ઑપેક વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય મોરચો:ક્રૂડ ઑઇલ મુદ્દે કૉલ્ડવૉર, ક્રૂડના રિઝર્વ સ્ટોકનો ઉપયોગ કરીને ઑપેકનું નાક દબાવવાનો વ્યૂહ

નવી દિલ્હી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રૂડના ભાવ ઘટાડવા ભારત-અમેરિકા-ચીન-જાપાને હાથ મિલાવ્યા
  • ભારત ક્રૂડનો 50 લાખ બેરલનો રિઝર્વ સ્ટોક રિલીઝ કરશે
  • અમેરિકાએ 5 કરોડ બેરલનો સ્ટોક વાપરવાની જાહેરાત કરી
  • ક્રૂડ આયાત કરવાને બદલે રિઝર્વ સ્ટોકનો ઉપયોગ કરીને ઑપેકનું નાક દબાવવાનો વ્યૂહ

ક્રૂડ ઑઇલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડવા માટે તથા ક્રૂડનું ઉત્પાદન વધારવા માટે ઑપેક (ઓર્ગેનાઇઝેશન ઑફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ) દેશો પર દબાણ લાવવા માટે ભારત, અમેરિકા, ચીન, જાપાન સહિતના દેશોએ મોરચો માંડ્યો છે.

આ માટેના વ્યૂહના ભાગરૂપ ભારત, અમેરિકાએ પોતાના અનામત જથ્થા (સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ)માંથી ક્રૂડ ઑઇલનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. મંગળવારે ભારતે પોતાના 38 મિલિયન બેરલ ક્રૂડના કુલ અનામત જથ્થામાંથી પહેલીવાર 50 લાખ બેરલ ક્રૂડ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો.

તો અમેરિકાએ પણ પોતાના અનામત જથ્થામાંથી 5 કરોડ બેરલ ક્રૂડ રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. જાપાન, ચીન અને દક્ષિણ કોરિયા પણ ક્રૂડનો પોતાનો રિઝર્વ સ્ટોક રિલીઝ કરશે એવી સંભાવના છે.

ભારતે પૂર્વ અને પશ્ચિમ કાંઠે કુલ ત્રણ જગ્યાએ અન્ડરગ્રાઉન્ડ ટાંકીઓમાં ક્રૂડનો રિઝર્વ સ્ટોક રાખ્યો છે, જેની ક્ષમતા 3.8 કરોડ બેરલની છે. સરકારના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે રિઝર્વ સ્ટોકમાંથી રિલીઝ કરાયેલું ક્રૂડ મેંગલોર રિફાઇનરી અને હિંદુસ્તાન પેટ્રોલિયમને વેચવામાં આવશે.

સરકારી માલિકીની આ બન્ને રિફાઇનરીઓ રિઝર્વ સ્ટોક સાથે પાઇપલાઇનથી જોડાયેલી છે. અધિકારીએ એમ પણ કહ્યું હતું કે આ અંગે ટૂંક સમયમાં ઔપચારિક જાહેરાત કરાશે તથા આગામી દિવસોમાં ભારત અનામત જથ્થામાંથી વધુ ક્રૂડ પણ રિલીઝ કરી શકે છે.

કેન્દ્ર સરકારે દિવાળીના એક દિવસ પહેલાં પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. જોકે હજુ પણ દેશનાં ઘણાં રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા અને ડીઝલ 90 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ છે.

ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટવાની સંભાવના
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના 29 સભ્ય દેશો ક્રૂડનો રિઝર્વ સ્ટોક ધરાવે છે. આ દેશો 90 દિવસની દૈનિક જરૂરિયાત જેટલો ક્રૂડનો જથ્થો અનામત રાખી શકે છે. આ દેશોમાં અમેરિકા, બ્રિટન, જર્મની, જાપાન તથા ઓસ્ટ્રેલિયા સામેલ છે. ચીન અને અમેરિકા બાદ જાપાન પાસે આ પ્રકારનો સૌથી મોટો રિઝર્વ સ્ટોક છે. જો આ દેશો રિઝર્વ સ્ટોકમાંથી ક્રૂડ રિલીઝ કરે તો દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો આવી શકે છે. ઓક્ટોબરના અંતમાં ક્રૂડ ઑઇલના ભાવ પ્રતિ બેરલ 85 ડૉલર થઈ ગયા હતા, જે 2014 પછી સૌથી વધુ હતા. જોકે હાલ આ ભાવ ઘટીને 80 ડૉલર થયા છે.

ભારતનો કુલ 38 મિલિયન બેરલ જથ્થો 3 સ્થળે સ્ટોર
ભારતે દેશના પૂર્વ અને પશ્ચિમ કાંઠે કુલ ત્રણ જગ્યાએ અન્ડરગ્રાઉન્ડ ટાંકીઓમાં ક્રૂડ ઑઇલનો અનામત જથ્થો સ્ટોર કર્યો છે. ભારતનો રિઝર્વ સ્ટોક અંદાજે 38 મિલિયન બેરલ છે. ભારત ક્રૂડની આયાત કરતો વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ છે.

શા માટે ઑપેક પર દબાણ લાવવાની જરૂરિયાત સર્જાઈ?
કોરોનાકાળમાં દુનિયાભરમાં ક્રૂડ ઑઇલના વપરાશમાં ઘટાડો થયો હતો, જેને કારણે ક્રૂડ ઉત્પાદક દેશો પણ ઉત્પાદન ઘટાડ્યું હતું. કોરોનાની અસર હળવી થતાં વિશ્વભરમાં લૉકડાઉન દૂર થયું હતું, જેને કારણે પેટ્રોલ-ડીઝલ સહિતની પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ વધવાથી ક્રૂડની ડિમાન્ડ વધી હતી. આ માગને પહોંચી વળવા માટે ઑપેક દ્વારા ઉત્પાદન વધારવામાં આવ્યું નહોતું, જેને કારણે ક્રૂડના ભાવ પણ ઊંચકાયા હતા. ભાવ ઘટે અને માગને પહોંચી વળવા માટે ઉત્પાદન વધારવાની ઑપેકને વિનંતીઓ કરવામાં આવી હતી, જેની સામે ઑપેકે નમતું જોખ્યું નહોતું. આ કારણોસર અમેરિકા, ભારત, ચીન સહિતના દેશોને આ અસાધારણ પગલું ભરવું પડ્યું.

ભારતનો દૈનિક વપરાશ 4.8 મિલિયન બેરલ
ભારતે રિઝર્વ સ્ટોકમાંથી 5 મિલિયન બેરલ ક્રૂડ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે, જે દેશના દૈનિક ઑઇલ વપરાશ 4.8 મિલિયન બેરલ જેટલો થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી 7-10 દિવસમાં આ સ્ટોક રિલીઝ કરવામાં આવશે.

દબાણ વધારવા અમેરિકાએ વિનંતી કરી હતી
ઑપેક દેશો દ્વારા ક્રૂડનું ઉત્પાદન વધારવામાં નહીં આવતાં આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો થતો નહોતો. આ અંગે ઑપેક દેશોને ઉત્પાદન વધારવા વિનંતી કરવામાં આવી હતી, જેને તેમણે નકારી હતી. બાદમાં અમેરિકાએ ઑપેક દેશો પર દબાણ લાવવા માટે ક્રૂડની સૌથી વધુ આયાત કરતા ભારત, ચીન, જાપાન જેવા દેશોને પોતાના રિઝર્વ સ્ટોકમાંથી જથ્થો રિલીઝ કરવા માટે વિનંતી કરી હતી.

ઑપેક દેશો: ઇરાન, ઇરાક, કુવૈત, લિબિયા, સાઉદી અરેબિયા, નાઇજીરિયા, કોંગો, યુએઇ, વેનેઝુએલા, અલ્જેરિયા, અંગોલા અને ઇક્વાટોરિયલ ગુએના.