કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કોઈ વ્યક્તિએ એક કલાકમાં ત્રણ વખત નાગપુર ઓફિસના લેન્ડ લાઈનમાં ફોન કરીને આ ધમકી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફોન કરનારે ખંડણી પણ માંગી છે. પોલીસે ફોન કરનારનો ફોન ટ્રેસ કર્યો છે. આ કોલ કર્ણાટકના અમુક વિસ્તારમાંથી કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.
સવારે 11:40 થી 12:40 વચ્ચે ફોન આવ્યા
નીતિન ગડકરીની નાગપુરની ઓફિસમાં સવારે 11:40 થી 12:40 વચ્ચે એક કલાકમાં ત્રણવાર ધમકીના ફોન આવ્યા હતા. જો કે શરૂઆતની દસ મિનિટમાં જ બે ફોન આવ્યા હતા. ગડકરીની ઓફિસ તરફથી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીનું કાર્યાલય નાગપુરમાં ખામલા ચોકમાં આવેલું છે અને આ ઓફિસથી તેમનું ઘર માત્ર એક કિલોમીટરના અંતરે છે.
ગડકરીએ સરકાર સામે તીર તાંક્યું હતું
પાંચ મહિના પહેલાં ભાજપના સંસદીય બોર્ડમાંથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને હટાવાયા બાદથી જ તેના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે. આ દરમિયાન નીતિન ગડકરીએ કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ એક મોટું નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું કે સરકાર સમયસર નિર્ણયો કરતી નથી તે જ સૌથી મોટી સમસ્યા છે. નીતિન ગડકરીએ તેમના આ નિવેદનથી કેન્દ્ર સરકાર પર સીધા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આ સમય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સમય જ આપણું અસલ ધન છે અને સરકાર વિકાસનાં કાર્યોને લઈને સમયસર નિર્ણયો લઈ રહી નથી, તે એક મોટી સમસ્યા છે. ગડકરીએ આ ટિપ્પણી નેશનલ કન્વેન્શન ઓફ સિવિલ એન્જિનિયર્સના સંમેલનમાં કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.