સહેજ માટે બચી ગયા:ચંદ્રયાન-નાસાના ઓર્બિટર વચ્ચે ટક્કર થતાં રહી ગઈ

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમયસૂચકતા દાખવી ઇસરોએ કક્ષા બદલતા અકસ્માત ટળ્યો

હાલમાં જ ઈસરોનું ચંદ્રયાન-2 અને અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસાનું લુનર રિકોનાઈસેન્સ ઓર્બિટર (LRO) એટલા નજીક આવી ગયા હતા કે, તે બંનેની ટક્કર લગભગ નિશ્ચિત હતી. જોકે, આ ટક્કર રોકવા માટે ઈસરોના વિજ્ઞાનીઓએ ગયા મહિને ચંદ્રયાન-2ની કક્ષામાં ફેરફાર કરી દીધો હતો.

આ અંગે ઈસરોએ માહિતી આપતા કહ્યું છે કે, ગયા મહિને ચંદ્રયાન-2 ઓર્બિટર અને એલઆરઓ ખૂબ નજીક આવી ગયા હતા. આ બંને નજીક આવ્યાના એક સપ્તાહ પહેલા ઈસરો અને નાસાએ વિશ્લેષણ કરીને તારણ કાઢ્યું હતું કે, અંતરિક્ષમાં આ બંને વચ્ચેનું રેડિયલ અંતર 100 મીટરથી ઓછું હશે, જ્યારે ચોક્કસ સમયે ઓછામાં ઓછું અંતર ફક્ત ત્રણ કિ.મી.નું હશે.

આ દરમિયાન ઈસરો અને નાસાએ માન્યું કે, આ જોખમ ઘટાડવા માટે એક સીએએમ (કોમન એરિયા મેઈન્ટેનન્સ)ની જરૂરિયાત છે. બાદમાં પરસ્પર સંમતિ બની કે, ઈસરોનું ઓર્બિટર ત્યાંથી જ પસાર થશે. ચંદ્રયાન-2 અને એલઆરઓ જે કક્ષામાં ચક્કર કાપે છે, ત્યાંથી તે બંને ચંદ્ર ધ્રુવો પર એકબીજાની નજીક આવી જાય છે. વિવિધ ડેટામાં પણ આ ટ્રેકિંગની પુષ્ટિ કરાઈ. બાદમાં ઈસરોએ ચંદ્રયાન-2ની કક્ષા બદલી નાંખી. હવે નજીકના ભવિષ્યમાં ચંદ્રયાન-2 અને એલઆરઓ એકબીજાની નજીક નહીં આવે.

અંતરિક્ષમાં પૃથ્વીની કક્ષામાં ઉપગ્રહોને કાટમાળના ટુકડા કે બીજા યાન સહિતની ચીજવસ્તુઓની ટક્કરનું જોખમ સર્જાવું સામાન્ય વાત છે. આ સ્થિતિમાં અંતરિક્ષ એજન્સીઓ પોતાના ઉપગ્રહની કક્ષા બદલી નાંખે છે, જેને કોમન એરિયા મેઈન્ટેનન્સ કહેવાય છે. જોકે, ઈસરોએ કોઈ અંતરિક્ષ મિશનમાં પોતાના યાનની કક્ષા બદલવા કોઈ બીજી એજન્સી સાથે આટલું ગંભીર રીતે કામ કર્યું હોય એવું પહેલીવાર બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...