• Gujarati News
  • National
  • The Chinese Army Was Seen Fleeing To Its Border To Avoid The Beating Of The Indian Soldiers

ભારતીય સૈનિકોએ ચીનીઓને ફટકાર્યા...VIDEO:ચીની સેના પોતાની સરહદ તરફ મુઠ્ઠી વાળીને ભાગી, કારગિલ જેવું કાવતરું રચ્યું હતું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અરુણાચલમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થયાનો વીડિયો સામે આવ્યો છે. એમાં ચીની સૈનિકોએ ટેમ્પરરી દીવાલ પરની ફેન્સિંગ તોડીને ભારતની સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં જ તૈયાર ભારતીય સૈનિકોએ જોરદાર લડાઈ કરીને તેમને ભગાડ્યા.

સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયોમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે, જોકે આ વીડિયોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

2 મિનિટ 47 સેકન્ડના વીડિયોમાં શું છે?
આ વીડિયોમાં ભારતીય સૈનિક ચીની સેનાનો જોરદાર મુકાબલો કરે છે. ચીની સૈનિકોના હાથમાં લાકડી, કાંટાળા ડંડા દેખાઈ રહ્યા છે. ખભા પર આધુનિક રાઈફલ લટકેલી જોવા મળી રહી છે. તેઓ પોતાની સાથે વીડિયોગ્રાફી માટે ડ્રોન પણ લઈને આવ્યા હતા. સામે ભારતીય સૈનિકો પણ કાંટાળા ડંડા લઈને ઊભા હતા. ચીની સૈનિકો તાર તોડીને અંદર ઘૂસવાનો પ્રયાસ કરે છે ત્યારે ભારતીય સૈનિકો સામનો કરે છે. ચીની સૈનિકોને પાછળ હટવા મજબૂર કરે છે.

વાસ્તવમાં ભારતીય સૈનિકોને પણ ચીની સૈનિકોની હરકતો પર શંકા હતી અને તેઓ પણ તેમને સમાન હથિયારોથી જડબાંતોડ જવાબ આપવા માટે તૈયાર હતા. જ્યારે બંને સેના આમને-સામને આવી ત્યારે ભારતીય જવાનોએ ચીની સૈનિકોને જોરદાર ફટકાર્યા. ત્યાર પછી ડરી ગયેલી ચીની સેનાએ ત્યાંથી દોટ મૂકી. અથડામણમાં ઘણા ચીની સૈનિકોનાં હાડકાં તૂટી ગયાં હતાં, જેમાં ભારતના 6 સૈનિક ઘાયલ થયા હતા.

10 પોઈન્ટમાં સમજો અથડામણની કહાની...
1.આ ઘટના ક્યારે બની
9 ડિસેમ્બરની. અરુણાચલના તવાંગના યાંગત્સેમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો.

2. તવાંગમાં અથડામણ બાદ યોજાઈ ફ્લેગ મીટિંગ, ચીનને કહ્યું- આવું વર્તન ન કરો
ભારતના જવાબી હુમલા પછી, 11 ડિસેમ્બરે ફ્લેગ મીટિંગ થઈ અને આ મુદ્દો શાંત થયો. હાલમાં બંને દેશોની સેના વિવાદાસ્પદ સ્થળ પરથી હટી ગઈ છે. ચીનને આવી કાર્યવાહી માટે મનાઈ કરવામાં આવી હતી અને શાંતિ જાળવવા માટે કહેવામાં આવ્યું હતું. રાજદ્વારી સ્તરે પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

3.અરુણાચલના CM અને ભાજપ સાંસદે કહ્યું-જડબાંતોડ જવાબ આપીશું
તવાંગમાં ભારત-ચીન આમને-સામને થતાં અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુએ કહ્યું-યાંગત્સે મારા વિધાનસભા વિસ્તારમાં આવે છે અને દર વર્ષે વિસ્તારના સૈનિકો અને લોકો સાથે મુલાકાત કરું છું. હવે આ 1962 નથી. કોઈ અતિક્રમણ કરવાના પ્રયત્નો કરે છે, તો આપણા બહાદુર સૈનિક તેમને જવાબ આપશે. ઈંટનો જવાબ પથ્થરથી નહીં, ઈંટનો જવાબ લોખંડથી આપીશું.

4. સંસદમાં રાજનાથ અને બહાર અમિત શાહે આપ્યો જવાબ
રાજનાથે લોકસભામાં કહ્યું-આપણી સેના પ્રાદેશિક અખંડિતતાની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. કોઈપણ પ્રયાસને રોકવા તત્પર છે. વિશ્વાસ છે ગૃહ સેનાની વીરતા અને સાહસને સમર્થન આપશે. આ સંસદ કોઈપણ શંકા વિના ભારતીય સેનાની બહાદુરીને અભિનંદન પાઠવશે.

તવાંગ અથડામણને લઈને સંસદમાં હોબાળો થયો. ગૃહમંત્રી અમિત શાહે સંસદની બહાર કહ્યું હતું કે ચીને ભારતની એક ઇંચ જમીન પર પણ કબજો કર્યો નથી.

5. રક્ષામંત્રીના નિવેદન પછી ચીનનું નિવેદન પણ આવ્યું
રક્ષામંત્રીના નિવેદન પછી ચીને પણ પોતાનું નિવેદન આપ્યું છે. ન્યૂઝ એજન્સી અનુસાર, ચીને કહ્યું, ભારતીય સીમા પર પરિસ્થિતિ સ્થિર છે. અમે ભારતને કહ્યું કે સરહદ પર શાંતિ સ્થાપવા અમારી મદદ કરો. સાંજ સુધી ચીની સેનાના એક પ્રવક્તાનું નિવેદન પણ સામે આવ્યું છે.

ચીની આર્મી પીએલએના વરિષ્ઠ અધિકારી અને વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા લોંગ શૌહુઆએ કહ્યું- ભારતીય સૈનિકો ગેરકાયદે રીતે સરહદ પાર કરીને ચીની સૈનિકોના રસ્તામાં આવી ગયા, જેને કારણે બંને તરફથી વિવાદ વધી ગયો. અમે ધારાધોરણો અનુસાર સખત જવાબ આપ્યો, જેના પગલે સરહદ પર સ્થિતિ થઈ છે.

6. ફાઈટર એરક્રાફ્ટે 3 વખત ચીની ડ્રોનની ઘૂસણખોરી અટકાવી
તવાંગમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થયા બાદ ભારતીય વાયુસેના (IAF)એ અરુણાચલ સરહદ પર લડાયક હવાઈ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. તવાંગમાં અથડામણ પહેલાં પણ ચીને અરુણાચલ સરહદે પોતાના ડ્રોન મોકલવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી IAF એ તરત જ અરુણાચલ સરહદ પર એનાં ફાઇટર એરક્રાફ્ટને તહેનાત કરી દીધા.

7.અથડામણનો વીડિયો થયો વાઇરલ, યુઝર્સે કહ્યું- Tawang says hi... 9 ડિસેમ્બરે અરુણાચલના તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણનો વર્લ્ડ મીડિયામાં ઉલ્લેખ થઈ રહ્યો છે. હોંગકોંગની સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે જણાવ્યું હતું કે અથડામણ બાદ બંને દળો તેમના વિસ્તારોમાં પાછા ફર્યા હતા.

બીબીસીએ લખ્યું - અથડામણમાં ભારત કરતાં ચીની સૈનિકોને વધુ નુકસાન થયાના સમાચાર છે. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો પણ વાઇરલ થઈ રહ્યા છે. યુઝર્સ કહી રહ્યા છે કે આ તવાંગ અથડામણનો વીડિયો છે. ભાસ્કર આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

8. ગયા વર્ષે 200 ચીની સૈનિકે ઘૂસણખોરીના કર્યા હતા પ્રયાસ
ગયા વર્ષે આ વિસ્તારમાં 200 ચીની સૈનિકોએ ઘૂસણખોરીના પ્રયાસ કર્યા હતા. ત્યારે પણ ભારતીય સૈનિકોએ એને નિષ્ફળ બનાવી દીધા હતા. ત્યાર બાદ પેટ્રોલિંગ દરમિયાન બંને દેશોના સૈનિકો સીમા વિવાદને લઈને આમને-સામને આવી ગયા અને આ ઘટના થોડા કલાકો સુધી ચાલી. જોકે આમાં ભારતીય સૈનિકોને કોઈ નુકસાન થયું ન હતું અને પ્રોટોકોલ અનુસાર, વાતચીત દ્વારા વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.

9. ગલવાનમાં અથડામણ થઈ, ભારતના 20 જવાન શહીદ અને ચીનના 38
15 જૂન 2020ના રોજ, લદાખની ગલવાન ઘાટીમાં બંને સેના વચ્ચેની અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા, જ્યારે 38 ચીની સૈનિકો માર્યા ગયા. જોકે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ માત્ર 4 સૈનિકો માર્યા ગયા હોવાની વાત સ્વીકારી હતી.

10. ચીને અરુણાચલની પાસેના વિસ્તારનાં 15 સ્થળનાં નામ બદલી નાખ્યા
ગયા વર્ષે ચીને અરુણાચલ પ્રદેશની સરહદે આવેલા પ્રદેશમાં 15 સ્થળને ચીની અને તિબેટિયન નામ આપ્યા હતા. ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે કહ્યું- આ અમારી સંપ્રભુતા અને ઈતિહાસના આધારે ઉઠાવવામાં આવેલું પગલું છે. આ ચીનનો અધિકાર છે.

વાસ્તવમાં ચીન દક્ષિણ તિબેટને પોતાનો વિસ્તાર ગણાવે છે. તેનો આરોપ છે કે ભારતે તેના તિબેટના પ્રદેશ પર કબજો કરી તેને અરુણાચલ પ્રદેશ બનાવી દીધો. આ પહેલાં 2017માં ચીને 6 જગ્યાનાં નામ બદલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...