લેફ્ટેનન્ટ જનરલ મનોજ પાંડે ભારતના નવા આર્મી ચીફ હશે. 29મા સેના પ્રમુખ બનવા જઈ રહેલા પાંડે આ ઉચ્ચ પદ ઉપર પહોંચનાર સૌ પ્રથમ એન્જીનિયર હશે. અત્યાર સુધી ઈન્ફ્રન્ટ્રી, આર્મર્ડ અને આર્ટિલરી ઓફિસર જ આર્મી ચીફ બનતા રહ્યા છે. લેફ્ટેનન્ટ જનરલ પાંડે 1લી ફેબ્રુઆરી 2022ના રોજ ઉપ સેના પ્રમુખ બન્યા હતા. તેઓ નાગપુરના રહેવાસી છે. પાંડે ચીનની નજીક સિક્કીમ તથા લદ્દાખ સરહદ પર અનેક ઓપરેશનની આગેવાની કરી ચુક્યા છે.
ADGPI એ સોશિયલ મીડિય પર નવા આર્મી ચીફનું સ્વાગત કર્યું છે. આર્મી તરફથી કહેવામાં આવ્યું છે કે 1લી મે, 2022ના રોજ મનોજ પાંડે નવા સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી લેશે. વર્તમાન સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેનો કાર્યકાળ આ મહિનાની 30મી તારીખે પૂરો થઈ રહ્યો છે.
કોણ છે નવા સેના પ્રમુખ મનોજ પાંડે?
નેશનલ ડિફેન્સ એકેડમીની વર્ષ 1982ની બેંચથી પાસઆઉટ મનોજ પાંડે એન્જીનિયરિંગનું બેકગ્રાઉન્ડ ધરાવનાર પ્રથમ આર્મી ચીફ છે. પાંડેએ જમ્મુ-કાશ્મીરમાં LOC પલ્લનવાલામાં ચલાવવામાં આવેલા ઓપરેશન પરાક્રમનું નેતૃત્વ કર્યું હતું. આ ઓપરેશન જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2001માં સંસદ હુમલા બાદ ચલાવવામાં આવ્યું હતું, જેમાં આંતકવાદીઓના હથિયાર સપ્લાયના નેક્સસનો તેમણે ખુલાસો કર્યો હતો. આ ઓપરેશનમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા હતા.
ચીન નજીક સરહદ પર કામ કરવાનો અનુભવ
લેફ્ટેનન્ટ જનરલ મનોજ પાંડે ચીન નજીક આવેલી ઈસ્ટર્ન કમાન્ડમાં કમાન્ડર તથા બ્રિગેડિયર સ્ટાફના પદ પર કામ કરી ચુક્યા છે. તેઓ લદ્દાખ વિસ્તારના માઉન્ટેન ડિવિઝનમાં એન્જીનિયર બ્રિગેડનું પદ સંભાળી ચુક્યા છે. આ ઉપરાંત નોર્થ-ઈસ્ટ રિઝનમાં પણ લેફ્ટેનન્ટ જનરલ તરીકે અનેક ઓપરેશમાં ભાગ લઈ ચુક્યા છે. આ ઉપરાંત તેઓ અંડમાન-નિકોબારમાં કમાન્ડર તરીકે પણ કામ કરી ચુક્યા છે. પાંડે પરમ વિશિષ્ટ મેડલથી પણ સન્માનત થઈ ચુક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.