કોરોના ઈફેક્ટ:સરકારનો નિર્ણય - 1.13 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ, પેન્શનરોનું DA દોઢ વર્ષ સુધી નહીં વધે

ન્યૂ દિલ્હી3 વર્ષ પહેલા
  • 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021માં મળનારા મોંઘવારી ભથ્થા નહીં મળે
  • કોરોના મહામારી સામે જંગ, આર્થિક બોજ ઘટાડવા કેન્દ્ર સરકારના બે મોટા નિર્ણય
  • કેન્દ્ર બાદ રાજ્યો પણ આ નિર્ણય અમલમાં મૂકે તો 1.20 લાખ કરોડ રૂ. બચશે
  • કેન્દ્ર જાન્યુઆરી, 2020થી જૂન, 2021 સુધી DAના ત્રણ હપ્તા નહીં આપે

લૉકડાઉનના કારણે સર્જાયેલી સ્થિતિમાં આર્થિક બોજ ઘટાડવા કેન્દ્ર સરકારે ગુરુવારે બે મોટા નિર્ણય લીધા. પહેલો- કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સનું મોંઘવારી ભથ્થું (ડીએ) દોઢ વર્ષ સુધી નહીં વધારાય. બીજો- સૈન્યની ત્રણેય પાંખ માટે નવાં સંરક્ષણ ઉપકરણોની ખરીદી તાત્કાલિક અસરથી રોકી દેવાઇ છે. નાણામંત્રાલયે કહ્યું કે 1 જાન્યુઆરી, 2020થી 30 જૂન, 2021 સુધી મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત (ડીઆર) નહીં વધારાય. ગયા મહિને ડીએ-ડીઆર 4 ટકા વધ્યાં હતાં, જે વધારો રોકી લેવાયો છે. આ નિર્ણયથી અંદાજે 1.13 કરોડ કર્મચારી, પેન્શનર્સને અસર થશે. જોકે, મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે વર્તમાન દરે ડીએ-ડીઆરની ચુકવણી જારી રહેશે. 1 જુલાઇ, 2021થી આપવામાં આવનારા ડીએ-ડીઆર વધારવા જ્યારે પણ નિર્ણય લેવાશે ત્યારે આ ત્રણેય હપ્તા તેમાં જોડી દેવાશે પણ આ દોઢ વર્ષનું કોઇ એરિયર નહીં મળે. બીજી તરફ ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સએ સૈન્યની ત્રણેય પાંખને કહ્યું છે કે નવા સંરક્ષણ સોદાની પ્રક્રિયા જે કોઇ તબક્કામાં હોય ત્યાં જ રોકી દેવામાં આવે. 

આ રીતે સમજો સરકારના બંને નિર્ણયથી થનારી બચત
1. મોંઘવારી ભથ્થાંના 3 હપ્તા રોકીને સરકાર 37,530 કરોડ રૂ. બચાવશે
નાણામંત્રાલયનાં સૂત્રોના જણાવ્યાનુસાર દોઢ વર્ષ સુધી ડીએ-ડીઆર ન વધારીને સરકાર કુલ 37,530 કરોડ રૂ. બચાવશે. સામાન્ય રીતે કેન્દ્રના દર રાજ્ય સરકારો પણ લાગુ કરે છે. રાજ્ય સરકારો પણ તેમના કર્મચારીઓ અને પેન્શનર્સનું ડીએ રોકી શકે છે. તેવું થાય તો રાજ્યો કુલ મળીને 82,566 કરોડ રૂ. બચાવી શકે છે. રાજ્યો અને કેન્દ્રની કુલ બચત 1.20 લાખ કરોડ રૂ. સુધી હોઇ શકે છે. 
2. સૈન્ય તરફથી નવો પ્રસ્તાવ નહીં આવે, મૂડીગત બજેટમાં પણ 10 ટકા કાપનો સંકેત
સંરક્ષણ બજેટમાં આધુનિકીકરણ માટે 1 લાખ કરોડ રૂ.થી વધુ જોગવાઇ કરાઇ છે. એરફોર્સને સૌથી વધુ 45 હજાર કરોડ, આર્મીને 33 હજાર કરોડ અને નેવીને 26 હજાર કરોડ રૂ. આપવાનો પ્રસ્તાવ હતો. નાણામંત્રાલયે હવે સંરક્ષણ મંત્રાલયના મૂડીગત બજેટમાં 10 ટકા કાપનો સંકેત આપ્યો છે. તેવા સંજોગોમાં સરકાર 10 હજાર કરોડ રૂ. બચાવી શકે છે.

જરૂરિયાતોમંદોની મદદ માટે અત્યાર સુધી 31,235 કરોડ રૂપિયા ખર્ચ થઈ ચૂક્યા છે 
કોરોના વાઈરસ વિરુદ્ધ લડાઈમાં બેવડું ભારણ વધ્યું છે. એક તરફ આર્થિક પ્રવૃત્તિ બંધ થવાથી સરકારની રેવન્યૂ સંપૂર્ણપણે અટકી ગઈ છે, ત્યારે બીજી બાજુ ચેપગ્રસ્તોની સારવાર, તપાસ ઉપરાંત લૉકડાઉનમાં ફસાયેલા ગરીબોની સહાયનો ખર્ચ એકાએક વધી ગયો છે. કેન્દ્ર સરકાર મુજબ ગુરુવાર સુધી વડાપ્રધાન ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ 33 કરોડથી પણ વધુ ગરીબોને 31,235 કરોડ રૂપિયાની નાણાકીય સહાય કરાઈ હતી. 

બીજી બાજુ ઈન્ડિગોએ કર્મચારીઓનો પગાર કાપવાનો નિર્ણય પાછો ખેંચ્યો
ઈન્ડિગો એરલાઇન્સે પગારમાં કાપ મૂકવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. કંપનીના સીઇઓ રોનોજોય દત્તાએ કહ્યું કે આ નિર્ણય સરકારની એ અપીલ પર કરાયો છે જેમાં પગારમાં કાપ ન મૂકવા કહેવાયું હતું.  કંપનીએ પગારમાં 5થી 25 ટકા સુધીનો કાપ મૂકવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન મુંબઈની એક ટેક્સટાઈલ કંપની અને લુધિયાણાની હેન્ડ ટૂલ્સ એસોસિયેશને લૉકડાઉન દરમિયાન સંપૂર્ણ પગાર આપવા સંબંધિત સરકારી આદેશની બંધારણીય કાયદેસરતાને સુપ્રીમકોર્ટમાં પડકારી છે. 

1 જુલાઈ 2020થી આપવામાં આવતા ભથ્થાની ચૂકવણી નહી કરાય
નાણાં મંત્રાલયે કહ્યું કે 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021થી આપવામાં આવતા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત ભથ્થાની ચૂકવણી નહીં કરાય. આ રીતે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને જૂન 2021 સુધી મોંઘવારી ભથ્થાની ચૂકવણી નહીં કરાય. સરકાર દરેક છ મહિનાના અંતર મોંઘવારી ભથ્થામાં ફેરફાર કરે છે. ફેરફાર પછી જ મોંઘવારી ભથ્થાની ચૂકવણી દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ કરાય છે. મોંઘવારી ભથ્થુ ન આપવાના નિર્ણયની અસર એક કરોડથી વધારે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરો ઉપર પડશે. આમાં 50 લાખ પેન્શનરોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...