• Gujarati News
  • National
  • The Central Government Accepted The Demand Of The Jain Society And Also Instructed To Form A Committee

સમ્મેત શિખર પર નહીં થાય ઈકો ટુરિઝમ એક્ટિવિટી:સરકારે જૈન સમાજની માગણી સ્વીકારી; પર્વત પર દારૂ, ડ્રગ્સ માંસના વેચાણ પર પ્રતિબંધ

એક મહિનો પહેલા

ઝારખંડના પારસનાથમાં જૈન તીર્થસ્થળ સમ્મેત શિખર ખાતે પ્રવાસન અને ઈકો-ટૂરિઝમ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુરુવારે કેન્દ્ર સરકારે ત્રણ વર્ષ પહેલાં જાહેર કરેલા આદેશને પરત ખેંચી લીધો. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં તમામ પ્રવાસન અને ઈકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપવામાં આવી છે.

આ સિવાય કેન્દ્ર સરકારે એક કમિટીની રચના કરી છે. તેમાં જૈન સમુદાયના બે સભ્યો અને સ્થાનિક આદિવાસી સમુદાયના એક સભ્યનો સમાવેશ થશે.

ભૂપેન્દ્ર યાદવે ગુરુવારે દિલ્હીમાં જૈન સમાજના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. આ પછી યાદવે કહ્યું- જૈન સમાજને ખાતરી આપવામાં આવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સમ્મેત શિખર સહિત જૈન સમાજનાં તમામ ધાર્મિક સ્થળો પર તેમના અધિકારોની રક્ષા અને જાળવણી માટે પ્રતિબદ્ધ છે.

પારસનાથ પર્વત પર આ પ્રવૃત્તિઓ પર રહેશે પ્રતિબંધ

  • દારૂ, ડ્રગ્સ અને અન્ય માદક પદાર્થોનું વેચાણ
  • મોટેથી મ્યુઝિક અથવા લાઉડસ્પીકર વગાડવું
  • પાળતુ પ્રાણીઓ સાથે આવવા પર પ્રતિબંધ
  • અનધિકૃત કેમ્પિંગ અને ટ્રેકિંગ
  • માંસાહારી ખોરાકનું વેચાણ

આ સિવાય પાણીના સ્ત્રોત, છોડ, ખડકો, ગુફાઓ અને મંદિરોને નુકસાન પહોંચાડતી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે.

પર્યાવરણ મંત્રાલયની બે પાનાનું નોટિફિકેશન નીચે વાંચો…

સમ્મેત શિખરનું મહત્ત્વ જાણો
ઝારખંડના હિમાલય તરીકે ગણાતા આ સ્થળ પર જૈનોનું પવિત્ર તીર્થ શિખરજી સ્થાપિત છે. આ પુણ્ય વિસ્તારમાં જૈન ધર્મના 24માંથી 20 તીર્થંકરોને મોક્ષ પ્રાપ્તિ થઈ. 23મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ પણ અહીં નિર્વાણ પામ્યા હતા. પવિત્ર પર્વતના શિખર સુધી પહોંચવા માટે ભક્તો પગપાળા અથવા ડોલી દ્વારા જાય છે. જંગલો અને પર્વતોના દુર્ગમ માર્ગોમાંથી પસાર થઈને નવ કિલોમીટરની યાત્રા કરી તેઓ શિખર પર પહોંચે છે.

વિરોધ કેમ થઈ રહ્યો છે
આ મુદ્દે સમ્મેત શિખરમાં બિરાજમાન મુનિશ્રી પ્રમાણ સાગરજીએ કહ્યું કે સમ્મેદ શિખર ઇકો ટૂરિઝમ નહીં, ઇકો તીર્થ હોવું જોઇએ. સરકારે સમગ્ર પરિક્રમાનો વિસ્તાર અને તેની 5 કિલોમીટરના વિસ્તારને પવિત્ર સ્થળ તરીકે જાહેર કરે, જેથી તેની પવિત્રતા જળવાઈ રહે. જૈન સમાજને આશંકા છે કે પ્રવાસન સ્થળ બન્યા બાદ અહીં માંસ-દારૂ વગેરેનું વેચાણ થશે, તે સમાજની ભાવના-માન્યતા વિરુદ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...