કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં ‘પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2021’ પાછું ખેંચી લીધું છે. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે બિલ પાછું ખેંચવાનો પ્રસ્તાવ રજૂ કર્યો, જેને ગૃહમાં ધ્વનિમતથી મંજૂરી આપી દેવાઈ. આ બિલ સંસદમાં 11 ડિસેમ્બર 2019ના રોજ રજૂ કરાયું હતું. 16 ડિસેમ્બર, 2021ના રોજ લોકસભામાં તેની સમિતિનો અહેવાલ પણ રજૂ કરાયો હતો.
લોકસભામાં સરકારે કહ્યું કે, ‘જેપીસીએ બિલમાં 81 ફેરફાર અને 12 સૂચન આપ્યા હતા. જેસીપીના રિપોર્ટને ધ્યાનમાં રાખતા વ્યાપક કાયદાકીય માળખા પર કામ કરાઈ રહ્યું છે. એટલે બિલ પાછું લેવાનો નિર્ણય કરીને નવું બિલ લાવવાનો પ્રસ્તાવ કરાઈ રહ્યો છે.’ વૈષ્ણવના મતે, સરકાર ડિજિટલ અર્થતંત્રના વ્યાપક કાયદાકીય માળખા માટે નવો કાયદો લાવશે.
સૂત્રોના મતે, સરકાર હવે નવું બિલ લાવતા પહેલા વ્યાપક જાહેર ચર્ચાવિમર્શ કરશે. પ્રાઈવેસી અને સાયબર સિક્યોરિટી સંબંધિત બિલના બદલે એકથી વધુ બિલ લાવી શકાય છે. સરકાર હવે આ બિલને શિયાળુ સત્રમાં રજૂ કરી શકે છે.
ભાસ્કર એક્સપર્ટ-સાઈબર એક્સપર્ટ્સ - પવન દુગ્ગલ, રોહિન ગર્ગ
જેપીસીના રિપોર્ટમાં જણાવાયું હતું કે કાયદાનો વ્યાપ વધારવાની જરૂર છે. તેમાં પર્સનલની સાથોસાથ નોન-પર્સનલ ડેટા પ્રોટેક્શન પણ સામેલ કરવામાં આવે. હવે સરકાર સમગ્ર કાયદો લાવશે. જૂનો કાયદો માત્ર પર્સનલ ડેટા અને કોર્પોરેટ સેક્ટર આવરી લેતો હતો. સરકાર તેના વ્યાપની બહાર હતી અને ડેટા લોકલાઇઝેશન સાથે ન્યાય નહોતી કરતી, જેના કારણે સમસ્યાઓ સર્જાઇ શકતી હતી. આ કાયદામાં જોગવાઇ હતી કે ડેટા વિદેશી સર્વરમાં રહી શકે છે પણ તેની વર્કિંગ કોપી દેશને સોંપો. વળી, તેમાં અસરકારક માપદંડ નહોતા.
બિલ પાછું ખેંચવા સરકારે આ કારણ આપ્યાં
સંસદની સંયુક્ત સમિતિની 78 બેઠક મળી. 184 કલાક 20 મિનિટ ચર્ચા થઇ. ડિજિટલ ઇકોસિસ્ટમની વ્યાપક કાનૂની રૂપરેખા ઘડવા 81 સુધારા અને 12 ભલામણ કરાઇ. જેપીસીના રિપોર્ટ અંગે વિચાર કરતા વ્યાપક કાનૂની રૂપરેખા તૈયાર કરાઇ રહી છે. આ સંજોગોમાં પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2019 પાછું ખેંચાયું છે.
પહેલાં સરકારે કયા ફાયદા ગણાવ્યા હતા?
ભારતીયોનો ડેટા દેશમાં રહેશે તો ભારતવિરોધી દેશ આપણા ડેટાનો ઉપયોગ નહીં કરી શકે. ડેટાની પ્રાઈવસી સુનિશ્ચિત થશે.
મોટાપાયે ડેટા કુલિંગ ટાવર બનશે. ડેટા સેન્ટર સંબંધિત નોકરીઓ નીકળશે. હાલ નોકરીઓ સિલિકોન વેલી(અમેરિકા)માં જ છે. બીજા દેશો સાથે ભાવતાલની ભારતની ક્ષમતા વધશે.
ડેટા સાથે કઈ રીતે ચેડાં થઇ રહ્યા છે?
હાલ ડેટા સ્ટોરેજથી ડિજિટલ કંપનીઓની આવક 3.87 લાખ કરોડ રૂપિયા છે, જે આગામી 3 વર્ષમાં 10.6 લાખ કરોડ રૂ. થશે. એવામાં લોકલ ડેટા સેન્ટર દેશના અર્થતંત્રમાં મોટું યોગદાન આપી શકે છે. સર્વેલન્સ ડેટાનો ઉપયોગ થવાની પણ આશંકા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.