ટર ચોક સુધી જશે. કલેક્ટર ચોકથી નીકળેલી યાત્રા કોંગ્રેસ કાર્યાલય સામેથી પસાર થઈ રાજબાડા પહોંચશે. અહીં રાહુલ ગાંધીની નુક્કડ સભા યોજાશે. નુક્કડ સભા બાદ રાહુલ ગાંધી કારમાં ખાલસા કોલેજ જશે. રાહુલ ગાંધી અહીં રાત્રિ રોકાણ કરશે.
29 નવેમ્બરે યાત્રામાં વિરામ હશે. 30 નવેમ્બરે મોટા ગણપતિ ચોકથી યાત્રા શરૂ થશે. જે કિલા મેદાન થઈને જિનસી ચાર રસ્તા થઈને મરીમાતા ચાર રસ્તા પહોંચશે. અહીંથી યાત્રા બાણગંગા રોડ પર આગળ વધશે અને કોંગ્રેસના ધારાસભ્ય સંજય શુક્લાના ઘરની સામેથી પસાર થશે. અહીંથી યાત્રા આગળ વધીને અરબિંદો હોસ્પિટલ થઈને સેન્ટ્રલ જેલ સામે અટકશે. અહીં સવારનો વિરામ હશે. આ પછી અહીંથી યાત્રા આગળ વધશે. ખાસ વાત એ છે કે જ્યારે રાહુલ ગાંધીની યાત્રા કોંગ્રેસ કાર્યાલય પાસેથી પસાર થશે ત્યારે કોંગ્રેસના નેતાઓ પ્રયાસો કરી રહ્યા છે કે રાહુલ ગાંધી થોડો સમય કોંગ્રેસ કાર્યાલય આવે અથવા થોડો સમય કોંગ્રેસ કાર્યાલયની બહાર રહે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.