• Home
  • National
  • opposition party Support central Government On China India Issue

કેન્દ્રને રાજકીય પક્ષોનો સાથ / ચીન મુદ્દે કોંગ્રેસ એકલી પડી, વિપક્ષ પાર્ટી તો દૂર સહયોગીઓનો પણ સાથ નથી મળી રહ્યો

ફાઈલ તસવીર
X

  • ચીન-ભારત અથડામણ મુદ્દે રાજકારણનો ફાયદો ચીન ઉઠાવી શકે છે, જેનું નુકસાન જનતાને થશેઃમાયાવતી
  • NCP પ્રમુખ શરદ પવાર અને અખિલેશ યાદવ સહિત ઘણા નેતાઓ સરકાર સાથે

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 06:51 PM IST

નવી દિલ્હી. લદ્દાખમાં ભારત અને ચીન સેના વચ્ચે થયેલી અથડામણ અંગે સોનિયા ગાંધીથી માંડી રાહુલ ગાંધી સરકારને આડે હાથે લઈ રહ્યા છે. પરંતુ કોંગ્રસને ચીન મુદ્દે વિપક્ષ પાર્ટીઓની સાથે સાથે સહયોગીઓનો પણ સાથ નથી મળી રહ્યો. NCP પ્રમુખ શરદ પવારથી માંડી બસપા પ્રમુખ માયાવતી સુધી ચીન મુદ્દે સરકાર સાથે જોવા મળી રહ્યા છે. જેથી હવે આ મુદ્દે મોદી સરકારને ઘેરવામાં કોંગ્રેસ પાર્ટી એકલી પડી ગઈ છે.

દેશહિત મુદ્દે બસપા કેન્દ્ર સાથે છેઃમાયાવતી

  • બસપા પ્રમુખ માયાવતીએ સોમવારે કહ્યું કે, ચીન મુદ્દે હાલ દેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જે આરોપ પ્રત્યારોપનું ગંદુ રાજકારણ કરાઈ રહ્યું છે તે હાલના સમય માટે ઠીક નથી. આ રાજકીય લડાઈનો ફાયદો ચીન ઉઠાવી શકે છે અને તેનું નુકસાન દેશની જનતાએ ભોગવવું પડશે. દેશહિતના મુદ્દે બસપા કેન્દ્ર સાથે છે ભલે તે ગમે તેની સરકાર હોય.
  • માયાવતીએ આ પહેલા સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે, ચીન સાથે સીમા પાર થયેલી હિંસક અથડામણ અંગે લોકોના અલગ અલગ મંતવ્ય હોઈ શકે છે પરંતુ આ મુદ્દાને સરકાર પર છોડી દેવો જોઈએ જે દેશ માટે યોગ્ય હોય તે સરકારે લેવો જોઈએ, કારણ કે આ સરકારનું દાયિત્વ પણ છે. 

NCP પ્રમુખ શરદ પવાર અને અખિલેશ સરકાર સાથે

  • કોંગ્રેસના સહયોગી પક્ષ NCP પ્રમુખ શરદ પવાર પણ ચીન મુદ્દે સરકાર સાથે ઊભા છે. શરદ પવારે કહ્યું કે, આપણે 1962 શું થયું હતું તેને ભૂલી ન શકીએ, ચીને આપણી 45 હજાર ચો કિમી જમીન પર કબજો કર્યો હતો, આ જમીન હાલ પણ ચીન પાસે છે, પરંતુ હાલમાં મને નથી ખબર કે ચીને જમીન લીધી છે કે નહીં, પણ આ અંગે વાત કરતા પહેલા આપણે ઈતિહાસ યાદ રાખવો જોઈએ. રાષ્ટ્રીય સુરક્ષા અંગે રાજકારણ ન કરવું જોઈએ.
  • સપાના પ્રમુખ તથા યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે પણ ચીન મુદ્દે મોદી સરકારનો સાથ આપ્યો છે. સપા અધ્યક્ષે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ચીનના હિંસક વ્યવ્હારને જોતા ભારત સરકારે સામરિક સાથે સાથે આર્થિક રીતે પણ જવાબ આપવો જોઈએ. ચીની કંપનીઓને આપવામાં આવેલા ઠેકા તાત્કાલિક ધોરણે બંધ કરવા જોઈ અને ચીનની આયાત પર અંકુશ લગાવવો જોઈએ. સરકારના આવા દરેક પ્રયાસમાં સમાજવાદી પાર્ટી દેશહિતમાં સરકાર સાથે છે. તો આ તરફ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી પણ આ મુદ્દે સરકારનો સાથ આપ્યો છે. તેમણે કહ્યું કે, TMC સંકટની આ ઘડીમાં દેશની સાથે છે, ચીન એક લોકશાહી દેશ નહીં પણ તાનાશાહ છે. આપણે એક સાથે લડવું પડશે, ભારત જીતી જશે અને ચીન હારશે. 

અન્ય પક્ષોના ઘણા સીએમે કેન્દ્રને સમર્થન આપ્યું
ચીન મુદ્દે બિન કોંગ્રેસી મુખ્યમંત્રી મોદી સરકારના સમર્થનમાં જોવા મળી રહી છે. આંધ્રપ્રદેશના સીએમ જગન મોહનરેડ્ડી, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ, મેઘાલયના મુખ્યમંત્રી સંગમા અને સિક્કીમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે નિવેદન જાહેર કરીને કેન્દ્ર અને પીએમ મોદીનું સમર્થન કર્યું છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી