નીટ-પીજી:કેન્દ્ર સરકાર EWSની 8 લાખની આવકમર્યાદા પર પુનર્વિચાર કરશે

નવી દિલ્હી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેડિકલ પ્રવેશમાં અનામત મુદ્દે સુપ્રીમમાં રજૂઆત

કેન્દ્ર સરકાર મેડિકલમાં એડમિશનમાં આર્થિક રીતે નબળા (EWS) વર્ગને અનામત માટે 8 લાખ રૂપિયા વાર્ષિક આવકમર્યાદા અંગે ફેરવિચાર કરશે. તે નવેસરથી નક્કી કરાશે. ત્યાં સુધી કાઉન્સેલિંગ નહીં થાય. કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમકોર્ટમાં આમ જણાવ્યું. તેમણે કહ્યું કે ક્રીમિલેયર નક્કી કરવા સમિતિ રચાશે, જે ચાર અઠવાડિયામાં નિર્ણય લેશે. ત્યાર બાદ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની બેન્ચે આ સંદર્ભે થયેલી અરજીઓ મામલે સુનાવણી આગામી 6 જાન્યુઆરી સુધી મુલતવી રાખી.

સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે આર્થિક રીતે નબળા વર્ગને અનામત પ્રગતિશીલ અને સારો નિર્ણય છે. કેન્દ્રના પ્રયાસને રાજ્યોએ ટેકો આપવો જોઇએ. એકમાત્ર સવાલ એ છે કે EWSનું ક્રીમિલેયર વૈજ્ઞાનિક ઢબે નક્કી થવું જોઇએ. નિર્ધારિત માપદંડો સંદર્ભે ફેરવિચારના કેન્દ્ર સરકારના નિર્ણયની અમે સરાહના કરીએ છીએ. સુનાવણી દરમિયાન એમ પણ જણાવાયું કે સરકાર આ સંદર્ભે નવી વ્યવસ્થા આગામી સત્રથી લાગુ કરે પરંતુ મહેતાએ કહ્યું કે તે ઠીક નહીં ગણાય.

નોંધનીય છે કે કોર્ટ અનામત મુદ્દે જારી નોટિસને પડકારતી કેન્દ્ર અને મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા 29 જુલાઇએ કરાયેલી અરજીઓ મામલે સુનાવણી કરી રહી છે. નોટિસમાં કેન્દ્રના ક્વોટાની બેઠકો પર ઓબીસી માટે 27% અને ગરીબ સવર્ણો માટે 10% અનામત અપાઇ છે, જે નીટ-પીજીના વર્તમાન શૈક્ષણિક સત્રથી જ લાગુ કરાઇ છે.

નીટ-યુજી: એક પ્રશ્નના હિન્દી અનુવાદની તપાસનો આદેશ

  • નીટ-યુજી 2021 એક્ઝામના પ્રશ્નપત્રમાં ફિઝિક્સના એક પ્રશ્નના હિન્દી અનુવાદમાં ભૂલ મામલે સુપ્રીમકોર્ટે કેન્દ્રને તપાસ કરવા કહ્યું છે. જસ્ટિસ ચંદ્રચૂડની બેન્ચે કહ્યું કે આ મામલે આગામી સુનાવણી 30 નવેમ્બરે થશે. ખોટા અનુવાદને કારણે પરેશાન વિદ્યાર્થીઓએ આ પ્રશ્ન હટાવવાની દાદ માગતી અરજી કરી હતી. સુપ્રીમકોર્ટે જે-તે ભૂલ ફરી ચકાસવા નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસેથી જવાબ માગ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...