NDAનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુ દેશનાં 15મા રાષ્ટ્રપતિ બનશે. તેઓ આ સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચનારાં દેશનાં પહેલાં આદિવાસી અને બીજાં મહિલા રાષ્ટ્રપતિ હશે. ગુરુવારે સવારે 11 વાગ્યે કાઉન્ટિંગ શરૂ થયું, જેમાં NDAનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ UPAના ઉમેદવાર યશવંત સિન્હાને ત્રીજા રાઉન્ડની ગણતરીમાં જ હરાવી દીધા.
મુર્મુને જીત માટે જરૂરી 5 લાખ 43 હજાર 261 વોટ ત્રીજા રાઉન્ડમાં જ મળી ગયા. થર્ડ રાઉન્ડમાં જ મુર્મુને 5 લાખ 77 હજાર 777 વોટ મળ્યા. તો યશવંત સિન્હાને 2 લાખ 61 હજાર 62 વોટ મળ્યા, જેમાં રાજ્યસભા અને લોકસભાના સાંસદો સહિત 20 રાજ્યના વોટ સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડા મુર્મુને મળવા તેમના ઘરે પહોંચ્યા.
મુર્મુને કેરળમાંથી માત્ર 1 અને સિન્હાને 3 રાજ્યમાંથી એકપણ વોટ ન મળ્યો
રાષ્ટ્રપતિ ચૂંટણીના વોટની ગણતરી ગુરુવારે મોડી રાત્રે 4 રાઉન્ડ બાદ પૂર્ણ થઈ ગઈ. કુલ 4754 વોટ પડ્યા હતા. ગણતરી વખતે 4701 વોટ કાયદેસર અને 53 અમાન્ય થયા. કુલ વોટનો કોટા 5,28,491 હતો, જેમાં દ્રૌપદી મુર્મુને કુલ 2824 વોટ મળ્યા, જેની વેલ્યુ 6 લાખ 76 હજાર 803 હતી. કેરળથી મુર્મુને સૌથી ઓછા માત્ર એક અને યુપીથી સૌથી વધુ 287 વોટ મળ્યા.
તો યશવંત સિન્હાને કુલ 1877 વોટ મળ્યા, જેની વેલ્યુ 3 લાખ 80 હજાર 177 રહી. બીજી તરફ સિન્હાને આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ અને સિક્કિમમાંથી એકપણ વોટ મળ્યો નહોતો, જ્યારે તેમને સૌથી વધુ 216 વોટ પશ્ચિમ બંગાળમાંથી મળ્યા હતા. વોટ સરેરાશની વાત કરીએ તો દ્રૌપદી મુર્મુને 64% અને યશવંત સિન્હાને 36% વોટ મળ્યા.
રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને લોકસભા સ્પીકરે અભિનંદન આપ્યાં
PM મોદીએ મુર્મુને અભિનંદન આપતાં કહ્યું- ભારતે ઈતિહાસ લખ્યો છે. જ્યારે ભારત આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યું છે, પૂર્વી ભારતના દૂરના ગામમાં જન્મેલાં એક આદિવાસી સમુદાયની દીકરી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયાં છે. દ્રૌપદી મુર્મુને અભિનંદન. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્રૌપદી મુર્મુને દેશનાં નવાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવતાં શુભેચ્છા પાઠવી છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતાં દ્રૌપદી મુર્મુને અભિનંદન આપ્યાં છે.
યશવંત સિન્હાએ હાર સ્વીકારી, મુર્મુને અભિનંદન આપ્યાં
યશવંત સિન્હાએ પણ હાર માની લીધી છે. તેમણે મુર્મુને અભિનંદન આપતાં કહ્યું- દ્રૌપદી મુર્મુને તેમની જીત પર અભિનંદન. દેશને આશા છે કે ગણતંત્રના 15મા રાષ્ટ્રપતિ તરીકે તેઓ કોઈ ભય કે પક્ષપાત વગર બંધારણના સંરક્ષકના રૂપમાં કાર્ય કરશે.
મુર્મુને રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ શુભેચ્છા આપી. તેમણે કહ્યું- રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પ્રભાવી જીત મેળવવા બદલ દ્રૌપદી મુર્મુને અભિનંદન. તેઓ ગામ, ગરીબ, વંચિતોની સાથે સાથે ઝૂંપડીમાં પણ લોક કલ્યાણ માટે સક્રિય રહ્યાં છે. આજે તેઓ તેમની વચ્ચેથી નીકળીને સર્વોચ્ચ બંધારણના પદ સુધી પહોંચ્યાં છે. આ ભારતીય લોકતંત્રની તાકાત છે.
ફર્સ્ટ રાઉન્ડની ગણતરીઃ સાંસદોના વોટિંગમાં મુર્મુને 540 અને સિન્હાને 208 વોટ મળ્યા
રાજ્યસભાના સેક્રેટરી જનરલ પીસી મોદીના જણાવ્યા મુજબ, બપોરે 2 વાગ્યે સાંસદોની મતગણતરી પૂરી થઈ છે. એમાં દ્રોપદી મુર્મુને 540 વોટ મળ્યા. જેની કુલ વેલ્યુ 3 લાખ 78 હજાર છે. યશંવત સિન્હાને 208 સાંસદોના વોટ મળ્યા છે, જેની વોટ વેલ્યુ 1 લાખ 45 હજાર 600 છે. સાંસદોના કુલ 15 વોટ રદ થયા છે. તો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 17 સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું હતું.
સેકન્ડ રાઉન્ડની ગણતરીઃ 10 રાજ્યમાં મુર્મુને 809, સિન્હાને 329 વોટ મળ્યા
પહેલાં 10 રાજ્યની ગણતરીમાં પણ મુર્મુ અને સિન્હા વચ્ચે આંકડાનું લાંબું અંતર જોવા મળ્યું. આ રાજ્યોમાં કુલ 1138 વેલિડ વોટ હતા, જેની વેલ્યુ 1 લાખ 49 હજાર 575 છે, જેમાં મુર્મુને 809 વોટ મળ્યા, જેની વેલ્યુ 1 લાખ 5 હજાર 299 છે. તો યશવંત સિન્હાને 329 વોટ મળ્યા, જેની કુલ વેલ્યુ 44 હજાર 276 છે.
આ 10 રાજ્યમાં અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઝારખંડ ઉપરાંત આંધ્રપ્રદેશના વોટ સામેલ છે, જેમાં 7 રાજ્યોમાં ભાજપ અને ગઠબંધન સરકાર છે. તો ઝારખંડ અને છત્તીસગઢમાં કોંગ્રેસ અને તેમના સહયોગી દળની સરકાર છે. આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડી CM છે, જેમને NDAને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.
થર્ડ રાઉન્ડની ગણતરીઃ મુર્મુને 812 અને યશવંત સિન્હાને 521 વોટ મળ્યા
થર્ડ રાઉન્ડના 10 રાજ્યોની ગણતરીમાં પણ મુર્મુ અને સિન્હા વચ્ચે આંકડામાં ઘણું અંતર જોવા મળ્યું. આ રાજ્યોમાં કુલ 1,333 વેલિડ વોટ હતા, જેની વેલ્યુ 1 લાખ 65 હજાર 664 છે, જેમાં મુર્મુને 812 અને યશવંત સિન્હાને 521 વોટ મળ્યા. આ 10 રાજ્યમાં કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા અને પંજાબના વોટ સામેલ છે.
મુર્મુના ગામ સહિત દેશભરમાં જીતનો જશ્ન
NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જીત પછી તેમના ઓડિશા સ્થિત પૈતૃક ગામ અને દેશના અન્ય વિસ્તારમાં જશ્નનો માહોલ છે. લોકો ઢોલ-નગારાં અને પારંપરિક વાદ્ય યંત્રોથી મુર્મુની જીતની ખુશીઓ મનાવી રહ્યા છે. ઓડિશાના મયુરગંજ જિલ્લામાં રાયરંગપુરમાં મુર્મુના ગામ અને સાસરામાં તેમના ચાહનાર લાડુ વહેચી એકબીજા સાથે સેલિબ્રેટ કરી રહ્યા છે.
25મીએ શપથ ગ્રહણ, ભાજપ કાર્યાલયમાં જશ્નની તૈયારી
વોટની ગણતરી ખતમ થયા બાદ દેશના નવા રાષ્ટ્રપતિની જાહેરાત કરી દેવાશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ મધ્યરાત્રિએ ખતમ થશે. 25 જુલાઈએ નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ યોજાશે. આ ઉપરાંત ભાજપની દિલ્હી હેડ ઓફિસમાં પણ જશ્નની તૈયારી ચાલી રહી છે. જેમાં જેપી નડ્ડા સામેલ થશે.
દ્રૌપદી મુર્મુના વતનમાં ઉજવણીની તૈયારીઓ, લાડુ બનાવવામાં આવી રહ્યા
એવી ચર્ચા છે કે મુર્મુની તરફેણમાં ઘણા મત પડ્યા છે. જો મતગણતરીમાં આ દાવો સાચો નીકળશે તો તે દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ હશે. બીજી તરફ, દ્રૌપદી મુર્મુના વતન ઓડિશાના રાયરંગપુરમાં ઉજવણીની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. પરિણામ આવ્યા બાદ મીઠાઈ વેચવામાં આવશે. રાયરંગપુરમાં લાડુ બનવવામાં આવી રહ્યા છે.
ભાજપે દેશના 1.30 લાખ આદિવાસી ગામડાંમાં ઉજવણીની તૈયારી કરી છે
એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ અને વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા વચ્ચે સીધો મુકાબલો છે, પરંતુ દ્રૌપદી મુર્મુનો વિજય લગભગ નિશ્ચિત છે, જેને કારણે ભાજપે દેશનાં 1.30 લાખ આદિવાસી ગામડાંમાં ઉજવણીની તૈયારી કરી દીધી છે. મુર્મુની જીતને લઈને પરિણામો બાદ ભાજપ દિલ્હીમાં વિજય રેલી કાઢશે. આવું પહેલીવાર થશે, જ્યારે રાષ્ટ્રપતિની જીત બાદ રેલી કાઢવામાં આવશે. ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડા રાજપથ સુધી આ શોભાયાત્રાનું નેતૃત્વ કરશે. ત્યાં ભાષણ આપશે. પ્રથમ વખત આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયાનું શ્રેય પીએમ મોદીને આપશે. જોકે મુર્મુ રેલીમાં ભાગ લેશે નહીં. જીત બાદ વિજય સરઘસ કાઢવાની તૈયારીઓ કરવામાં આવી છે. ભાજપના સ્થાનિક નેતા તપન મહંતે કહ્યું કે 20000 લાડુ બનાવવામાં આવી રહ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.