હવે ખાસ ચેતવું પડશે:ઓમિક્રોન અને ડેલ્ટા ભેગા મળીને બન્યો નવો વેરિયન્ટ, સાઇપ્રસ યુનિવર્સિટીએ શોધ્યો ડેલ્ટાક્રોન, અત્યારસુધીમાં ડેલ્ટાક્રોનના 25 કેસ

4 મહિનો પહેલા

કોરોનાનાં નવાં-નવાં સ્વરૂપ સતત પ્રકાશમાં આવી રહ્યાં છે. હવે અચરજ પમાડે એવા સમાચાર એ છે કે ઓમિક્રોન અને ડેલ્ટા મળીને કોરોનાનો નવો વેરિયન્ટ બન્યો છે. ઓમિક્રોનને અત્યારસુધીમાં સૌથી ઝડપથી ફેલાતો કોરોનાનો વેરિયન્ટ ગણવામાં આવે છે. જોકે ડેલ્ટાએ ગત વર્ષે ભારે કહેર વર્તાવ્યો હતો. બ્લૂમબર્ગ ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર સાઈપ્રસના એક રિસર્ચરે આ નવા સ્ટ્રેનને શોધ્યો છે, જેને ઓમિક્રોન અને ડેલ્ટા વેરિયન્ટનું મિક્ષિત સ્વરૂપ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાઈપ્રસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક લિયોન્ડીસ કોસ્ટ્રિક્સે એને ડેલ્ટાક્રોનનું નામ આપ્યું છે.

ડેલ્ટાક્રોનના 25 દર્દી નોંધાયા
ડેલ્ટાક્રોન ઓમિક્રોન જેવાં આનુવંશિક લક્ષણ અને ડેલ્ટા જેવું જીનોમ ધરાવે છે. રિપોર્ટના જણાવ્યા અનુસાર, સાઈપ્રસમાં ડેલ્ટાક્રોનના અત્યારસુધીમાં 25 દર્દી નોંધાયા છે. જોકે આ વેરિયન્ટ કેટલો ઘાતક છે અને એની શી અસર થશે એ હાલ કહેવું એ એક પ્રકારની ઉતાવળ કહી શકાય.

કોસ્ટ્રિક્સે કહ્યું હતું કે અમે એ બાબતે રિસર્ચ કરીશું કે શું આ સ્ટ્રેન વધુ પેથોલોજિકલ કે વધુ સંક્રમક છે. આ સિવાય એ અગાઉના મુખ્ય બે સ્ટ્રેનથી વધુ અસરકારક છે કે નહિ એ અંગે પણ રિસર્ચ કરાશે. સિગ્મા ટીવીની સાથેની ચર્ચામાં તેમણે કહ્યું હતું કે ડેલ્ટાક્રોન કરતાં ઓમિક્રોન ​વધુ સંક્રમક દેખાઈ રહ્યો છે. આ રિસર્ચરે પોતાના સ્ટડીના પરિણામ સંક્રમણના આંકડાઓ પર નજર રાખનાર ઈન્ટરનેશનલ ડેટા બેઝ GISAIDને મોકલ્યા છે.

અમેરિકામાં રોજ સરેરાશ છ લાખ નવા સંક્રમિત
ડેલ્ટાક્રોન વેરિયન્ટ એવા સમયે આવ્યો છે, જ્યારે ઓમિક્રોન વેરિયન્ટના કેસ વિશ્વમાં સતત વધી રહ્યા છે. અમેરિકામાં છેલ્લા સાત દિવસથી રોજ સરેરાશ 6 લાખથી વધુ સંક્રમિત મળી રહ્યા છે. શુક્રવારે જોન હોપ્કિન્સ યુનિવર્સિટીએ કહ્યું હતું કે ગત સપ્તાહની સરખામણીમાં 72% કેસ વધ્યા છે. આ મહામારીના સમયનો એક રેકોર્ડ છે.

અન્ય સમાચારો પણ છે...