કેન્દ્ર સરકાર નોકરિયાત વર્ગને ટૂંક સમયમાં જ ખુશખબરી આપી શકે છે. સરકાર કંપનીઓને ફ્લેક્સિબિલિટી સાથે સપ્તાહમાં 4 દિવસ કામ અને 3 દિવસ રજાની યોજનાને મંજૂરી આપે એવી શક્યતા છે. જોકે એ માટે કર્મચારીઓએ લાંબી શિફ્ટમાં કામ કરવું પડશે.
સપ્તાહમાં 48 કલાક તો કામ કરવું જ પડશે
લેબર સેક્રેટરી અપૂર્વા ચંદ્રાના જણાવ્યા પ્રમાણે, સપ્તાહમાં 48 કલાક કામ કરવાનો નિયમ ચાલુ જ રહેશે, પરંતુ કંપનીઓને ત્રણ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. ચંદ્રાના જણાવ્યા પ્રમાણે, 12 કલાકની શિફ્ટવાળા સપ્તાહમાં 4 દિવસ કામ કરવાની અને 3 દિવસ રજા રાખવાની મંજૂરી મળી શકે છે. એ જ રીતે 10 કલાકની શિફ્ટના લોકોને 5 દિવસ અને 8 કલાકની શિફ્ટવાળા લોકોને સપ્તાહમાં 6 દિવસ કામ કરવું પડશે.
ત્રણ શિફ્ટ રાખવા માટે કોઈ દબાણ નથી
ચંદ્રાનું કહેવું છે કે ત્રણ શિફ્ટ વિશે કર્મચારીઓ અથવા કંપનીઓ પર કોઈ દબાણ નાખવામાં આવશે નહીં. તેમાં ફ્લેક્સિબિલિટી રાખવામાં આવશે. બદલાતા વર્ક-કલ્ચર સાથે તાલમેલ જાળવી રાખવા માટે આ યોજના બનાવવામાં આવી રહી છે. તે લેબર કોડનો હિસ્સો બનશે. એકવાર નિયમ લાગુ થઈ જશે તો કંપનીઓને 4 અથવા 5 દિવસના વર્કિંગ વીક માટે સરકારની મંજૂરી લેવાની રહેશે નહીં.
નવું વર્ક વીક શરૂ કરતાં પહેલાં રજા આપવી પડશે
ચંદ્રાનું કહેવું છે કે કંપનીઓએ નવું વર્ક સપ્તાહ શરૂ કરતાં પહેલાં કર્મચારીઓને રજા આપવી પડશે. જો કંપનીઓ 4 દિવસનું કામનું સપ્તાહ નક્કી કરશે તો કર્મચારીઓને 3 દિવસની રજા આપવી પડશે. જો 5 દિવસ કામનું સપ્તાહ પસંદ કરશે તો 2 દિવસ રજા આપવી પડશે. આ સ્કીમ પર એક્સપર્ટનું કહેવું છે કે નવો લેબર કોડ લાગુ થયા પછી કંપનીઓ પાસે 8થી 12 કલાક વર્ક ડે પસંદ કરવાની આઝાદી રહેશે. કંપનીઓની માગ, ઈન્ડસ્ટ્રી અને લોકેશન પ્રમાણે વર્ક ડે પસંદ કરી શકે છે.
કામનો તણાવ ઓછો કરવા વધારે રજાઓ ઈચ્છે છે કર્મચારીઓ
ઘણા કર્મચારીઓનું માનવું છે કે વીક ઓફફ વધારે મળવા જોઈએ. એનાથી કર્મચારીઓનો કામનો તણાવ ઓછો કરવામાં મદદ મળે છે. આ નિયમથી કંપનીઓને પણ ફાયદો થશે અને તેમની ઓફિસનો ખર્ચ પણ ઘટી શકે છે. એ સાથે જ સ્ટાફ વધારે સક્રિય અને પ્રોડક્ટિવ રહેશે.
આઈટી સેક્ટરને વધારે ફાયદો મળશે
નિષ્ણાતોનું માનવું છે કે વર્ક ડે સાથે જોડાયેલા નિયમોથી IT અને શેયર્ડ સર્વિસ જેનાં સેક્ટર્સને વધારે ફાયદો મળશે. બેન્કિંગ અને ફાઈનાન્સ સર્વિસ ઈન્ડસ્ટ્રીઝના 20 ટકાથી 30 ટકા કર્મચારી સપ્તાહમાં 4 અથવા 5 દિવસ કામની શિફ્ટ પસંદ કરીને વીકએન્ડમાં લાંબી રજાઓ લઈ શકે છે. હ્યુમન રિસોર્સ અને ફાઈનાન્સિયલ વર્ટિકલ જેવી પ્રોફાઈલમાં કામ કરનાર આ પ્રેક્ટિસને સરળતાથી અને ઝડપથી અડોપ્ટ કરી શકે છે.
રોજગારી ઘટવાની આશંકા
જોકે અમુક નિષ્ણાતોનું માનવું છે કે એક દિવસમાં 12 કલાક કામથી 24 કલાક ચાલતી કંપનીઓમાં 1 દિવસમાં માત્ર 2 શિફ્ટ ચાલી શકે છે. એને કારણે રોજગારીની તક ઘટી શકે છે. એ સિવાય લાંબી શિફ્ટથી કર્મચારીઓનાં કામ અને લાઈફ બેલેન્સ પર અસર થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.