• Gujarati News
  • National
  • The Central Government Has Allowed Vaccination In Offices, And Employees As Well As Family Members Can Be Vaccinated

વર્કપ્લેસ પર વેક્સિનેશનને મંજૂરી:કેન્દ્ર સરકારે ઓફિસોમાં વેક્સિન લગાવવા મંજૂરી આપી, કર્મચારીઓ સાથે પરિવારના સભ્યોને પણ વેક્સિન આપી શકાશે

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં 21 કરોડ ડોઝ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને કેન્દ્ર સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાયા છે

કેન્દ્ર સરકારે વેક્સિનેશન અંગે વધુ એક મહત્વનું પગલું ભરતા ખાનગી તથા સરકારી ઓફિસોમાં આ માટે મંજૂરી આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે જાહેર કરવામાં આવેલા એક પત્ર પ્રમાણે સરકારી અને ખાનગી ઓફિસમાં કર્મચારીઓ સાથે તેમના પરિવારના સભ્યોને પણ વેક્સિન લગાવી શકાશે. વધુને વધુ લોકોનું વેક્સિનેશન થઈ શકે તે માટે કંપનીઓ હોસ્પિટલો મારફતે સીધા જ ઉત્પાદકો પાસેથી વેક્સિન ખરીદી શકશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ઈન્ડસ્ટ્રીઝ કોવિડ વેક્સિન સેન્ટર તથા પ્રાઈવેટ વર્કપ્લેસમાં બનેલા કેન્દ્ર પર એવી પ્રાઈવેટ હોસ્પિટલની ટીમ વેક્સિનેશન કરશે કે જેની સાથે એમ્પ્લોયરનું ટાઈ-અપ છે. જ્યારે સરકારી ઓફિસોમાં 45 વર્ષથી ઉપરના લોકોને કેન્દ્ર તરફથી તથા 18 વર્ષથી 44 વર્ષ સુધીના કર્મચારીઓને રાજ્ય તરફથી વેક્સિન લગાવવાની વ્યવસ્થા કરવા કહેવામાં આવ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલવામાં આવેલો પત્ર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલવામાં આવેલો પત્ર

ખાનગી ક્ષેત્રને હોસ્પિટલ મારફતે ખરીદવાની રહેશે વેક્સિન
સ્વાસ્થ્ય મંત્રાલયના એડિશનલ સેક્રેટરી વિકાસ શીલે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કહ્યું છે કે ખાનગી ક્ષેત્રની ઓફિસ સીધી જ વેક્સિન ખરીદી શકશે નહીં. આ માટે કોઈ હોસ્પિટલ સાથે ટાઈ-અપ કરવાનું રહેશે, જે તેમના માટે સીધા જ કંપનીઓ પાસેથી વેક્સિન ખરીદશે.

રાજ્યોને ફ્રી વેક્સિન આપી રહી છે કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકારે રાજ્યોને આ સાથે એવી સુવિધા આપી છે કે તેઓ વેક્સિન ઉત્પાદક કંપની પાસેથી વેક્સિન ખરીદી શકશે. આ ઉપરાંત પ્રત્યેક મહિને કેન્દ્રીય ઔષધિ લેબોરેટરી (CDL) દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઉત્પાદકની વેક્સિનના 50 ટકા ડોઝ ભારત સરકાર ખરીદશે. આ વેક્સિનને કેન્દ્ર ફ્રીમાં રાજ્ય સરકારોને ઉપલબ્ધ કરાવશે.

કેન્દ્રએ અત્યાર સુધી 21 કરોડ વેક્સિન ડોઝ મોકલ્યા
દેશમાં અત્યાર સુધીમાં 21 કરોડ વેક્સિનના ડોઝ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને કેન્દ્ર સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાઈ છે. રાજ્યોમાં મહારાષ્ટ્રને સૌથી વધારે 2.1 કરોડથી વધારે, ઉત્તર પ્રદેશને 1.74 કરોડ, રાજસ્થાનને 1.60 કરોડ, ગુજરાતને 1.62 કરોડ, પશ્ચિમ બંગાળને 1.34 કરોડ, કર્ણાટકને 1.18 કરોડ અને મધ્ય પ્રદેશને 1.07 કરોડથી વધારે ડોઝ ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.