• Gujarati News
  • National
  • The Days Of Free Electricity Are Now Over, The Subsidy Will Come To The Customer's Account

સરકાર લાવશે નવો વીજ-કાયદો:મફત વીજળીના દિવસો હવે પૂરા થયા, સબસિડી ગ્રાહકોના ખાતામાં આવશે

નવી દિલ્હી5 દિવસ પહેલાલેખક: મુકેશ કૌશિક
  • કૉપી લિંક
  • વીજળી બિલ થોડું વધારે આવવાની શક્યતા
  • હાલ તમામ ગ્રાહકો સબસિડીને પાત્ર છે, આગામી સમયમાં ફક્ત જરૂરિયાતમંદોને ફાયદો મળી શકે છે

મુકેશ કૌશિક | નવી દિલ્હી કેન્દ્ર સરકાર વીજ ક્ષેત્રે મોટા ફેરફારો કરવા જઈ રહી છે. નવા વીજબિલના ડ્રાફ્ટને પણ આખરી રૂપ અપાઈ ગયું છે, જે 29 નવેમ્બરથી શરૂ થનારા સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરાશે. તેનાથી દેશના કરોડો વીજગ્રાહકોનું બજેટ ખોરવાઈ શકે છે. વીજક્ષેત્રે સૌથી મોટો ફેરફાર એ થવા જઈ રહ્યો છે કે હવે સરકાર વીજ કંપનીઓને સબસિડી નહીં આપે, પરંતુ સીધી ગ્રાહકોના ખાતામાં ટ્રાન્સફર કરશે. આ કાયદો અમલી થતાં જ વીજ કંપનીઓ ગ્રાહકો પાસેથી આખું બિલ વસૂલશે. એટલે કે ગ્રાહકોને પૂરેપૂરી કિંમતે વીજળી મળશે. બાદમાં સ્લેબ પ્રમાણે સરકાર ગ્રાહકોના ખાતામાં સબસિડી ટ્રાન્સફર કરશે. તેની સૌથી મોટી અસર એ થશે કે મફત વીજળીના દિવસો ખતમ થઈ જશે. આ ઉપરાંત મોટી આશંકા એ છે કે સરકાર ફક્ત જરૂરિયાતમંદોની જ સબસિડી ચાલુ રાખશે. રાંધણગેસમાં પણ સરકાર આવી રીતે જ સબસિડી આપે છે. હાલ દેશભરમાં સ્લેબ પ્રમાણે જ વીજગ્રાહકોને સબસિડીનો લાભ મળે છે. નવા વીજકાયદા થકી સરકાર એ સુનિશ્ચિત કરી શકે છે કે સબસિડીનો ફાયદો ફક્ત જરૂરિયાતમંદ લોકોને જ મળે.

વીજળી મોંઘી થવાની શક્યતા છે કારણ કે...
નવા કાયદાથી વીજળી કંપનીઓને ઉત્પાદન ખર્ચના આધારે ગ્રાહકો પાસેથી વીજબિલ વસૂલવાની છૂટ મળશે. હાલ કંપનીઓનો ઉત્પાદન ખર્ચ, વસૂલ કરાતા બિલથી પ્રતિ યુનિટ રૂ. 0.47 વધુ છે. તેની ભરપાઈ કંપનીઓ સબસિડીથી કરે છે. હાલની સ્થિતિ પ્રમાણે નવા બિલ પછી વીજળી પ્રતિ યુનિટ રૂ. 0.47 મોંઘી થઈ શકે છે. હાલ એવી વ્યવસ્થા છે કે રાજ્ય સરકારો વીજ કંપનીઓને એડવાન્સ સબસિડી આપે છે અને તેના પ્રમાણે વીજદરો નક્કી થાય છે. નવો કાયદો લાગુ થયા પછી સંપૂર્ણ ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલાશે. તેની અવેજમાં સબસિડી ગ્રાહકોના ખાતામાં ટ્રાન્સફર થશે.

નવો કાયદો લાગુ કરવા કેટલાક પડકારો પણ છે

  • વીજજોડાણ મકાન, દુકાન કે જમીન માલિકના નામે હોય છે. ગ્રાહક ભાડુઆત હોય તો સબસિડી કોને? એ સ્પષ્ટ નથી.
  • વીજ વપરાશ પ્રમાણે સબસિડી નક્કી થશે. એટલે 100% મીટરિંગ જરૂરી છે. અનેક રાજ્યોમાં મીટર વિના વીજળી અપાઈ રહી છે. ઉદાહરણ તરીકે, મહારાષ્ટ્રમાં 15 લાખ કૃષિગ્રાહક છે, જેમને મીટર વિના વીજળી મળી રહી છે. તે કુલ કૃષિ ગ્રાહકોના 37% છે.
  • સબસિડી ટ્રાન્સફરમાં મોડું થશે તો ગ્રાહકોને મુશ્કેલી પડશે. PRS રિસર્ચ પ્રમાણે કૃષિગ્રાહકોનું બિલ મહિને રૂ. પાંચ હજાર હોઈ શકે છે. જેમને હાલ મફત વીજળી મળે છે, તેમના માટે આ રકમ મોટી છે.

સરકારે નવો કાયદો લાવવો કેમ પડ્યો?

  • વીજ વિતરણ કંપનીઓ કહે છે કે તેમનું નુકસાન રૂ. 50 હજાર કરોડને પાર છે.
  • ડિસકોમ પર કંપનીઓને રૂ. 95 હજાર કરોડ દેવું છે. ડિસકોમને સરકાર તરફથી સબસિડી મળવામાં મોડું થાય છે.
અન્ય સમાચારો પણ છે...