ગુજરાતના લઠ્ઠાકાંડ મુદ્દે બુધવારે રાજ્યસભામાં વિપક્ષી નેતાઓએ ભારે નારેબાજી કરી હતી. આ કારણસર બપોરે બાર વાગ્યા સુધી રાજ્યસભાની કાર્યવાહી મોકૂફ રાખવી પડી હતી. કોંગ્રેસ અને અન્ય વિપક્ષે લઠ્ઠાકાંડ સહિત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓમાં મોંઘવારીનો મુદ્દો પણ જોરશોરથી ઉઠાવ્યો હતો.
આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ લઠ્ઠાકાંડનો વિરોધ કરતા પ્લેકાર્ડ હાથમાં રાખીને વેલ સુધી પહોંચી ગયા હતા. રાજ્યસભા અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે આ મુદ્દે અનેક સભ્યોએ નિયમ 267 હેઠળ નોટિસ આપી છે, પરંતુ તે ચર્ચા સામાન્ય કાર્યકાળમાં પણ થઈ શકે છે. જોકે, આ વાત વિપક્ષને સ્વીકાર્ય ન હતી, તેથી તેમણે દેખાવો અને નારેબાજી કરવાનું ચાલુ રાખ્યું હતું. બાદમાં નાયડુએ બપોરના 12 વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી મોકૂફ કરી દીધી હતી.
નિયમ 267 હેઠળ જે મુદ્દે ચર્ચા કરવાની હોય તે રદ કરીને નવા મુદ્દાની ચર્ચા કરવાની નોટિસ આપી શકાય છે. આ મુદ્દે નોટિસ અપાતા જ નાયડુએ કહ્યું હતું કે હાલ નિયમ 267 હેઠળ ફુગાવો, મોંઘવારી મુખ્ય મુદ્દા છે. આ અંગે સંજયસિંહે કહ્યું હતું કે ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો છે જેમાં અત્યાર સુધી 55 લોકોનાં મોત થયા છે.
જોકે, નાયડુએ સંજયસિંહને તેમની ખુરશી પર જઈને બેસી જવાનું કહેતા કહ્યું હતું કે આ કેવી બેજવાબદારી છે. મારે નિયમ 267 હેઠળની નોટિસ વિશે કંઈ કહેવાનું છે. આમ છતાં, સંજયસિંહ અટક્યા ન હતા તેથી નાયડુએ તેમને ચેતવણી આપતા કહ્યું હતું કે મને ઉશ્કેરો નહીં. તમારી પાસે મને સાંભળવા જેટલી પણ ધીરજ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.