તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Five States In The Country Where The Congress Became Extinct, The Emerging Power Of The Regional Parties Developed At The Expense Of The Congress.

કોંગ્રેસની મજબૂરી કે મજબૂતી:દેશના એવા પાંચ રાજ્ય કે જ્યાં કોંગ્રેસ દાયકા(ઓ)થી સત્તાથી દૂર, પ્રાદેશિક પક્ષોની ઉભરતી સત્તાએ કોંગ્રેસના ભોગે વિકાસ સાધ્યો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં ભાજપના સ્થિર શાસનને 25 વર્ષ થવા જશે, કોંગ્રેસનો કોઈ આધાર જ ન રહ્યો
  • પ.બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સામાં પણ કોંગ્રેસનો લાંબા સમયથી સત્તાનો વનવાસ (શૂન્યાવકાશ) છે

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યું છે. ચૂંટણી મેદાનમાં TMCએ બંગાળી ગૌરવ-પ્રભૂતાના જુવાળને પોતાની તરફ વાળી સતત ત્રીજી વખત સત્તાના શિખર પર પહોંચવામાં સફળતા મેળવી. બીજી બાજુ ભાજપ ચૂંટણીમાં તમામ શક્તિ લગાવી દેવાની તેની વ્યૂહરચના પ્રમાણે લગભગ શૂન્યની સ્થિતિમાંથી મજબૂત વિપક્ષની ભૂમિકામાં આવી ગયો.

સૌથી માઢા સમાચાર તો કોંગ્રેસ માટે છે, અહીં કોંગ્રેસ આ વખતે નામશેષ થઈ ગયું. સૌથી જૂનો અને મજબૂત ગણાતો આ પક્ષ એક સમયે દેશના તમામ રાજ્યોમાં મજબૂત રાજકિય પ્રભૂત્વ ધરાવતો હતો અને સત્તામાં તેનો કોઈ વિકલ્પ જ ન હોય તેવો દબદબો ધરાવતો હતો. ​​​​​​જવાહરલાલ નેહરું અને ઈંદિરાગાંધીના સમયમાં આટલી મજબૂત સ્થિતિ ધરાવો કોંગ્રેસ આજે કેન્દ્ર સ્તરે કે અનેક રાજ્યોના રાજકિય મોરચે ઈતિહાસ બની ગઈ છે.

આજે આપણે એવા કેટલાક રાજ્યોની વાત કરશું કે જ્યાં કોંગ્રેસનો સત્તાનો વનવાસ પાંચ-દસ વર્ષ નહીં પણ વીસ, ત્રીસ કે ચાલીસ વર્ષથી પણ વધારે થઈ ગયો છે. વળી તે પ્રાદેશિક પક્ષોના પ્રભૂત્વ હેઠળ એટલી દબાઈ ગઈ છે કે મોટાભાગના રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં તે એક યા બીજા પ્રાદેશિક પક્ષની પીઠ પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સવાર થઈને મેદાનમાં ઉતરે છે.

ગુજરાત
ગુજરાતમાં કોંગ્રેસની છેલ્લે ક્યારે સરકાર હતી તેમ આજની ગુજરાતી યુવા પેઢીને પૂછવામાં આવે તો તેમના માટે આ પ્રશ્ન કોઈ પરીક્ષાના પ્રશ્ન જેવો લાગે. ગુજરાતમાં કોંગ્રેસમાંથી છેલ્લે છબિલદાસ મહેતા મુખ્યમંત્રી હતા. જનતાદળ પક્ષની સરકારમાં CM ચિમનભાઈ પટેલનું ઓચિંતા અવસાન થતા છબિલદાસ મહેતા મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ 1 વર્ષ 24 દિવસ આ પદ પર રહ્યા હતા. એટલે કે તેઓ 13 માર્ચ 1995 સુધી કોંગ્રેસ વતી મુખ્યમંત્રી રહ્યા હતા.

ત્યારબાદ ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી બહાર રહી છે. શંકર સિંહના વડપણ હેઠળ બનેલી સરકારને કોંગ્રેંસે ટેકો આપ્યો હતો. ત્યારબાદ વર્ષ 1998થી ગુજરાતમાં ભાજપ સરકાર છે. ગત વિધાન સભા ચૂંટણીઓમાં અલ્પેશ ઠાકરો, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી જેવી યુવા બ્રિગેડના આધારે ગુજરાતમાં સત્તા વિરોધી લહેરનો લાભ મેળવવા ભરપૂર પ્રયાસ કર્યો હતો, જેમાં કોંગ્રેસને ધારી સફળતા મળી ન હતી.

ઉત્તર પ્રદેશ
દેશ સ્વતંત્ર થયો ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના ગોવિંદ વલ્લભ પંત મુખ્યમંત્રી તરીકે કામગીરી સંભાળી હતી. કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં 1950થી 1967 સુધી સરકાર ચલાવી હતી. અલબત આ ગાળામાં કોંગ્રેસના મુખ્યમંત્રી બદલાયા પણ સરકાર કોંગ્રેસની રહી. 70ના દાયકા બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં સતત ચડાવ-ઉતાર આવવા લાગ્યો. છેલ્લે કોંગ્રેસના નારાયણ દત્ત તિવારી ઉત્તર પ્રદેશમાં 25 જૂન 1988થી 5 ડિસેમ્બર 1989 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. ત્યારબાદથી અત્યાર સુધી કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં સત્તા બહાર થઈ ગઈ છે.

એટલે કે છેલ્લા 32 વર્ષથી કોંગ્રેસનો કોઈ જ ઉમેદવાર રાજ્યનો મુખ્યમંત્રી બની શક્યા નથી. મુલાયમ સિંહ યાદવના સમાજવાદી પાર્ટી અને માયાવતીના બહુજન સમાજવાદી પાર્ટી જેવા પ્રાદેશિક પક્ષના ઉદયની સ્થિતિમાં કોંગ્રેસને રાજ્યની સત્તામાં પરત ફરવાની તક મળી ન હતી. જોકે બાદમાં ભાજપ ઉત્તર પ્રદેશમાં મજબૂત સ્થિતિ સર્જી સત્તા સંભાળી રહ્યું છે. આજે સ્થિતિ એવી છે કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પ્રાદેશિક પક્ષોની મદદ લેવી પડે છે.

બિહાર
બિહારના રાજકિય મોરચે કોંગ્રેસ માટે સત્તાના સમીકરણો ઉત્તર પ્રદેશ જેવા જ મળતા આવે છે. બિહારમાં છેલ્લે જગન્નાથ મિશ્રાના વડપણ હેઠળ 6 ડિસેમ્બર 1989થી 10 માર્ચ 1990 સુધી સરકાર રહી હતી. ત્યારબાદ બિહાર રાજકારણમાં લાલુ પ્રસાદનો ઉદય થયો, રાષ્ટ્રીય જનતા દળ અને ત્યારબાદ જનતા દળ (યુ)ના નીતિશ કુમારની આજુબાજુ બિહારના સત્તાના સમીકરણો ફરતા રહ્યા. અલબત કોંગ્રેસ 1990થી આજ દિવસ સુધી બિહારમાં સત્તાથી દૂર છે.

દેશને સ્વતંત્રતા મળી ત્યારે બિહારમાં શ્રી ક્રિષ્ના સિંહાના વડપણ હેઠળ કોંગ્રેસની સરકાર બની હતી અને આશરે બે દાયકા સુધી બિહારની સત્તા કોંગ્રેસ પાસે રહી હતી. બિહારમાં રસપ્રદ બાબત એ રહી છે કે શ્રીકિષ્નાસિંહા સિવાય કોઈ જ કોંગ્રેસી નેતા મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. પ્રાદેશિક પક્ષોની મદદ લેવા છતાં કોંગ્રેસ બિહારમાં આજે મૃતપાય થઈ ગઈ છે.

પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં બિધાન ચંદ્ર રોય અને પ્રફુલ્લા ચંદ્ર સેને સ્વતંત્રતા બાદ આશરે બે દાયકા સુધી કોંગ્રેસના વડપણ હેઠળની સરકાર સંભાળી હતી. રોય અને સેનની વિદાય બાદ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસનું નામું નંખાઈ ગયું. જોકે સિદ્ધાર્થ શંકર રોયે વર્ષ 1972થી 1977 દરમિયાન પ્રગતિશીલ લોકતાંત્રિક ગઠબંધનની કોંગ્રેસના વડપણવાળી સરકાર ચલાવેલી.

ત્યારબાદ બંગાળ ડાબેરીઓનો ગઢ બની ગયો. જ્યોતિ બસુ અન બુદ્ધદેવ ભટ્ટાચાર્યના વડપણ હેઠળ ડાબેરી પક્ષે આશરે 34 વર્ષ સુધી એકચક્રિય શાસન કર્યું. ત્યારબાદ છેલ્લા 10 વર્ષથી મમતા બેનર્જી રાજ્યના મુખ્યમંત્રી છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ છેલ્લા 44 વર્ષથી સત્તાના ચિત્રમાં ક્યાંય નથી. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પણ કોંગ્રેસનો ઘોર પરાયજ થયો છે. ભાજપ મજબૂત વિપક્ષ તરીકે ઉભર્યો છે. બંગાળમાં હવે કોંગ્રેસ પાસે મમતાની શરણમાં આવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

ઓરિસ્સા
દેશની સ્વતંત્રતા બાદથી લઈ 1990ના દાયકા સુધી ઓરિસ્સાની રાજકિય વ્યવસ્થા કોંગ્રેસ પાસે જ રહી હતી. જનતા દળ તથા સ્વતંત્ર પાર્ટીના એમ બે સરકારની અવધિને બાદ કરતાં આશરે 35 વર્ષ સુધી કોંગ્રેસે ઓરિસ્સામાં સરકાર બનાવી. આ ગાળામાં હરેકૃષ્ન મહાતાબ, નબાકૃષ્ના ચૌધરી, નંદિની સતપ, જાનકી વલ્લભ પટનાયક, હેમંત બિસવાલ વગેરે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હતા. જોકે વર્ષ 2000 બાદ ઓરિસ્સામાં નવીન પટનાયકના વડપણ હેઠળ બિજુ જનતા દળનુ શાસન છે. નવીનના વિશાળ કદ સામે કોંગ્રેસ સાવ વામણી સાબિત થઈ છે.