દક્ષિણ આફ્રિકાના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાં સામેલ ગુપ્તાબંધુઓની UAEમાંથી ધરપકડ કરવામાં આવી છે. સોમવારે આફ્રિકાની સરકારે આ વાતની પુષ્ટિ કરી છે. ગુપ્તાબંધુઓ પર આફ્રિકાના રાષ્ટ્રપતિ જૈકબ જુમાની સાથે મળીને ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ગુપ્તાબધુઓ ઉત્તરપ્રદેશના સહારનપુરના રહેવાસી છે. એક સમયે આ બંને ભાઈ અહીં રેશનની દુકાન ચલાવતા હતા અને આજે તેઓ દક્ષિણ આફ્રિકાના સૌથી અમીર ઉદ્યોગપતિ બની ગયા છે. તો ચાલો... જાણીએ તેમના જીવનના સંઘર્ષ વિશે...
કોણ છે ગુપ્તા બ્રધર્સ
ગુપ્તા બ્રધર્સ ત્રણ ભાઈઓ છે. અજય(50 વર્ષ), અતુલ(47) અને રાજેશ(44 વર્ષ). આ બધાનો જન્મ ઉત્તરપ્રદેશના સહારનપુરમાં થયો છે. ગુપ્તાબધુઓના પિતા શિવકુમાર ગુપ્તાની સહારનપુરમાં રેશનની દુકાન હતી. આ સિવાય તેઓ મસાલાઓને પણ સપ્લાય કરતા હતા. તેમના મસાલા વિદેશમાં પણ સપ્લાય થતા હતા. તેમની એક કંપની ગુપ્તા એન્ડ કંપની ટેલકમ પાઉડર હતી. તે પાઉડરનો સપ્લાય કરતી હતી. આજથી 30થી 40 વર્ષ પહેલાં શિવકુમાર ગુપ્તાનું સહારનપુરના રાની બજારમાં એક મોટું મકાન હતું. તેમની પાસે કાર પણ હતી.
સહાનપુરમાં અભ્યાસ કર્યો અને પછી આફ્રિકામાં કારોબાર શરૂ કર્યો
ત્રણે ભાઈઓનો અભ્યાસ સહારનપુરમાં થયો હતો. ત્રણેયે અહીંની જેવી જૈન કોલેજમાંથી સ્નાતક કર્યું હતું. મોટા ભાઈ અજયે બી.કોમ કર્યું અને પછી સીએનો અભ્યાસ કર્યો હતો. અતુલે બીએસસી કર્યું અને કોમ્પ્યુટર હાર્ડવેર અને એસેમ્બ્લિંગનો કોર્સ કર્યો હતો. નાના ભાઈ રાજેશે બીએસસી કર્યું. અતુલે અભ્યાસ પૂરો કર્યા પછી થોડા દિવસ સુધી દિલ્હીની હયાત હોટલમાં નોકરી કરી અને પછી દક્ષિણ આફ્રિકા જતા રહ્યા હતા. થોડા દિવસોમાં જ તેમણે વિકાસ તરફ વધી રહેલા આફ્રિકાને સમજી લીધું અને અહીં નાનો બિઝનેસ શરૂ કર્યો. બિઝનેસ આગળ વધ્યો તો તેમણે પોતાના ભાઈને પણ આફ્રિકા બોલાવી લીધો.
કોમ્પ્યુટરના બિઝનેસમાં પગ મૂક્યો
ગુપ્તા બ્રધર્સે 1993માં આફ્રિકામાં આફ્રિકા સહારા કોમ્પ્યુટરની શરૂઆત કરી. આ એવો સમય હતો, જ્યારે કોમ્પ્યુટરના ઉપયોગની શરૂઆત જ થઈ હતી. થોડા જ સમયમાં ગુપ્તા બ્રધર્સની કંપની દક્ષિણ આફ્રિકામાં નંબર વન થઈ ગઈ. એ પછી ગુપ્તા બ્રધર્સે કોલ અને ગોલ્ડ માઈનિંગ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. એ પછી તેમણે ન્યૂઝ ઈન્ડસ્ટ્રીમાં પણ પગ મૂક્યો હતો. ત્રણે ભાઈએ ન્યૂઝ એજ નામથી પહેલું ન્યૂઝપેપર શરૂ કર્યું અને પછી ઘણી ન્યૂઝ ચેનલના માલિક બની ગયા.
પિતાના મૃત્યુ પછી સમગ્ર પરિવાર આફ્રિકામાં વસી ગયો
1994માં ગુપ્તા બ્રધર્સે 1.4 મિલિયન રેન્ડથી કંપની કરેક્ટ માર્કેટિંગ શરૂ કર્યું હતું. માત્ર ત્રણ વર્ષમાં જ તે 97 મિલિયન રેન્ડની કંપનીમાં બદલાઈ ગઈ. એમાં 10 હજાર કર્મચારી હતા. એ પછીથી તેમનો બિઝનેસ સતત વધતો ગયો. 1994માં પિતાના નિધન પછી લગભગ આખો પરિવાર દક્ષિણ આફ્રિકા આવી ગયો હતો. મા અંગૂરીને છોડીને તમામે દક્ષિણ આફ્રિકાની નાગરિકતા લઈ લીધી છે.
પછી બન્યા દક્ષિણ આફ્રિકાના 16મા સૌથી અમીર
આ વાત વર્ષ 2016ની છે. એ સમયે અતુલ ગુપ્તાની કુલ સંપત્તિ લગભગ 78 કરોડ યુએસ ડોલર હતી. ત્યારે તેઓ દક્ષિણ આફ્રિકાના 16મી સૌથી અમીર વ્યક્તિ હતી. એ પછી તેમના પતનની શરૂઆત થઈ. આફ્રિકાના અમીરોમાં સામેલ ગુપ્તા બ્રધર્સની રાજકારણમાં ઘણી સારી પકડ હતી.
મંત્રીએ લગાવ્યો આરોપ એટલે ખૂલી ગઈ પોલ
આ ભાઈઓ આફ્રિકાના સૌથી મજબૂત રાષ્ટ્રપતિ જૈકબ જુમાના નજીકની વ્યક્તિ ગણાતા હતા. 2016માં આફ્રિકાના તત્કાલીન વાઈસ ફાઈનાન્સ મિનિસ્ટર જોનાસે ગુપ્તાબંધુઓ પર મોટો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગુપ્તાબંધુઓએ નાણામંત્રી નેનેને પદ પરથી હટાવીને મને નવા નાણામંત્રી બનાવવાનો ભરોસો આપ્યો હતો. એ પછી આફ્રિકામાં રાજકીય ભૂકંપ આવ્યો હતો. ગુપ્તાબંધુઓ પર આ પ્રકારનો આરોપ અગાઉ પણ લાગી ચૂક્યો હતો. 2010માં એક સાંસદે આરોપ લગાવ્યો હતો કે તેમને ગુપ્તાબંધુઓએ મંત્રી બનાવવાનો ભરોસો અપાવ્યો હતો. લોકો રસ્તા પર ગુપ્તાબંધુઓની વિરુદ્ધ ઊતરવા લાગ્યા હતા. તત્કાલીન રાષ્ટ્રપતિ જૈકબે ચારેય તરફથી ઘેરાઈ ચૂક્યા હતા અને તેમણે રાજીનામું આપી દીધું. આ દરમિયાન ગુપ્તાબંધુઓને આફ્રિકામાંથી કાઢવામાં આવ્યા હતા.
આફ્રિકાના રાષ્ટ્રપતિ ફસાઈ ગયા
દક્ષિણ આફ્રિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જૈકબ જુમા પર ખોટી રીતે ગુપ્તાબંધુઓને સરકારી મદદ કરવાનો આરોપ છે. આ સિવાય વ્યક્તિગત ઘર પાછળ સરકારી તિજોરીઓમાંથી લાખો ડોલરનું કૌભાંડ કરવાનો આરોપ પણ જુમા પર છે. સાંસદમાં તેમના વિરુદ્ધ મહાભિયોગ પણ ચલાવવામાં આવ્યો હતો. જોકે ત્યારે તેઓ બચી ગયા હતા. જોકે પછી તેમની પાર્ટીએ જ તેમને પદ પરથી હટાવી દીધા હતા. ગુપ્તાબંધુઓ પર આરોપ છે કે રાષ્ટ્રપતિની ઓળખનો ફાયદો ઉઠાવીને ખોટી રીતે તેમણે સરકારી કોન્ટ્રેક્ટ લીધા હતા. આ સિવાય તેમની પર મંત્રીઓની નિમણૂકમાં હસ્તક્ષેપ કરવાનો પણ આરોપ લાગ્યો હતો. જૈકબની સાથે ગુપ્તા પરિવારને લઈને સામાન્ય માણસોમાં આફ્રિકામાં ખૂબ જ નારાજગી છે અને આ કારણે જ જોહાનિસબર્ગના રસ્તાઓ પર ગુપ્તા મસ્ટ ફોલના નારા લગાવવામાં આવી રહ્યા છે.
પછી શું થયું?
ગુપ્તાબંધુઓ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા તો દક્ષિણ આફ્રિકાની તમામ મોટી બેન્કો અને બેન્ક ઓફ ચાઈનાએ તેમની કંપનીઓ સાથેનો સંબંધ તોડી નાખ્યો. દક્ષિણ આફ્રિકાની ચાર મોટી બેન્ક એબીએસએ, એફએનબી, સ્ટાન્ડર્ડ અને નેડ બેન્કે માર્ચ 2016માં ગુપ્તા પરિવાને જણાવ્યું હતું કે તે તેમની કંપનીઓને બેન્કિંગ સુવિધા આપી શકશે નહિ. બેન્ક ઓફ બરોડાની દક્ષિણ આફ્રિકાની બ્રાન્ચે પણ ગુપ્તા ફેમિલીને નોટિસ આપી હતી કે તે સપ્ટેમ્બરના અંત સુધીમાં તેમની કંપનીઓનાં તમામ એકાઉન્ટને બંધ કરી દેશે.
હવે પતનના આરે
ગુપ્તા બ્રધર્સ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકામાં એવો માહોલ બન્યો કે તેમણે દેશ છોડીને દુબઈ ભાગવું પડ્યું હતું. એટલે સુધી કે તેમના ઘણા કારોબાર પણ વેચાઈ ગયા છે. હવે ગુપ્તાબંધુઓ લેન્ડર્સના ચક્કરમાં પણ ફસાઈ ગયા છે. તેની ચુકવણી માટે દક્ષિણ આફ્રિકામાંની તેમની સંપત્તિની હરાજી કરવામાં આવી શકે છે. જોકે આફ્રિકન સરકારની નજર એ પૈસા પર છે, જે ગુપ્તાબંધુઓએ અમેરિકા, બ્રિટન અને યુએઈમાં રોક્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.