તામિલનાડુના ચેન્નઈમાં પોલીસે વૃદ્ધ દંપતીની હત્યા કેસનો કોયડો ઉકેલી નાખ્યો છે. પોલીસે જણાવ્યું છે કે 60 વર્ષીય શ્રીકાંત અને તેમની પત્ની અનુરાધા દીકરીને મળીને અમેરિકાથી ભારત આવ્યાં હતાં. ત્યારથી બંને ગુમ હતાં. પોલીસે પરિવારજનોની ફરિયાદને આધારે આ મામલે તપાસ હાથ ધરી હતી.
બંને અંતિમ સમયે ડ્રાઇવર સાથે હતા
ત્યારે તપાસ દરમિયાન પોલીસે જાણવા મળ્યું હતું કે વૃદ્ધ દંપતીને ત્યાં કૃષ્ણા નામની વ્યક્તિ ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો, જે મૂળ નેપાળી હતો. તે જ દંપતીને શનિવારે એરપોર્ટ પર લેવા ગયો હતો. પોલીસને દંપતીની ફોન હિસ્ટ્રીથી જાણવા મળ્યું હતું કે બંને પતિ-પત્ની છેલ્લી વખત ડ્રાઇવર કૃષ્ણા સાથે હતા.
બે વ્યક્તિની ધરપકડ કરી
પોલીસે આ મામલે વૃદ્ધ દંપતીના ડ્રાઇવર સહિત અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે. તે બંનેની કડક પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે બંને વ્યક્તિએ મળીને જ આ વૃદ્ધ દંપતીની હત્યા કરી છે. મૈલાપુરની દ્વારકા કોલોનીમાં આવેલાં વૃદ્ધ દંપતીના ઘરમાં જ તેમને પતાવી દીધા હોવાની વાત કબૂલી હતી. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે નેમેલ્લી સ્થિત દંપતીના ફાર્મહાઉસમાં બંનેના મૃતદેહો દફનાવી દીધા હતા.
દંપતીને ક્રૂરતાપૂર્વક માર માર્યો
ત્યાર બાદ પોલીસે ફાર્મહાઉસ પહોંચીને બંને મૃતદેહને બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે ચેંગલપટ્ટૂની સરકારી હોસ્પિટલમાં મોકલ્યા હતા. રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે બંને દંપતીને ખૂબ જ ક્રૂરતાથી ઢોરમાર મારવામાં આવ્યો હતો અને એને કારણે જ તેમનું મોત થયું હતું. હાલ પોલીસ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે, સાથે જ આ હત્યા કરવા પાછળનું કારણ જાણવા માટે પોલીસ તપાસ ચાલુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.