સુપ્રીમ કોર્ટે મંગળવારે પેગાસસ જાસૂસી કેસ સંબંધિત નવ અરજીઓ પર સુનાવણી કરી હતી. આ દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારનો જવાબ દાખલ કરવા માટે વધુ સમય માંગ્યો હતો. આ પછી કોર્ટે સુનાવણી 16 ઓગસ્ટ સુધી મુલતવી રાખી હતી. સાથે જ મુખ્ય ન્યાયાધીશ (CJI) એનવી રમનાએ આ બાબતે સોશિયલ મીડિયા અને વેબસાઇટ્સ પર ચાલી રહેલી ચર્ચા સામે વાંધો ઉઠાવતા અરજદારોને શિસ્તબદ્ધ રહેવાની સૂચના આપી હતી.
CJI એ અરજદારોને કહ્યું, 'કોઈએ મર્યાદા પાર ન કરવી જોઈએ. દરેકની વાત સાંભળવામાં આવશે. અમે ચર્ચાની વિરુદ્ધ નથી, પરંતુ જો મામલો કોર્ટમાં છે, તો તેના વિશે અહીં વાત કરવી જોઈએ.
પેગાસસ કેસમાં પત્રકારો, વકીલો, સામાજિક કાર્યકરો અને એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા દ્વારા અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં SIT તપાસની માંગણી કરવામાં આવી છે. 5 ઓગસ્ટના રોજ થયેલી સુનાવણીમાં CJI એ કહ્યું હતું કે જો જાસૂસી સંબંધિત અહેવાલો સાચા હોય તો આ ગંભીર આરોપો છે. આ સાથે, તમામ અરજદારોને તેમની અરજીઓની નકલો કેન્દ્ર સરકારને આપવાનું કહેવામાં આવ્યું હતું, જેથી કોઈ વ્યક્તિ નોટિસ લેવા માટે હાજર રહે.
ફ્રેમવર્ક વિના જ અરજીઓ દાખલ કરવા બાબતે પણ કોર્ટે સવાલ ઉઠાવ્યા હતા. સાથે જ કેન્દ્રને તરત જ નોટિસ જાહેર કરવા બાબતે પણ ઇનકાર કરી દીધો હતો. ગત સુનાવણીની શરૂઆતમાં જ CJIએ કહ્યું હતું, 'જાસૂસીનો રિપોર્ટ 2019માં સામે આવ્યો હતો. મને ખબર નથી કે વધુ જાણકારી મેળવવા માટે શું પ્રયાસ કરવામાં આવ્યા. હવે આ મુદ્દો કેમ ઉઠાવવામાં આવે છે? પિટિશનર્સ કાયદાના નિષ્ણાત લોકો છે, પરંતુ અમારી તરફેણમાં સંબંધિત સામગ્રી ભેગી કરવા માટે પૂરતી મહેનત કરી નથી જેથી અમે તપાસનો આદેશ આપી શકીએ. જેઓ પોતાને અસરગ્રસ્ત હોવાનો દાવો કરી રહ્યા છે, તેમણે FIR પણ નોંધાવી નથી.
અરજદારની માંગ- સરકાર જણાવે કે શું પેગાસસનો ઉપયોગ કર્યો?
અરજદારે અપીલ કરી હતી કે પેગાસસ કેસની તપાડ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત કે હાલના જજની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવે. કેન્દ્રને તે જણાવવા માટે કહેવામા આવે કે શું સરકાર કે પછી તેની કોઈ એજન્સીએ પ્રત્યક્ષ કે પરોક્ષ રોતે જાસૂસી માટે પેગાસસ સ્પાઇવેરનો ઉપયોગ કર્યો છે? શું પેગાસસ સૉફ્ટવેરની લાયસન્સ લેવામાં આવ્યું હતું?
અરજદારોએ એમ પણ કહ્યું છે કે લશ્કરી ગ્રેડના સ્પાયવેર સાથે જાસૂસી કરવી એ ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે. પત્રકારો, ડોકટરો, વકીલો, એક્ટિવિસ્ટ, મંત્રીઓ અને વિપક્ષી દળોના નેતાઓના ફોન હેક કરવા એ વાણી સ્વાતંત્ર્યના અધિકાર સાથે સમાધાન છે.
શું છે પેગાસસ વિવાદ?
પત્રકારોનું એક આંતરરાષ્ટ્રીય ગ્રુપ દાવો કરે છે કે, ઇઝરાયેલી કંપની NSO ના જાસૂસી સોફ્ટવેર પેરાસસ દ્વારા 10 દેશોમાં 50,000 લોકોની જાસૂસી કરાઈ હતી. ભારતમાં અત્યાર સુધીમાં 300 નામ સામે આવ્યા છે, જેમના ફોન પર નજર રાખવામાં આવી હતી. તેમાં સરકારમાં મંત્રીઓ, વિપક્ષના નેતાઓ, પત્રકારો, વકીલો, ન્યાયાધીશો, ઉદ્યોગપતિઓ, અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને એક્ટિવિસ્ટનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.