દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશનની પાસે આવેલી ત્રણ માળની એક બિલ્ડિંગમાં શુક્રવારે સાંજે આગ લાગી હતી. દુર્ઘટનામાં 27 લોકોના મોત નિપજ્યા છે. તો 10 લોકો ગંભીર છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બારીઓ તોડીને બિલ્ડિંગની અંદર ફંસાયેલા લોકોને બચાવ્યા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ લાગ્યાની માહિતી 4.40 વાગે મળી હતી. આશરે 7 કલાક બાદ આગ પર કાબૂ મેળવી શકાયો છે.
બિલ્ડિંગના બે માળમાં સર્ચિંગ પૂરું થઈ ગયું છે. ત્રીજા માળે સર્ચિગ ચાલી રહ્યું છે. દિલ્હીના ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગે કહ્યું કે અત્યાર સુધીમાં 27 મૃતદેહ કાઢવામા આવ્યા છે. બિલ્ડિંગમાં સામાન ઘણો જ હતો, જેના કારણે આગ પર કાબૂ મેળવવામાં ઘણી મુશ્કેલીઓ આવી. બિલ્ડિંગમાં અનેક કંપનીઓની ઓફિસ હતી. અહીંથી લગભગ 150 લોકોના રેસ્ક્યૂ કરાયા છે. બિલ્ડિંગમાં ફંસાયેલા 9 જેટલાં ઘાયલોને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રાહત અને બચાવ કાર્ય માટે 100 લોકો તૈનાત છે.ઈમારતના પહેલા માળે CCTVની ફેક્ટરી અને ગોદામ છે, તેમા લાગેલી આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું સમગ્ર બિલ્ડિંગને પોતાની ઝપટમાં લઈ લીધી હતી. ફેક્ટરીમાં મોટી સંખ્યામાં શ્રમિકો કામ કરતા હતા.
ઘટના સ્થળે 27 ફાયર બ્રિગેડના વાહનો
બિલ્ડિંગની બારીઓ તોડીને ધુમાડાની વચ્ચે લોકોને JCB મશીન અને ક્રેનની મદદથી નીચે ઉતારવામાં આવ્યા, તો કેટલાંક લોકોને દોરડાંની મદદથી નીચે ઉતારવામાં આવ્યા છે. હાલ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની 27 ગાડીઓ હતી.
દિલ્હી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી
દિલ્હી પોલીસે જણાવ્યું કે મેટ્રો સ્ટેશનના પિલર 544ની પાસે બનેલી 3 માળની આ કોમર્શિયલ બિલ્ડિંગ છે, જેનો ઉપયોગ ઓફિસ સ્પેસ તરીકે કંપનીઓને ભાડેથી આપી છે. પોલીસે જણાવ્યું કે આગ બિલ્ડિંગના પહેલા ફ્લોરથી શરૂ થઈ, જ્યાં CCTV કેમેરા અને રાઉટર મેન્યુફેક્ચરિંગ કંપની છે. પોલીસે કંપનીના માલિકની અટકાયત કરી છે.
રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો
દિલ્હીમાં થયેલી દુર્ઘટના પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક વ્યક્ત કર્યો છે. તેમને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે.
વડાપ્રધાન મોદીએ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ગોઝારી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. PM મોદીએ કહ્યું કે દિલ્હીમાં ભીષણ આગને લીધે લોકોના મોત થવાની ઘટનાથી ખૂબ જ દુખી છું. મૃતકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. ઈજાગ્રસ્તો જલ્દીથી સાજા થાય તેવી આશા રાખુ છું.
આ કારણથી સ્થિતિએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઈમારતમાં જગ્યા ઓછી હતી અને વધારે સંખ્યામાં લોકો કામ કરતા હતા. આ સંજોગોમાં આગ લાગતા ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જેને પગલે લોકો ત્યાંથી ભાગી શક્યા ન હતા અને આ ઘટનાનો શિકાર બન્યા હતા. ગોદામમાં આગ લાગી અને ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.