• Gujarati News
  • National
  • The Government Will Buy 125 Kg Of Gold From The RBI For The Golden Peak Of The Yadadri Temple In Telangana

ભાસ્કર વિશેષ:સરકાર તેલંગાણામાં યદાદ્રિ મંદિરના સુવર્ણ શિખર માટે 125 કિલો સોનું આરબીઆઈ પાસેથી ખરીદશે

હૈદરાબાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હૈદરાબાદ નજીક વિષ્ણુજીના ચોથા અવતાર નરસિંહનું મંદિર બનશે

વર્ષ 2014માં આંધ્રપ્રદેશથી છૂટા પડ્યા બાદ તેલંગાણામાં તિરુપતિ જેવા પ્રસિદ્ધ મંદિરની અછત વર્તાઈ રહી છે. તેથી કેસીઆર સરકાર રાજ્યના ભુવનગિરિ જિલ્લામાં શ્રી લક્ષ્મી નરસિમ્હા સ્વામીનું ભવ્ય યદાદ્રિ મંદિર બનાવી રહી છે. તેનું નિર્માણકાર્ય લગભગ પૂરું થઈ ગયું છે. હવે તેના શિખરને સોનાથી મઢાશે.

મંદિરના પુન:નિર્માણનું આકલન કરવા પહોંચેલા મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે કહ્યું કે મંદિરને 125 કિલોગ્રામ સોનાની જરૂર પડશે. તેની કિંમત આશરે 60થી 65 કરોડ રૂપિયા હશે. અમે ભારતીય રિઝર્વ બેન્ક પાસેથી સોનું ખરીદવાનો નિર્ણય કર્યો છે. અમે નાણાં એકત્રિત કર્યા બાદ આરબીઆઈ પાસેથી સોનું ખરીદીશું જેથી શુદ્ધ સોનું મળે.

સૌથી પહેલા મુખ્યમંત્રીએ દાતા તરીકે એક કિલો અને 16 તોલા સોનું દાન કર્યું. બાદમાં ટીઆરએસના અનેક ધારાસભ્યો, એમએલસી અને ઉદ્યોગપતિ આગળ આવ્યા અને દાન આપવાની જાહેરાત કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે મંદિર માટે સામાન્ય લોકો અને સંગઠનો પાસેથી દાન લેવાશે. ન્યૂનતમ 11 રૂપિયાનું દાન પણ સ્વીકારાશે.

નરસિંહને ભગવાન વિષ્ણુના ચોથા અવતાર મનાય છે. મંદિર તેમને જ સમર્પિત છે. મંદિરમાં 39 કિલો સોનું અને 1753 ટન ચાંદીથી તમામ ગોપુર(દ્વાર) અને દીવાલોને પણ મઢાશે. તેનો ખર્ચ આશરે 700 કરોડ રૂપિયા થશે. મંદિરની ડિઝાઈન પ્રસિદ્ધ આર્કિટેક્ટ અને દક્ષિણ ભારતની ફિલ્મોના આર્ટ ડિરેક્ટ આનંદ સાંઈએ તૈયાર કરી છે.

અહીં રોજ 10 હજાર શ્રદ્ધાળુઓના ભોજનની વ્યવસ્થા કરાશે. મંદિરની આજુબાજુ 250 એકરમાં ફેલાયેલી ટેમ્પલ સિટી પણ તૈયાર થઇ રહી છે. તેમાં 200 એકરમાં 250 કોટેજ બનશે. જોકે 50 એકરમાં હરિયાળી હશે.

બીજી તરફ, મંદિર માટે રાજ્યના શ્રમમંત્રી 1 કિલો અને તેમની વિધાનસભા ક્ષેત્રના લોકો 1 કિલો સોનું આપશે. નાગરકુનરુલના ધારાસભ્ય રેડ્ડી 2 કિલો સોનું દાન કરશે. મંદિરને ફરીથી ખોલવા માટે મુહૂર્તને અંતિમ સ્વરૂપ આપનારા પ્રસિદ્ધ જ્યોતિષી ચિન્ના જીયર સ્વામીએ પણ તેમના પીઠમ તરફથી 1 કિલો સોનું સમર્પિત કર્યું છે.

2016માં કામ શરૂ થયું, લૉકડાઉનમાં પણ ચાલ્યું, ખર્ચ ~1800 કરોડ
હૈદરાબાદથી 60 કિ.મી. દૂર પર્વત પર સ્થિત યદાદ્રિ મંદિરનું કામ 2016માં શરૂ થયું હતું. તેને ભવ્ય રૂપ આપવાનું કામ લૉકડાઉન દરમિયાન પણ ચાલુ રહ્યું હતું. હવે મંદિર 28 માર્ચ 2022ના રોજ શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવાશે. અગાઉ 21 માર્ચે ચિન્ના જીયર સ્વામીની આગેવાનીમાં 1000 ઋત્વિકો સાથે સુદર્શન યજ્ઞ યોજાશે. દેશભરના 4000 મુખ્ય પૂજારીઓ સહિત 6000 ઋત્વિક પણ યજ્ઞમાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...