ભારત-ચીન વચ્ચે ચાલી રહેલી તંગદિલી વચ્ચે કેન્દ્ર સરકાર અને વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. કોંગ્રેસ અને ખુદ રાહુલ ગાંધી અર્થતંત્ર તથા સરહદની તંગદિલી મુદ્દે સતત સરકાર પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે. જોકે આ વચ્ચે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે કોંગ્રેસ માટે મુસીબત ઊભી કરી દીધી છે. અખબારે તેના એક લેખમાં તજજ્ઞના હવાલાથી કહ્યું છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભાજપની સત્તા પાડવાની ફિરાકમાં છે. આથી ભાજપે કોંગ્રેસ પર હુમલો વધુ ઊગ્ર બનાવ્યો છે. હકીકતમાં ગ્લોબલ ટાઈમ્સે પોતાની ટ્વિટમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ ચીન સાથે સરહદની તંગદિલી મુદ્દે ભારે દબાણ અનુભવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી ભાજપને સત્તામાંથી હાંકી કાઢવાની તક જોઈ રહી છે અને આ જ કારણ છે કે તે ભાજપના વહીવટ અને વિદેશનીતિ મુદ્દે મોટા પ્રહાર કરી રહી છે.
બીજીબાજુ રાહુલનો મોદી સરકાર પર હુમલો
કોંગ્રેસે શનિવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહને સવાલ કર્યો હતો કે ચીન સાથે વિવિધ સ્તરે થયેલી વાતચીતનું શું પરિણામ આવ્યું? સૂરજેવાલાએ કહ્યું કે વડાપ્રધાન અને સંરક્ષણમંત્રી દેશને વિશ્વાસમાં લો એ જણાવો કે ચીન આપણી જમીન પરથી કબજો ક્યારે છોડશે? ચીન સાથે ક્યારે આંખમાં આંખ નાખી વાત થશે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર રોજગાર, જીડીપી, અર્થતંત્ર, સરહદ વિવાદ મુદ્દે સરકારને ઘેરી હતી.
કોંગ્રેસ હવે ઘેરાવા માંડી
ગ્લોબલ ટાઈમ્સની વણમાંગી પ્રશંસાને કારણે કોંગ્રેસ હવે ઘેરાવા માંડી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વિટ કરી કહ્યું કે અમે કહ્યું હતું કે, માતા-પુત્રએ 2008માં ચીન સાથે એમઓયુ કર્યા હતા. આ બંને ચીનમાં પોતાના ઈમાનને ગિરવે મૂકી આવ્યા છે. આજે ચીન અને કોંગ્રેસ મોદી સરકારને ઉથલાવવાનો સંયુક્ત પ્રયાસ કરી રહી છે. ગ્લોબલ ટાઈમ્સ કોંગ્રેસના સપોર્ટમાં આવી ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.