સરકારે ગઈકાલે રાત્રે નાની બચતની વિવિધ યોજનાઓ પરના વ્યાજદરોમાં જે ધરખમ ઘટાડો જાહેર કર્યો હતો એ આજે પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. 1લી એપ્રિલથી જે વિવિધ બચત યોજનાઓ પરના વ્યાજદરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો એને પાછો ખેંચી લેવાયો છે, એટલે કે અગાઉના વ્યાજદરો યથાવત્ જળવાઈ રહેશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21ના અંતિમ ત્રિમાસિક ગાળા પ્રમાણે જ નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વ્યાજદરો રહેશે.
નાણામંત્રીએ શું કહ્યું?
નાણામંત્રી સીતારમણે કહ્યું કે, સરકારે સ્મોલ સેવિંગ સ્કીમો પર લાગુ કરવામાં આવેલા દર તે જ સ્તર પર સ્થિત રાખ્યા છે. જે વર્ષ 2020-21ના છેલ્લા ત્રિમાસીક ગાળામાં હતા. તેમણે આગળ કહ્યું કે, દર ઘટાડવાના પહેલાંના ઓર્ડરને ઝડપથી પરત લઈ લેવામાં આવશે.
નાણાં મંત્રાલયે ગઈકાલે વ્યાજદરોમાં ઘટાડો કર્યો હતો
નાણાં મંત્રાલયે ગઈકાલે રાત્રે વિવિધ બચત થાપણો પરના વ્યાજદરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. સરકારે 1લી એપ્રિલથી અમલી બને એ રીતે બચત-થાપણો પર વાર્ષિક ધોરણે મળતા વ્યાજમાં ધરખમ ઘટાડો કર્યો હતો. આ વ્યાજદર 4 ટકાથી ઘટાડી 3.5 ટકા કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)પર વાર્ષિક ધોરણે મળતા 7.1 ટકા વ્યાજને પણ 0.6 બેસિસ પોઇન્ટ ઘટાડી 6.4 ટકા કરી દીધો હતો. આ તમામ વ્યાજદરોમાં કરેલો આ ઘટાડો મોકૂફ રાખ્યો છે.
સરકારે ગઈકાલે વ્યાજદરોમાં ધરખમ ઘટાડો કરવા અંગે જાહેરાત કરી હતી
પહેલાં કેટલો ઘટાડો કરવામાં આવ્યો હતો
યોજના | આ વ્યાજદર કરવામાં આવ્યા હતા (% માં) | વ્યાજદર (% માં) |
સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ | 6.50 | 7.40 |
સુકન્યા સમૃદ્ધિ યોજના | 6.90 | 7.60 |
PPF | 6.40 | 7.10 |
કિસાન વિકાસ પત્ર | 6.20 | 6.90 |
NSC | 5.90 | 6.80 |
મંથલી ઈન્કમ સ્કીમ | 6.60 | 6.60 |
ટાઈમ ડિપોઝિટ | 4.40 થી 6.20 | 5.50 થી 6.70 |
રિકરિંગ ડિપોઝિટ | 5.30 | 5.80 |
સેવિંગ એકાઉન્ટ | 3.50 | 4.00 |
1 એપ્રિલ 2020એ વ્યાજદરમાં ઘટાડો થયો હતો
સરકારે ગયા વર્ષે 1 એપ્રિલ 2020ના રોજ જ નાની બચત યોજના પર મળતાં વ્યાજમાં ઘટાડો કર્યો હતો. ત્યારે તેમના વ્યાજદરમાં 1.40 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારપછી 31 માર્ચ 2021ના રોજ પણ વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ તે પરત લેવો પડ્યો હતો.
આવા નિર્ણય મોટી પ્રોસેસથી થાય છે, ભૂલ કહેવું ખોટું છે
નાણામંત્રાલયમાં કામ કરનારા સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે, આવા આદેશમાં ભૂલ ના થાય. એ માટે અનેક દિવસો સુધી ફાઈલ ચાલે છે. આવા મુદ્દે સંબંધિત વિભાગના ડિરેક્ટર, જોઈન્ટ સેક્રેટરીથી લઈને એડિશનલ સેક્રેટરી અને સેક્રેટરી સુધીના હોદ્દેદારોની સંમતિ લેવાય છે. જો મામલો સંવેદનશીલ હોય તો મંત્રીની મંજૂરી લેવી ફરજિયાત છે. જ્યારે નોટિફિકેશન જારી થાય છે, ત્યારે તમામની મંજૂરી મળી જાય છે.
બે દિવસમાં ત્રણ નિર્ણય પાછા ખેંચવામાં આવ્યા
1. મંગળવારે સેલરી સ્ટ્રક્ચર બદલવાનો નિર્ણય લીધો, બુધવારે પાછો ખેંચાયો
2. પાનકાર્ડથી આધારથી લિન્ક કરવાની લાસ્ટ ડેટ 31 માર્ચ હતી, હવે 30 જૂન થઈ.
3. બુધવારે બચત પર વ્યાજદર ઘટાડવાનો નિર્ણય, ગુરુવારે સવારમાં જ બદલાયો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.