તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં આદિબાટલા વિસ્તારમાં શુક્રવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગ્ન કરવાની ના પાડતાં 100થી વધુ લોકો ડોક્ટર યુવતીને તેના ઘરેથી બળજબરીથી ઉઠાવી ગયા હતા. ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી. બદમાશોને અટકાવા જતાં યુવતીના પિતાને પણ લાકડી વડે માર માર્યો હતો.
પોલીસે ઘટનાના થોડા કલાકોમાં જ આરોપીને પકડી લીધા હતા અને યુવતીને સુરક્ષિત ઘરે લઈ આવી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે. બાળકીના પિતાને માથામાં ઈજા થઈ હતી. પરિવારનું કહેવું છે કે 100થી વધુ લોકો ઘરમાં ઘૂસ્યા હતા. પરિવારે નવીન પર અપહરણનો આરોપ લગાવ્યો છે. તેઓ કહે છે કે આ લોકો વૈશાલીને બેડરૂમમાંથી ખેંચીને બહાર લઈ ગયા અને કારમાં લઈ ગયા.
જાણીએ શું છે સમગ્ર મામલો
પોલીસે જણાવ્યું હતું કે યુવતીનું નામ વૈશાલી છે અને વ્યવસાયે ડેન્ટિસ્ટ છે. બંનેની મુલાકાત બે વર્ષ પહેલાં બેડમિન્ટન રમતા સમયે થઈ હતી. યુવતીના પિતાનું કહેવું છે કે તે વૈશાલીને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો.
ઈન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વૈશાલીને હેરાન કરતો હતો. આ અંગેની પોલીસને ફરિયાદ પણ નોંધાવી હતી. તેમણે કહ્યું હતું કે નવીનના વિસ્તારમાં ચાની દુકાન છે અને દુકાનમાં કામ કરનારા કર્મચારીઓ સાથે ઘર પર આવ્યો અને તોડફોડ મચાવી હતી.
નવીન સહિત 18 લોકોની ધરપકડ
પોલીસે મુખ્ય આરોપી નવીન સહિત 18 લોકોની ધરપકડ કરી છે. પીડિતાનું અપહરણ કર્યા બાદ આરોપીઓએ તેની સાથે મારપીટ કરીને ધમકીઓ પણ આપી હતી. રાચકોંડા કમિશનરેટના એડિશનલ કમિશનર સુધીર બાબુએ જણાવ્યું હતું કે આ ચોક્કસપણે ગંભીર ગુનો છે. તેમણે કહ્યું હતું કે ઘટનાના છ કલાકમાં મહિલાને બચાવી લેવામાં આવી હતી. હાલ પોલીસ અન્ય આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરવા પ્રયાસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.