કાળઝાળ ગરમીથી પરેશાન લોકો માટે સારા સમાચાર છે. આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ટૂંક સમયમાં જ આવી રહ્યું છે. અંદમાન અને નિકોબાર ટાપુઓમાં 15 મેના રોજ મોસમનો પ્રથમ વરસાદ થવાની આશા છે. આ વર્ષે ચોમાસું સમય કરતાં ચાર દિવસ પહેલાં 26 મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા છે.
સમય પહેલા કેરળમાં ચોમાસાની શરૂઆત થશે
ભારતીય હવામાન વિભાગ (IMD)ના ડિરેકટર મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે દક્ષિણ- પશ્ચિન ચોમાસુ 15 મે ની આસપાસ દક્ષિણ અંદમાન સમુદ્ર અને તે સંલગ્ન દક્ષિણપૂર્વ ખાડીમાં પહોંચે તેવી શક્યતા છે. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, વિસ્તૃત આગાહીમાં સમય કરતા પહેલા કેરળમાં ચોમાસાની શરૂઆત અને ઉત્તર તરફ આગળ વધવાના સંકેતો છે. આનાથી દેશના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 15 દિવસથી આકરી ગરમીનો સામનો કરી રહેલા લોકોને રાહત મળશે.
સામાન્ય રીતે ચોમાસું 15મી મે સુધીમાં નિકોબાર જ પહોંચે છે અને 22મી મે સુધીમાં અંદમાનના ઉત્તર ભાગમાં આવેલા મેયાબંદરને આવરી લે છે.
14 થી 16 મે વચ્ચે ભારે વરસાદની શક્યતા
IMD કહે છે કે આગામી પાંચ દિવસમાં અંદમાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. 14 થી 16 મે દરમિયાન કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. 15 અને 16 મેના રોજ દક્ષિણ અંદામાન સમુદ્રમાં 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
ચોમાસુ 26 મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસું 1લી જૂને કેરળ પહોંચે છે. ચક્રવાત આસાનીના કારણે કેરળમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે.
મધ્યપ્રદેશમાં 16 મેથી પ્રી-મોન્સુન
બંગાળની ખાડીમાં અચાનક સર્જાયેલા ચક્રવાતને કારણે 16 મેથી પ્રિ-મોનસૂન મધ્યપ્રદેશમાં પણ દસ્તક આપી શકે છે. આ વખતે ચોમાસુ ભોપાલ, ઈન્દોર, નર્મદાપુરમ અને ઉજ્જૈન વિભાગમાં વધુ મહેરબાન રહેશો. જબલપુર અને સાગર વિભાગમાં તે સામાન્ય રહેશે.
જો કે મધ્યપ્રદેશમાં ચોમાસાના આગમનનો સમય અગાઉ 10મી જૂન હતો, પરંતુ કેટલાક વર્ષોથી તેના આગમનમાં વિલંબ થતાં હવે તેને 15મીથી 16મી જૂન નક્કી કરવામાં આવ્યું છે. જો કોઈ અવરોધ નહી આવે તો આવી સ્થિતિમાં મધ્યપ્રદેશમાં 15 થી 16 જૂન દરમિયાન ચોમાસું આવવાની સંભાવના છે. તે 20 જૂનની આસપાસ ભોપાલ પહોંચશે. જૂનમાં તાપમાન વધશે નહીં.
દક્ષિણ પશ્ચિમ ચોમાસાથી 70% વરસાદ
ચોમાસું કેરળથી શરૂ થાય છે અને ધીમે ધીમે સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે. આને કારણે, દેશમાં કુલ વરસાદનો 70% દક્ષિણ પશ્ચિમ ચોમાસામાંથી આવે છે. ભારતમાં રવિ પાકનો અડધો ભાગ આ ચોમાસા પર નિર્ભર છે.
ચોમાસું સામાન્ય રહેશે
દેશના 40% ખેડૂતો સિંચાઈ માટે ચોમાસા પર નિર્ભર છે. ચોખા, કપાસ, શેરડી, મસૂર, ચણા અને સરસવ જેવા ખરીફ પાકોનું ઉત્પાદન કરતા ખેડૂતો ચોમાસા પર આધાર રાખે છે. આ પહેલા હવામાન વિભાગે સતત ચોથા વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.